આજે મુંબઈમાં તો પાણીની અછત સર્જાઈ જ છે, સાથે જ મહારાષ્ટ્રના અનેક વિભાગો પાણી વિના દુકાળની પરિસ્થિતિનો અનુભવ કરી રહ્યા છે. શહેરોમાં અનેક સ્થળે પાણીનો બેફામ અપવ્યય થઇ રહ્યો છે ત્યારે મુંબઈમાં પાણીના એક-એક ટીપાને બચાવવા માટે એક 'વોટર વોરિયર' લડત આપી રહ્યા છે. આ વોટર વોરિયર એટલે અન્ય કોઈ નહીં પરંતુ એક લેખક, કાર્ટુનિસ્ટ, ચિત્રકાર, ગુજરાતી અને ગુજરાતી જનતામાં પાણી બચાવવા માટે ઝુંબેશ ચલાવી રહેલા ૮૪ વર્ષીય 'આબિદ સુરતી'.
આબિદ સાહેબનું બાળપણ એવા વિસ્તારમાં વિત્યું છે કે જ્યાં તેમની માતાને પાણીની એક બાલટી ભરવા માટે લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું અને ઘણીવાર તો આ પાણીની લાંબી લાઈનોમાં મારામારીનો અનુભવ પણ થઈ જતો. આ દરરોજ સવારની ઘટનાએ તેમના જીવનમાં પાણીના મહત્ત્વ વિશેના બીજ રોપ્યાં. બીજી ઘટના વિશે તેમનું કહેવું છે કે તેઓ તેમના એક મિત્રના ઘરે ગયા હતાં, ત્યારે તેમના મિત્રના ઘરે પાણી નળમાંથી વહી રહ્યું હતું, તેવે સમયે આબિદજીએ તે મિત્રને નળ રીપેર કરાવવા કહ્યું પરંતુ મિત્રએ તે બાબતે આનાકાની કરતાં કહ્યું કે, થોડાં ટીપાંઓના જવાથી શું ફરક પડી જાય છે? જોકે આ વાત આબિદભાઈને ખાસ મનમાં ન બેઠી પરંતુ તે સમયે તેઓ વધુ કંઈ બોલી શક્યા નહીં. એક દિવસ અચાનક જ જ્યારે તેઓ છાપું વાંચી રહ્યા હતાં, ત્યારે તેમને એક અહેવાલમાં વાંચવા મળ્યું કે, 'એક સેકંદમાં જો એક પાણીનું ટીપું વહી જાય તો મહિનાભરની અંદર હજાર લિટર જેટલું પાણી નકામું વહી જાય છે.' આ વાંચતાં જ તેમની આંખ સામે હજારો લિટર પાણીની બોટલો ગટરના પાણીમાં વેડફાયેલી માનસ પટલ પર દેખાઈ અને બસ ત્યારથી જન્મ થયો એક અનોખા સંગઠનનો કે જેનો હેતુ પાણી બચાવવાનો હોઈ તેને નામ અપાયું 'ડ્રોપ ડેડ ફાઉન્ડેશન!'
સેવ વોટર સેય્સ ગોડ અથવા ઇશ્વર કહે છે પાણી બચાવો ઝૂંબેશ ૫ણ શરુ કરી છે. ઝુંબેશમાં જોડાવા ઈચ્છુક તમામ લોકો આબિદભાઈનો તેમની વેબસાઈટ પરથી સંપર્ક કરી શકે છે. તમામને પોસ્ટર્સ, પ્રિન્ટેડ-ટીશર્ટ તેમજ જાગૃતિ માટે અન્ય આવશ્યક તે તમામ સામગ્રી પૂરી પાડવામાં આવશે.
'ડ્રોપ ડેડ ફાઉન્ડેશન' શું છે અને કઈ રીતે કાર્ય કરે છે?
આ ઝુંબેશની શરુઆત એક પ્લમ્બર, એક મહિલા સ્વયંસેવી અને આબિદભાઈ મળી માત્ર ત્રણ વ્યક્તિથી થઈ. તેમણે એક ચોક્કસ ટાઈમટેબલ બનાવી કાર્યની ફાળવણી કરી. દર સોમવારે તેમની વોલેન્ટિયર નિશ્ચિત કરાયેલી સોસાયટી, ઈમારતોેમાં જઈ ત્યાંના સેક્રેટરીને પોતાના કાર્ય વિશે જાણકારી આપી સંદેશાત્મક પોસ્ટરો સોસાયટીના નોટીસ બોર્ડ અથવા લિફ્ટની આસપાસ જ્યાં લોકોની ખાસ નજર પડે ત્યાં લગાડે. ત્યારબાદ રવિવારની સવારે થોડાં કલાકોનો સમય આપી આબિદ સુરતી પોતે તેમજ તેમના પ્લમ્બર નિશ્ચિત સોસાયટીઓમાં ઘરે ઘરે જઈ જ્યાં જ્યાં પાણી ટપકતું હોય અથવા નળમાં કંઈ ખરાબી હોય તો તેઓ નિઃશુલ્કપણે તેનું સમારકામ કરી આપી પાણી બચાવવા મહેનત કરે છે.
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vyh7K6
via Latest Gujarati News
0 Comments