
નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર
બલુચિસ્તાનના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે ભારે આક્રોશ અને વિરોધ પ્રવર્તી રહ્યો છે. પાક. સૈન્યના અમાનવીય ત્રાસથી થાકેલા સ્થાનિક લોકોએ ઉગ્ર દેખાવો શરૃ કર્યા છે એટલે બલુચિસ્તાન પ્રાંતમાં પાકિસ્તાન વિરોધી માહોલ સર્જાયો છે.
બલુચિસ્તાન પાકિસ્તાનનો એવો પ્રાંત છે જેમાં વસતિ ઓછી છે, પણ ક્ષેત્રફળની દૃષ્ટિએ એ પ્રાંત પાકિસ્તાનના અન્ય તમામ પ્રાંત કરતા મોટો છે. પ્રાકૃતિક ગેસ અને ખનીજના ભંડારોના કારણે આ પ્રાંત પાકિસ્તાનનો સૌથી સમૃદ્ધ પ્રાંત પણ છે. વળી, ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનું મુખ્ય કેન્દ્ર આ પ્રાંત છે એટલે નોકરીઓની તકો પણ તેમાં સર્જાઈ રહી છે.
પરંતુ સ્થાનિક નાગરિકોમાં પાકિસ્તાનના શાસકો અને પાક. સૈન્ય તરફ ભારે રોષ છે. પાકિસ્તાન સરકારે આ વિસ્તારની વર્ષોથી અવગણના કરી છે. બીજી તરફ સૈન્યને આ વિસ્તારમાં દમન કરવાનો છૂટો દોર આપી દીધો છે.
પાક. સૈન્યના જવાનો દ્વારા અપહરણ, માનસિક-શારીરિક યાતના, હત્યા વગેરેની સતત ફરિયાદો ઉઠે છે. પાક. સૈન્યના જવાનો સ્થાનિક મહિલાઓ ઉપર રેપ કરતા હોવાના બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે. તે બધાના કારણે બલુચિસ્તાનના લોકોમાં પાકિસ્તાન પ્રત્યે વિરોધનો સૂર ઉઠયો છે.
આક્રોશનું બીજું કારણ છે આતંકવાદ. પાકિસ્તાન સૈન્યની દોરવણી હેઠળ બલુચિસ્તાનમાં તાલિબાની આતંકવાદીઓ અડ્ડો જમાવીને રહે છે અને એમાં આઈએસના આતંકીઓનો ય ઉમેરો થયો છે.
બલૂચ આંદોલનકારીઓએ પાકિસ્તાન વિરોધી પ્રદર્શનો શરૃ કર્યા છે એટલે સ્થિતિ સતત બેકાબુ બનતી જાય છે. આંદોલનકારીઓ પાકિસ્તાનથી અઝાદ થવાની માગણી તો વર્ષોથી કરતા રહે છે, પણ ફરીથી શરૃ થયેલા સંઘર્ષમાં એ માગણીએ જોર પકડયું છે. છેલ્લાં વર્ષોમાં પાકિસ્તાનના સુરક્ષાતંત્રએ ૫૦૯ લોકોનો ભોગ લીધો છે. શિયા મુસ્લિમોની સંખ્યા આ વિસ્તારમાં નોંધપાત્ર હોવાથી તેમના ઉપર કટ્ટરપંથીઓના હુમલા વધ્યા છે.
બલૂચ લિબરેશન આર્મી નામના સંગઠને હિંસક વિરોધ શરૃ કર્યો છે અને તેના આત્મઘાતી હુમલામાં અલગ અલગ સ્થળે છ પોલીસ જવાનો માર્યા ગયા હતા. આ હુમલાની સાથે સાથે સ્થાનિક લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બેકાબુ બની ગઈ છે.
પાકિસ્તાન સરકારે બધું કાબુમાં હોવાનો દાવો કર્યો હતો, પણ સ્થાનિક લોકોની આઝાદી માગ સતત વધતી જાય છે. જે સ્થિતિ એક સમયે પૂર્વ પાકિસ્તાનમાં સર્જાઈ હતી અને પછી બાંગ્લાદેશનું સર્જન થયું હતું, એવી જ સ્થિતિ અત્યારે બલુચિસ્તાનમાં પણ પ્રવર્તી રહી છે. બલુચિસ્તાન પ્રાંત પાકિસ્તાનથી અલગ થવાના આરે છે અને પાકિસ્તાનનો વધુ એક ટૂકડો થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EfSCM6
via Latest Gujarati News
0 Comments