ટોપ ગિયરમાં પૂરપાટ દોડતી ઓટો ઇન્ડસ્ટ્રીમાં જ પંચર



વિશ્વમાં સૌથી ઝડપથી વિકસી રહેલા બજારોમાં સ્થાન ધરાવતા ભારતની ઓટો ઇન્ડસ્ટ્રીમાં જ પંચર પડયું હોવાનું જણાઈ રહ્યું છે. ઓટો ઉત્પાદકો દ્વારા તહેવારો દરમિયાન અઢળક ઓફરો રજૂ કરાતી હોવા છતાં વાહનોના વેચાણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. 

વાહનોના વેચાણમાં ઘટાડો પાછળના મુખ્ય પરિબળોમા ઇંધણના ભાવમાં વધારો, વાહનો પાછળના મેઇન્ટેનન્સમાં વધારો તેમજ તંગ નાણાંકીય પ્રવાહિતાની સ્થિતિનો સમાવેશ થાય છે. ઓટો ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા મહિનાથી રિવર્સ ગિયરમાં જઈ રહેલા વેચાણ વૃદ્ધિના દરના કારણે ઓટો ઇન્ડસ્ટ્રી ચિંતામાં મુકાઈ છે.

તેમાં ય વળી એપ્રિલ માસના વાહનોના વેચાણના આંકડા જાહેર થયા બાદ ઓટો ઇન્ડસ્ટ્રીની ચિંતામાં વધારો થયો છે. કારણ કે પેસેન્જર વ્હિકલ/ કારનું વેચાણ ઘટયા બાદ હવે ટુ વ્હીલર અને કોમર્શિયલ વ્હિકલ એટલે કે વ્યવસાયિક વાહનોનું પણ વેચાણ ઘટી રહ્યું છે.

ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડિલર્સ એસોસીએશન દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ એપ્રિલ મહિનામાં વાર્ષિક તુલનાએ પેસેન્જર વ્હિકલનું વેચાણ વાર્ષિક તુલનાએ બે ટકા ઘટીને ૨,૪૨,૪૫૭ યુનિટ નોંધાયું છે. તો ટુ વ્હિકલનું વેચાણ નવ ટકાના નકારાત્મક વૃદ્ધિદરમાં ૧૨,૮૫,૪૭૦ યુનિટ અને કોમર્શિયલ વ્હિકલનું વેચાણ ૧૬ ટકાના ઘટાડામાં ૬૩,૩૬૦ યુનિટ જ રહ્યું છે. એપ્રિલ મહિનામાં સમગ્ર ઓટો ઉદ્યોગે કુલ ૧૬,૩૮,૪૭૦ નંગ વાહનોનું વેચાણ કર્યું છે જે વાર્ષિક તુલનાએ ૮ ટકા અને માસિક સરખામણીએ ૪ ટકાનો નકારાત્મક વેચાણ વૃદ્ધિદર દર્શાવે છે.

એપ્રિલ ૨૦૧૮ની તુલનાએ એપ્રિલ ૨૦૧૯માં તમામ વ્હિકલ સેગમેન્ટના સેલ્સ ગ્રોથરેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વેચાણ વૃદ્ધિ માટેના કોઈ મજબૂત પરિબળના અભાવથી વેચાણમાં ઘટાડો યથાવત્ રહ્યો છે. જેની સમગ્ર ઇન્ડસ્ટ્રી ઉપર ગંભીર અસર થઈ રહી છે.

આ સ્થિતિ આગામી સમયમાં પણ ચાલુ રહેવાની શક્યતા છે એવું ઓટો ઉદ્યોગના જાણકારો માને છે. રિઝર્વ બેંક દ્વારા નાણાંકીય તરલતા અને ધિરાણ સંબંધિત નિયમો હળવા કરવામાં આવે તો વેચાણને વેગ મળશે. તે ઉપરાંત ચોમાસુ સારું રહે તો ગ્રામ્ય વિસ્તારમાંથી વાહનની સારી માંગ નીકળશે તેમ ઓટો ઇન્ડસ્ટ્રીનું માનવું છે.

