આજના ચૂંટણી પરિણામમાં 724 મહિલા ઉમેદવારોનું ભાવિ નિશ્ચિત થશે


(પીટીઆઇ) નવીદિલ્હી, તા. 22 મે, 2019, બુધવાર

દેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણીના આવતીકાલે તા.૨૩ મે એ જાહેર થનારા પરિણામો સાથે ચૂંટણી-જંગમાં ઝૂકાવનારાં ૭૨૪ મહિલા ઉમેદવારોનું ભાવિ પણ નક્કી થઇ જશે. આ સંસદીય ચૂંટણીમાં કુલ ૭૯૨૮ ઉમેદવારો સાંસદ બનવાની હોડમાં ઉતર્યા છે.

કોંગ્રેસ સૌથી વધુ ૫૪ જ્યારે ભાજપ ૫૩ મહિલા ઉમેદવારોને ચૂંટણી લડાવી રહ્યો છે. અન્ય રાષ્ટ્રીય રાજકીય પક્ષો પૈકી બસપા-૨૪, ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ-૨૩, સીપીઆઇ (એમ)-૧૦, સીપીઆઇ-૪, જ્યારે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષ-૧ મહિલા ઉમેદવારોને ચૂંટણીમાં ઉભા રાખ્યા છે. ૨૨૨ મહિલા ઉમેદવારો અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યાં છે.

ચાર ટ્રાન્સજેન્ડર ઉમેદવારો પણ અપક્ષ રૂપે ચૂંટણી લડી રહ્યા છે, એકમાત્ર આમ આદમી પાર્ટીએ ટ્રાન્સજેકર ઉમેદવારને ઊભાં રાખ્યાં છે.૧૦૦ (૧૫ ટકા) મહિલા ઉમેદવારોએ એમની સામે ફોજદારી ગુન્હા નોંધાયેલા હોવાનું, જ્યારે ૭૮ (૧૧ ટકા) મહિલા ઉમેદવારોએ એમની સામે ગંભીર ફોજદારી કેસ થયા હોવાનું જાહેર કર્યું છે, એમ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઇલેક્શન વોચ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં  જણાવાયું છે.

જેમની સામે ફોજદારી ગુન્હા નોંધાયા છે એવા ૧૦૦ મહિલા ઉમેદવારો પૈકી ૧૩ ભાજપના છે. જ્યારે ૧૦ ઉમેદવારો કોંગ્રેસના છે. જ્યારે સાત મહિલા ઉમેદવારો એમની સામે નોંધાયેલા, વૈમનસ્ય ફેલાવતા ભાષણો કરવાના કેસનો સામનો કરી રહ્યા છે. એડીઆર રિપોર્ટમાં જણાવાયાનુસાર ૭૧૬ મહિલા ઉમેદવારો પૈકી ૨૫૫ (૩૫ ટકા) કરોડપતિ છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં આ આંકડો ૨૧૯ (૩૩ ટકા) હતો.

મોટા રાજકીય પક્ષો પૈકી ઉમેદવારદીઠ સંપત્તિનું સરેરાશ મૂલ્ય આ મુજબ છે : કોંગ્રેસ - રૂા.૧૮.૮૪ કરોડ, ભાજપ - રૂા.૨૨.૦૯ કરોડ, બસપા - રૂા.૩.૦૩ કરોડ, તૃણમૂલ કોંગ્રેસ - રૂા.૨.૬૭ કરોડ સીપીઆઇ-એમ - રૂા.૧.૩૩ કરોડ, સમાજવાદી પક્ષ - રૂા.૩૯.૮૫ કરોડ, જ્યારે આપ - રૂા.૨.૯૨ કરોડ, ૨૨૨ અપક્ષ મહિલા ઉમેદવારો - રૂા.૧.૬૩ કરોડ.

રૂા.૨૫૦ કરોડના મૂલ્યની સંપત્તિ સાથે ભાજપના મથુરાના ઉમેદવાર હેમા માલિની આ ચૂંટણીમાં સૌથી શ્રીમંત મહિલા ઉમેદવાર ઠર્યા છે. એ પછીના ક્રમે તેલગુદેશમ પક્ષના આંધ્રના રાજામપેટ બેઠકના ઉમેદવાર ડી.એ. સત્યપ્રભા (રૂા.૨૨૦ કરોડ), અને શિરોમણિ અકાલી દળના પંજાબના ભટિંડાના ઉમેદવાર હરસિમરત કૌર બાદલ (રૂા.૨૧૭ કરોડ) આવે છે, એમ આ ઉમેદવારોએ ચૂંટણી પંચ સમક્ષ કરેલા સોગંદનામામાં જણાવાયું છે. સાત અપક્ષ મહિલા ઉમેદવારો પાસ કોઇ સંપત્તિ નથી.

કુલ ૨૩૨ (૩૨ ટકા) મહિલા ઉમેદવારોએ ધોરણ-૫ થી ધોરણ-૧૨ સુધીનું શિક્ષણ મેળવ્યું છે, જ્યારે ૩૯૬ (પંચાવન ટકા) ઉમેદવારો સ્નાતક થયા છે અથવા એથી વધુ ભણ્યા છે. ૩૭ ટકા મહિલા ઉમેદવારો સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવે છે, જ્યારે ૨૬ ટકા મહિલા ઉમેદવારો નિરક્ષર છે. ૫૩૧ (૭૪ ટકા) મહિલા ઉમેદવારો ૨૫ થી ૫૦ વર્ષના છે, જ્યારે ૧૮૦ (૨૫ ટકા) મહિલા ઉમેદવારો ૫૧ થી ૮૦ વર્ષના છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JWuaTl
via Latest Gujarati News

Post a Comment

0 Comments