ડેબીટ કાર્ડ ડબલ થયા પણ ATM માં માત્ર 20%નો વધારો



કેશ સરક્યુલેશન વધીને રૂા. 21.36 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું રિઝર્વ બેંકના નિયમોના કારણે એટીએમ મેઇન્ટેઇન કરવાના ખર્ચમાં વધારો

એનડીએ સરકારનો કાર્યકાળ પૂર્ણ થવા આરે ઊભો છે. એનડીએ સરકારના કાર્યકાળમાં નોટબંધીના પગલા બાદ દેશમાં ડિજિટાઇઝેશનના અમલ અંગે જોરશોરથી ઢોલ નગારા પિટાયા હતા. પરંતુ, આજે વાસ્તવિકતા એ છે કે ડિજિટાઇઝેશનને સફળતા મળી નથી. રિઝર્વ બેંકના ડેટા અનુસાર અગાઉ કરતા વધુ નોટો ચલણમાં મુકાયેલી છે. તો બીજી તરફ છેલ્લા પાંચ વર્ષમાં સમયગાળા દરમિયાન દેશમાં ડેબિટ કાર્ડની સંખ્યા બમણી થઈ છે તો તેની સામે એટીએમમાં માત્ર ૨૦ ટકાનો જ વધારો જોવા મળ્યો છે.

ઉપલબ્ધ ડેટા મુજબ ઓગસ્ટ ૨૦૧૪માં જન, ધન યોજનાની રજૂઆત કરાઈ ત્યારે ડેબિટ કાર્ડની સંખ્યા ૪૨ કરોડ હતી. જે ફેબુ્રઆરી ૨૦૧૯ના અંતે બમણી થઈને ૯૪ કરોડ સુધી પહોંચી હતી. બીજી તરફ આ સમયગાળા દરમ્યાન દેશમાં એટીએમની સંખ્યા ૧.૭૦ લાખથી વધીને ૨.૦૨ લાખ પહોંચી હતી. આમ એટીએમમાં માત્ર ૨૦ ટકાની વૃદ્ધિ થવા પામી છે.

ડેબિટ કાર્ડ અને એટીએમમાં વૃદ્ધિના આંકડાની બીજી તરફ રોકડ વ્યવહાર પર નજર કરીએ તો કેશ સરક્યુલેશન વધીને રૂા. ૨૧.૩૬ લાખ કરોડ પહોંચ્યું છે. બેંકોના એટીએમ નેટવર્કની વાત કરીએ તો ગત વર્ષે બેંકોનું એટીએમ નેટવર્ક ૨.૦૬ લાખ યુનિટ હતું તે ચાલુ વર્ષે ઘટીને ૨.૦૨ લાખ યુનિટ થયું છે.

આમ, આ આંકડા પુરવાર કરે છે કે દેશમાં ડિજિટાઇઝેશન યોજના સફળ પુરવાર થઈ નથી. જો કે આ ગતિવિધિ પાછળ રિઝર્વ બેંકની પણ ભૂમિકા રહેલી છે. ગત વર્ષે રિઝર્વ બેંક દ્વારા નવી ગાઇડલાઇન રજૂ કરાઈ હતી જે મુજબ બેંકો દ્વારા વપરાશમાં લેવાતી કેશવાન (રોકડની હેરફેર માટે ઉપયોગમાં લેવાતું વાહન) શસ્ત્ર ગાર્ડસ અને જીપીએસ સહિતના અદ્યતન સુરક્ષાના ફિચર્સ ધરાવતી હોવી જોઈએ. આ ઉપરાંત વાન દ્વારા કરવામાં આવતી રોકડની મર્યાદા પર બંધનો લાદવામાં આવ્યા હતા.

રિઝર્વ બેંક દ્વારા બેંકોને 'કેસેટ સ્વેપ' સિસ્ટમ અપનાવવા આદેશ કરાયો હતો જેમાં ચલણી નોટો મેટલ કેનિસ્ટરમાં પરિવહન થાય છે તેમજ તે સીધા જ એટીએમમાં લોડેડ થઈ જશે તેથી કેશ લોડર્સની બાદબાકી થઈ જશે.

 મધ્યસ્થ બેંકે બેંકોને દર વર્ષે તેમના નેટવર્કના ત્રીજા ભાગની અપગ્રેડ કરવા અને માર્ચ ૨૦૨૧ સુધીમાં તમામ એટીએમને આવરી લેવા સૂચના અપાઈ હતી. આમ, રિઝર્વ બેંકના આ નિયમોના કારણે એટીએમ મેઇન્ટેનન કરવાના ખર્ચમાં વધારો થવા પામ્યો છે.

રિઝર્વ બેંકના આદેશ મુજબ સિસ્ટમ કાર્યરત કરવા પાછળ બેંકોને મોટો ખર્ચ કરવો પડે તેમ છે. આ સ્થિતિના કારણે બેંકોએ કેશ લોજીસ્ટીક કંપનીઓને એટીએમ દીઠ વધારાના રૂા. ૪૯૦૦ ચૂકવવા પડશે જે ચૂકવવા બેંકો નનૈયો ભણી રહી છે. આ સંજોગોમાં બેંકોના એટીએમની વૃદ્ધિ ખોટવાઈ જવા પામી છે.

આમ, એક તરફ દેશમાં ડિજિટાઇઝેશનને વેગ આપવા પ્રયાસ થઈ રહ્યા છે તો બીજી તરફ ડિજીટાઇઝેશનના અમલ માટે બેંકોના માથે તોતિંગ નાણાંકીય બાજો ઝીંકાતો હોવાના કારણે તેઓ ઉદાસીનતા સેવી રહ્યા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yl0Tpq
via Latest Gujarati News

Post a Comment

0 Comments