હાલ તો વાહનોનું વેચાણ ઘટવાના લીધે ઓટો ડીલર્સ પાસે ઇન્વેન્ટરી સતત વધી છે અને તેમાં ઘટાડો થવો અત્યંત જરૂરી છે. હાલના સમયે ઉંચી ઇન્વેન્ટરીથી ઓટો ડિલર્સ ઉપર વધારાનો બોજ પડશે. ખાસ કરીને તે પણ એવા સમયે જ્યારે બજારમાં નાણાંકીય તરલતાની તંગી વર્તાઈ રહી છે અવને વેચાણ વૃદ્ધિદર સતત નકારાત્મક છે.

હાલ ઓટો ડિલર્સ પાસે વ્હિકલની ઇન્વેન્ટરી ૪૦થી ૫૦ દિવસની છે જે ઘટાડીને ૨૧ દિવસ કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. તાજેતરના સમયમાં ખાસ કરીને મેટ્રો અને ટીયર-૧ સિટીમાં મોટી સંખ્યામાં ડિલરશીપ બંધ થવાની ઘટના ચિંતા ઉપજાવે છે જે ઓટો ઉદ્યોગ નાણાંકીય તાણ હેઠળ હોવાના સંકેત આપે છે.

દરમિયાન પ્રાપ્ત માહિતી પ્રમાણે  નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં દેશમાં ઉતારૂ વાહનોના વેચાણમાં માત્ર ૨.૭૦ ટકા જ વધારો જોવાયો  હતો. નાણાંભીડ, વાહનોની ઊંચી કિંમતો તથા ચૂંટણીને લઈને સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે ગ્રાહકોનું માનસ નબળું રહેતા ઉતારૂ વાહનોની વેચાણ વૃદ્ધિ ખાસ પ્રોત્સાહક રહી નહોતી. 

સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સ (સિઅમ) દ્વારા જારી કરાયેલા આંકડા પ્રમાણે, ઉતારૂ વાહનોનું ઘરઆંગણે વેચાણ જે નાણાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૩૨,૮૮,૫૮૧ વાહન રહ્યું હતું તે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ૨.૭૦ ટકા વધીને ૩૩,૭૭,૪૩૬ વાહન રહ્યું હતું.

ઉત્પાદન ખર્ચમાં વધારો થતાં ગયા નાણાં વર્ષમાં ઉત્પાદકોએ વાહનોની કિંમતમાં વધારો કરવાની ફરજ પડી હતી. આ ઉપરાંત વીમા પ્રીમિયમમાં વધારો તથા  લિક્વિડિટી ખેંચ જેવા પ્રતિકૂળ મુદ્દાઓએ પણ વેચાણ પર અસર કરી હતી. બીજી બાજુ નવી કારની સરખામણીએ યુઝડ કાર માટેની માગ વધી રહી  હોવાનું જોવા મળે છે. ગયા નાણાં વર્ષમાં  સેકન્ડ હેન્ડ કારની માગ ૪૦ લાખ વાહનોને પાર કરી ગઈ હતી જ્યારે નવી કાર માટેની માગ મંદ રહી  હોવાનું એક અહેવાલમાં  જણાવાયું હતું. 

આમ, ભૂતકાળમાં ટોપ ગિયરમાં પૂરપાટ દોડતી ઓટો ઇન્ડસ્ટ્રીની રફતાર ધીમી પડી છે. તાજેતરમાં જ દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારૂતિ સુઝુકી ઇન્ડિયાએ પોતાની વિવિધ ફેક્ટરીઓમાં ગત એપ્રિલ માસમાં ઉત્પાદનમાં ૧૦ ટકા કાપ મૂક્યો હતો. તેમાં ય મહત્ત્વની બાબત એ છે કે મારૂતિએ સતત ત્રીજા મહિને ઉત્પાદનમાં કાપ મૂક્યો છે. આમ, ઓટો ઇન્ડસ્ટ્રીની નંબર વન કંપનીએ પીછેહઠ કરતા સમગ્ર ઇન્ડસ્ટ્રી અને આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ અન્ય તમામ નાના- મોટા ઉદ્યોગો પણ ચિંતામાં મુકાઈ ગયા છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhIUL4
via Latest Gujarati News

Post a Comment

0 Comments