મોદી-શાહનો આશાવાદ : સરકાર તો અમારી જ


હિન્દુ આતંકવાદના કુ-પ્રચાર સામે અમારો સત્યાગ્રહ છે, એટલે પ્રજ્ઞા ઠાકુરને ઉભાં રાખ્યાં છે, પરંતુ તેમના ગોડસે અંગેના નિવેદન સાથે પક્ષ સહમત નથી : અમિત શાહ

મેં પ્રચારની શરૃઆત 1857ના ક્રાંતિસ્થળ મેરઠથી કરી હતી, આજે પૂર્ણાહુતિ પણ એ ક્રાંતિના નાયક સાથે થઈ છે : નરેન્દ્ર મોદી

નવી દિલ્હી/અમદાવાદ, તા.17 મે, 2019, શુક્રવાર

૨૦૧૪માં સત્તા સંભાળ્યા પછી આજે પાંચ વર્ષે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલી પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જોકે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, તેમ કહેવા કરતાં તેઓ પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યાં હતા, એમ કહી શકાય. કેમ કે પત્રકારો દ્વારા પૂછાયેલા સવાલો પૈકી એક પણ સવાલનો જવાબ વડાપ્રધાને આપ્યો ન હતો.

અમિત શાહે બધા જ સવાલના જવાબ આપ્યા હતા. કોન્ફરન્સની શરૃઆતમાં અમિત શાહે અને પછી નરેન્દ્ર મોદીએ ટૂંકુ વકતવ્ય આપ્યું હતું. મોદી-શાહની જોડીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે પૂર્ણ બહુમતી સાથે ૨૩મી મેના દિવસે અમારી જ સરકાર આવશે. 

પક્ષ પ્રમુખ જ બોલશે

પ્રેસ કોન્ફરન્સની શરૃઆતમાં અમિત શાહે એનડીએ સરકારના પાંચ વર્ષની સિદ્ધિઓ તથા ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલી મહેનત અને લોકોની ભાજપ તરફની લાગણી અંગે વાત કરી હતી. અમિત શાહે કહ્યું હતું કે સરકાર એમ રાતોરાત નથી બની જતી. એ માટે પાર્ટીએ અત્યંત બારીકાઈપૂર્વકનું આયોજન કર્યું છે. જ્યારે વડા પ્રધાન તરફ સવાલ આવ્યા ત્યારે તેમણે કહ્યું હતુ કે પક્ષ પ્રમુખ હાજર હોય ત્યાં સુધી મારે કશું કહેવાનું રહેતું નથી. 

અમારી પાર્ટી શિસ્તબદ્ધ છે, માટે પ્રમુખ અમિત શાહ જ જવાબો આપશે. હું પક્ષનો શિસ્તબદ્ધ સૈનિક છું, પાર્ટીથી મોટું મારા માટે કંઈ નથી. નરેન્દ્ર મોદીએ વ્યંગાત્મક શૈલીમાં કહ્યું હતુ કે અમિતભાઇ જ્યારે સરકારની વાતો કરતા હતા એમાં તમને કદાચ બહુ મજા આવતી ન હતી. તમારા ચહેરા પર થાક- કંટાળો મને દેખાતો હતો.

પૂર્ણ બહુમતીનો વિક્રમ સર્જાશે

શરૃઆતમાં પત્રકારોને સંબોધતા વડા પ્રધાને કહ્યું હતુ આ ચૂંટણી સકારાત્મક વાતાવરણમાં યોજાઈ છે અને મને તેનો શાનદાર અનુભવ થયો છે. એટલે પૂર્ણ બહુમતી સાથે અમારી જ સરકાર બનશે એમાં કોઈ શંકા નથી.

એક વખત પૂર્ણ બહુમતી સાથેની સરકારે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હોય અને ફરીથી એ જ સરકાર પૂર્ણ બહુમતી સાથે આવશે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકાર સક્ષમ હતી એટલે ચૂંટણી સાથે આઈપીએલ પણ યોજી શકાઈ, ચૂંટણી સાથે રમજાન મહિના જેવા તહેવારો પણ આવી ગયા. અગાઉ ચૂંટણી વખતે આઈપીએલ દેશની બહાર યોજવી પડી હતી. 

વડા પ્રધાને પ્રજાના વિશ્વાસનો આભાર માનતા કહ્યું હતુ કે ટૂંક સમયમાં ફરીથી અમારી સરકાર રચાશે અને અગાઉની માફક જ અમે ફૂલ-ફોર્મમાં કામે લાગી જઈશું, તુંરત નિર્ણયો લેવા માંડીશું. ભારત દુનિયાની સૌથી મોટી લોકશાહી છે અને તેનું ગૌરવ જળવાય એ રીતે આ ચૂંટણી યોજાઈ છે. શરૃઆતમાં વડા પ્રધાને કહ્યું હતુ કે ૨૦૧૪માં ૧૬ મેના દિવસે પરિણામ આવ્યા હતા અને ૧૭ મેના દિવસે દેશમાં એક આફત આવી હતી. એ આફત સટોડિયા પર હતી. એટલે કે ૧૭મી મે, ૨૦૧૪ના દિવસથી જ દેશમાં સ્વચ્છ સરકારની શરૃઆત થઈ ગઈ હતી.

