મુંબઈ, તા. 09 મે, 2019, ગુરૂવાર
રેટિંગ એજન્સીઓ ફરી એક વખત સિક્યુરિટીઝ એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નજર હેઠળ આવી ગઈ છે. આ વખતે સેબીએ પ્રમોટરોના શેર્સના પીઠબળ સાથેના પેપર્સમાં રોકાણ કરતી મ્યુચ્યુઅલ ફન્ડોની ડેબ્ટ સ્કીમ્સને રેટિંગ એજન્સીઓ શેના આધારે રેટિંગ્સ પૂરા પાડે છે તે જાણવા માગ્યું હતું. શેર્સના ટેકા સાથેના પેપર્સમાં રોકાણને શેર્સની સામે લોન્સ તરીકે પણ ઓળખવામાં આવે છે.
શેરબજારમાં જ્યારે કરેકશન આવે છે અને શેર્સની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે રેટિંગ એજન્સીઓ શેર્સની સામે લોન્સના સાધનનું પૂનર્મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે પણ સેબી સમજવા માગતું હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
એસ્સેલ જુથના પ્રમોટરો સાથે મોટાભાગના ફન્ડ હાઉસોએ સ્થગિતિના કરાર કરતા શેર્સની સામે લોન્સના સાધન સેબીની નિયમનકારી તપાસ હેઠળ આવી ગયા છે. આ કરાર હેઠળ ફન્ડ હાઉસો અને અન્ય ધિરાણદારો જુથના પ્રમોટરોના પ્લેજ કરાયેલા શેરોનું વેચાણ કરશે નહીં. લોન્સના રિપેમેન્ટ માટે પ્રમોટરોએ સપ્ટેમ્બર સુધીનો સમય માગ્યો છે.
સામાન્ય સ્થિતિમાં એક ધિરાણદાર પોતાની રકમ વસૂલવા ગીરવે મુકાયેલા શેર્સનું વેચાણ કરી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આ અધિકારનો ઉપયોગ કરીને રિલાયન્સ મ્યુચ્યુઅલ ફન્ડે રૂપિયા ૪૦૦ કરોડની વસૂલી માટે પોતાની પાસે ગીરવે મુકાયેલા શેર્સનું વેચાણ કર્યું હતું.
એસ્સેલ જુથના પ્લેજ શેરોનું એકસાથે વેચવાલી આવે તો તેના ભાવમાં જંગી ઘટાડો થવાની શકયતા રહેલી છે, એમ બજારના અભ્યાસુએ જણાવ્યું હતું. આ અગાઉ ઈન્ફ્રાસ્ટ્રકચર લીઝિંગ એન્ડ ફાઈનાન્સિઅલ સર્વિસીઝ (આઈએલએન્ડએએફએસ)ના પ્રકરણમાં રેટિંગ એજન્સીઓ શંકાના ઘેરામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનિય છે કે આઈએલએન્ડએફએસની જુથ કંપનીઓ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળાથી ડિફોલ્ટ થવા લાગી હતી. તેના કેશ ફલોઝ કરતા તેણે ચૂકવવાની રહેતી રકમનો આંક ઘણો જ ઊંચો રહ્યો હતો. આ ડિફોલ્ટસને કારણે નાણાં બજારમાં લિક્વિડિટીની ખેંચ ઊભી થઈ હતી.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PXX7j2
via Latest Gujarati News
0 Comments