ભારત- ચીન સાથેના વેપારથી નુકસાન થવાનો USનો દાવો



અમેરિકાના વાણિજ્ય મંત્રી વિલિયમ રોસે ભારત પર નિયંત્રિત વ્યાપાર નીતિ લાગુ કરવાનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે વિદેશી કંપનીઓને નુકસાન કરે તેવા નિયંત્રણો મૂકેલા છે. અમારો લક્ષ્ય અહીં કામ કરી રહેલ કંપનીઓ માટે તમામ અવરોધો દૂર કરવાનો છે. તેમાં ડેટા લોકલાઇઝેશનના નિયંત્રણો પણ સામેલ છે જે વાસ્તવમાં ડેટા સિક્યુરિટીને નબળી બનાવે છે અને બિઝનેસ કરવાનો ખર્ચ વધારે છે.''

અમેરિકા ઇચ્છે છે કે, ભારત અમેરિકન કંપનીઓ માટે અવરોધો દૂર કરે છે અને ડેટા લોકલાઇઝેશનના નિયંત્રણો પણ હટાવવામાં આવે. ટ્રેડના મુદ્દા પર અમારી પોઝિશન શી છે તે સરકાર સમજે છે. હાલમાં અમેરિકન બિઝનેસ સામે ભારતમાં ઘણા અવરોધો છે તેમ ટેરિફ અને નોન ટેરિફ અવરોધો સામેલ છે. આ ઉપરાંત બીજી પ્રણાલી અને રેગ્યુલેશન છે જે વિદેશી કંપનીઓ માટે નુકસાનકારક છે.''

અમેરિકન કંપનીઓ એમેઝોન અને વોલમાર્ટ (ફ્લિપકાર્ટની માલિક)ને ભારતની ઇ-કોમર્સ પોલિસી સામે વાંધો છે. નવી નીતિ પ્રમાણે જે કંપનીઓ વિદેશી રોકાણ ધરાવતી કંપનીઓ જેમાં ઇક્વિટી હિત ધરાવતી હોય તેવી પેઢી દ્વારા ભારતમાં પ્રોડક્ટસ વેચી શકાતી નથી. આ ઉપરાંત તેમને તેમના પ્લેટફોર્મ પર સેલર્સ સાથે એક્સક્લુસિવ સોદા કરવાની પણ મનાઈ છે.

યુ.એસ. પ્રમુખ ટ્રમ્પ દ્વારા અમેરિકા ફર્સ્ટની નીતિ અપનાવ્યા બાદ વેપારના મોરચે ભારત અને ચીન સામે રીતસરના જંગની શરૂઆત કરી છે. જેમાં ચીન સાથે તે ટ્રેડ વોર આદર્યું છે. તો બીજી તરફ ભારત સામે પણ છાશવારે પ્રતિકૂળતા ઉભી થાય તેવા નિવેદન તેમજ નીતિ અખત્યાર કરવામાં આવી છે જેમાં ગત માર્ચ માસના પ્રારંભે ભારતને અપાતા જીએસપી બેનિફીટ પાછા ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત ટેક્સ સંબંધિત નિવેદનો પણ કરવામાં આવ્યા હતા.

ટ્રમ્પને આંખામાં જે ખૂંચે છે તે ટ્રેડ ઇમ્બેલેન્સનો મુદ્દો છે. ભારત- અમેરિકા વચ્ચેના વેપારમાં ભારત ટ્રેડ સરપ્લસ છે. ૨૦૧૭- ૧૮માં ભારતની અમેરિકા ખાતેની નિકાસ ૪૭.૯ અબજ ડોલરની હતી. જ્યારે ભારતની અમેરિકા ખાતેથી આયાતનું મૂલ્ય ૨૬.૬ અબજ ડોલર હતું. આમ, ભારત ૨૧.૩ અબજ ડોલર ટ્રેડ સરપ્લસ ધરાવતું હતું. ભૂતકાળના ટ્રેડ સરપ્લસના આંકડા પર એક નજર કરીએ તો,

વર્ષ ભારત- યુ.એસ.

ટ્રેડ સરપ્લસ

૨૦૧૩-૧૪ ૧૬.૬

૨૦૧૪-૧૫ ૨૦.૬

૨૦૧૫-૧૬ ૧૮.૫

૨૦૧૬-૧૭ ૧૯.૯

૨૦૧૭-૧૮ ૨૧.૩

(આંકડા અબજ ડોલરમાં)

આમ, આ આંકડા પરથી એ સ્પષ્ટ થાય છે કે, છેલ્લા પાંચ વર્ષથી ભારત ટ્રેડ સરપ્લસ હોવાની બાબત અમેરિકાને આંખમાં કણાની જેમ ખૂંચે છે. ટ્રમ્પ આ સ્થિતિ વિરૂદ્ધ દિશાની થાય તેમ ઇચ્છે છે એટલે કે અમેરિકા ટ્રેડ સરપ્લસ થાય તેવું તેમનું ગણિત છે.

ભારત જીએસપી પ્રોગ્રામ હેઠળ અમેરિકા ખાતે ૩૫૦૦ જેટલી પ્રોડક્ટસની નિકાસ શૂન્ય અથવા તો ખૂબ ઓછી ડયુટી ભરીને નિકાસ કરે છે. અમેરિકાના મત મુજબ આ નીતિથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે. બીજી તરફ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે, ભારત અમેરિકાની પ્રોડક્ટસ પર ઉંચી ડયુટી વસુલે છે. જેના કારણે અમેરિકાના બિઝનેસને નુકસાન થાય છે. આમ, ભારતની વેપાર નીતિથી અમેરિકાને નુકસાન થઈ રહ્યું છે.

ટ્રમ્પે ચાલુ માસના પ્રારંભે કરેલા ટ્વીટમાં ચીન સામે અણગમો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, ચીન સાથેના વેપારથી અમેરિકાને દર વર્ષે ૫૦૦ અબજ ડોલરનું નુકસાન થાય છે. અમે હવે આવું નુકસાન કરવા માગતા નથી. આ કારણથી જ ટ્રમ્પે ફરી એકવાર ટ્રેડવોરની ચીમકી ઉચ્ચારી છે. ટૂંકમાં, ટ્રમ્પ અમેરિકા ફર્સ્ટની નીતિને આધીન તમામ મોરચે અમેરિકામાં નંબર વન રહે તેવા પ્રયાસ કરી રહ્યા છે....



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yonstq
via Latest Gujarati News

Post a Comment

0 Comments