મોદીએ સાધના કરી તે ગુફાનું એક દિવસનું ભાડું રૂ.990


કેદારનાથ, તા.19 મે, 2019, રવિવાર

લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાન પહેલા વડાપ્રધાન મોદી કેદારનાથના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન કેદારનાથની પવિત્ર ગુફામાં તેમણે ૧૭ કલાકનું ધ્યાન પણ લગાવ્યુ હતું. આ સમગ્ર ઘટનાની ચર્ચા સામાન્ય લોકોના મોઢે પણ ચડી છે. ત્યારે આ ગુફા વિશેની માહિતી પણ રોચક છે. કેદારનાથ વિકાસધામની જવાબદારી સંભાળ્યા બાદ વડાપ્રધાન મોદીએ જ આ ગુફા બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. આ ગુફાનું નામ 'રૂદ્ર ગુફા' છે. જેને ગયા વર્ષે જ બનાવવામાં આવી છે. ૧૨૨૫૦ ફૂટની ઉંચાઇ પર આવેલી આ ગુફાનો ઉપયોગ શ્રદ્ધાળુઓ વિવિધ રીતે કરે છે.

આ ગુફામાં એક દિવસ રહેવા માટેનું ભાડું ૯૯૦ રૂપિયા છે. ધ્યાન, મેડીટેશન, સાધના વગેરે હેતુ માટે બનાવવામાં આવેલી આ ગુફામાં સુવિધા માટેની બધી જ વસ્તુઓ ઉપલબ્ધ છે. બાથરૂમ, ટોયલેટ, ફોન, લાઇટ સહિતની આધુનિક સુવિધા ગુફામાં છે. ફોન વડે અન્ય કોઇ પણ સુવિધા મેળવી શકાય છે. ગુફાની અંદરથી જ ચા-નાસ્તા, ભોજન વગેરેનો ઓર્ડર પણ કરી શકાય છે. આ ગુફા ગઢવાલ મંડલ વિકાસ નિગમની પ્રોપર્ટી છે. તેની સાઇટ પરથી આ ગુફાનું બુકિંગ કરી શકાય છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YDSAW2
via Latest Gujarati News

Post a Comment

0 Comments