વડા પ્રધાનના મન કી બાત

વડા પ્રધાન જવાબ આપવા માટે ઓછા ટેવાયેલા છે, વાતો કરવી અને માત્ર પોતાની વાત રજૂ કરવી એમને વધુ પસંદ છે. માટે આ કોન્ફરન્સમાં પણ શરૃઆતમાં પોતાને જે કહેવાનું હતું એ તેમણે કહી દીધું હતું. એ પછી એક પણ સવાલનો જવાબ તેમણે આપ્યો ન હતો. એક-બે સવાલ એમના તરફ આવે તો એ અમિત શાહ તરફ ઈશારો કરી દેતા હતા. 

૧૮૫૭ની ક્રાંતિનો ઉપયોગ

વડા પ્રધાને કહ્યું હતુ કે મેં પ્રચારની શરૃઆત મેરઠથી કરી હતી, જે ૧૮૫૭ની ક્રાંતિનું એપી સેન્ટર હતું. તો આજે છેલ્લી સભા મધ્યપ્રદેશમાં કરી હતી. એ ક્રાંતિનો એક હિરો ભીમા નાયક હતો, જે મધ્યપ્રદેશથી હતો. એ રીતે મારો પ્રચાર ક્રાંતિ સાથે જોડાયેલો રહ્યો છે. વળી આખા પ્રચારમાં મારી એક પણ સભા કેન્સલ નથી થઈ. ક્યારેક હેલિકોપ્ટર ખોટકાઈ જાય તો એક હેલિકોપ્ટરમાં વધારે લોકો બેસાડવા પડતા હતા, પરંતુ બીજી કોઈ મુશ્કેલી નથી આવી. 

પ્રજ્ઞા ઠાકુરની ટીકા અને વખાણ

ભાજપના મધ્યપ્રદેશના ઉમેદવાર પ્રજ્ઞા ઠાકુરે મહાત્મા ગાંધીના હત્યારાના વખાણ કર્યા હતા અને પછી માફી માંગી હતી. આ મુદ્દે સવાલ આવતા અમિત શાહે કહ્યુ હતુ કે પ્રજ્ઞા ઠાકુરની વાત સાથે પક્ષ સહમત નથી. અમારો પક્ષ ડિસિપ્લિનમાં માને છે, માટે પ્રજ્ઞા ઠાકુરને શૉ-કોઝ નોટિસ અપાઈ છે. એમને દસ દિવસમાં જવાબ આપવાનો છે અને એ પછી પક્ષના બંધારણ પ્રમાણે કાર્યવાહી થશે. 

તો પછી પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર કેમ બનાવાયા? એવા સવાલનો જવાબ આપતા અમિત શાહે કહ્યું હતુ કે કોંગ્રેસે નકલી હિન્દુ-ભગના આતંકવાદની વાત ફેલાવી હતી. હિન્દુ આતંકવાદના કુ-પ્રચાર સામે પ્રજ્ઞા ઠાકુરને ઉભા કરીને અમે સત્યાગ્રહ કરી રહ્યા છીએ. કેમ કે કોર્ટે હિન્દુ આતંકવાદની વિભાવના ખોટી ઠેરવી છે.

ભાજપને ૩૦૦ બેઠક આવશે

કેટલી બેઠક મળશે અને કોનો કોનો ટેકો લેવાશે તેવા સવાલના જવાબમાં અમિત શાહે કહ્યું હતુ કે બેઠક ઘટવાનો કે ગયા વખત કરતા ઓછી થવાનો કોઈ સવાલ નથી. લોકોનો જે પ્રેમ મળે છે તે અને આખા દેશમાંથી ફિડબેક મળે છે, તેના આધારે હું કહું છું કે એકલા ભાજપને ૩૦૦ બેઠક આવશે. અમારુ સંગઠન એનડીએ છે, માટે સરકાર એનડીએની બનશે. એ પછી પણ કોઈ પક્ષને અમારી સાથે જોડાવવું હોય તો અમે તેમને આવકારીશું. એટલે કોઈ પાસે ટેકો માંગવા જવો પડે એવો પ્રશ્ન આવશે નહીં. તો વળી વિપક્ષના સંગઠનો વિશે કહ્યું હતુ કે હવે એવો સમય નથી કે બે નેતા દિલ્હીની ડ્રોઈંગ રૃમમાં હાથ મિલાવે અને મતદારે ધરાર તેમની સરકાર સહન કરવી પડે. 

હિંસા કોણ કરે છે? અમે કે મમતાદીદી?

બંગાળની હિંસા અંગે સવાલ આવ્યો ત્યારે અમિત શાહે કહ્યું હતું કે બંગાળમાં ભાજપના ૮૦ કાર્યકર્તા છેલ્લા દોઢ વર્ષમાં મૃત્યુ પામ્યા છે. અમે તો આખા દેશમાં ચૂંટણી લડીએ છીએ, પ્રચાર કરીએ છીએ. બીજે ક્યાંય હિંસા નથી થતી, બંગાળમાં જ થાય છે. તો પછી હિંસા બીજેપીવાળા કરાવે છે કે મમતાદીદી?

રાહુલ ગાંધીએ માહિતી કોર્ટને કેમ ન આપી?

રફાલ અંગેનો સવાલ આવતા અમિત શાહે કહ્યું હતું કે રાહુલ ગાંધીજી પાસે રફાલ વિમાન ખરીદી કૌભાંડ અંગે કોઈ માહિતી હતી તો સુપ્રીમ કોર્ટ જ્યારે સુનાવણી કરતી હતી ત્યારે કેમ ન આપી? જાહેરમાં કૌભાંડ કૌભાંડ કહ્યા કરવાથી કે ઠાલા આક્ષેપો કરવાથી કૌભાંડ સાબિત થતું નથી. અમિત શાહે ઉમેર્યું હતું કે આ રફાલ અંગે નિર્મલા સિતારામને સંસદમાં બધા સવાલના જવાબ આપ્યા હતા, પણ એ સાંભળવાય રાહુલ હાજર રહ્યા ન હતા. 

પાંચ વર્ષમાં શું કર્યું?

અમિત શાહે આંકડાકિય રજૂઆત દ્વારા પાંચ વર્ષમાં શું કર્યું તેનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો હતો. એ પ્રમાણે..

* પાંચ વર્ષમાં ૧૩૩ લોકભોગ્ય યોજનાઓ રજૂ કરી છે, જેનો લાભ લગભગ ૫૦ કરોડ લોકોને મળી રહ્યો છે.

* ૨૦૧૪માં અમારી પાસે ૬ રાજ્યમાં સરકાર હતી, આજે ૧૬ રાજ્યમાં છે. વચ્ચે એક જ સમયે ૧૯ રાજ્યમાં અમારી સરકાર હતી.

* આખી દુનિયા ભારતને એક શક્તિ તરીકે સ્વીકારી રહ્યું છે.

* પાંચ વર્ષ સુધી સતત દુનિયાનું ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહ્યું. ૧૧મા નંબરે અર્થતંત્ર હતું એ ૬ઠ્ઠા ક્રમે આવી ગયું છે.

* વિપક્ષ અમારા ઉપર ભ્રષ્ટ્રાચાર કે મોંઘવારીનો આક્ષેપ નથી કરી શક્યો.

* ગયા વખતે ૨.૫ કરોડ કાર્યકર્તા હતા, આ વખતે ૧૧ કરોડ છે.

મોદીજી અભિનંદન, તમારી પ્રેસ કોન્ફરન્સ બહુ જ સરસ હતી : રાહુલનો ટોણો 

એવી કોઇ પણ પ્રેસ કોન્ફરન્સ નથી જોઇ કે જેમાં તમારા વતી અન્ય કોઇ જવાબ આપતું હોય : અહેમદ પટેલ 

નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષના પોતાના શાસન કાળમાં પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી હતી જોકે તેમણે પત્રકારનો એક પણ સવાલ નહોલો લીધો, સામાન્ય રીતે પ્રેસ કોન્ફરન્સમાં સવાલ જવાબ થતા હોય છે પણ અહીં એવુ ન થતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી પર ટકોર કરી હતી. તેમણે જણાવ્યું હતું કે મોદીજી તમને અભિનંદન, તમારી પ્રેસ કોન્ફરન્સ બહુ જ સરસ હતી, અડધી લડાઇ દેખાઇ રહી છે. આગામી વખતે તમને અમિત શાહ આગામી પ્રેસ કોન્ફરન્સની અનુમતી આપી શકે છે. બહુ જ સરસ. 

રાહુલે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં તેમણે કેટલાક સવાલોના જવાબ પણ આપ્યા હતા. દરમિયાન રાહુલે કહ્યું હતું કે હું વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સવાલ પૂછવા માગુ છુ કે તેઓ રફાલ વિવાદ મુદ્દે કેમ કોઇ પ્રેસ કોન્ફરન્સ નથી કરતા. હું તમને પૂછવા માગુ છું કે તમે કેમ અનિલ અંબાણીને ૩૦ હજાર કરોડ રૃપિયા આપ્યા, હું આ દરેક મુદ્દે મોદી સાથે ચર્ચા કરવા માટે રેસ કોર્સ રોડ પર આવવા માટે તૈયાર હતો. જ્યારે કોંગ્રેસના નેતા એહમદ પટેલે જણાવ્યું હતું કે એવી કોઇ પણ પ્રેસ કોન્ફરન્સ નથી જોઇ કે જેમાં તમારા વતી અન્ય કોઇ જવાબ આપતંુ હોય. 



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Eg3QjA
via Latest Gujarati News

Post a Comment

0 Comments