ચાલુ માસના અંતે રચાનારનવી સરકાર સામે એક નહીં અનેક પડકાર



ખેડૂતોની નફાકારકતામાં નીચા ભાવોની આગેવાનીમાં સતત ઘટાડો થવાને લીધે ગ્રામીણ માંગની મંદી તુરંત સુલટાવી શકાશે નહીં

હાલ દેશમાં લોકસભાની ચૂંટણીઓ ચાલી રહેલ છે. જે પૈકી પાંચ રાઉન્ડ પૂર્ણ થયા છે. બે રાઉન્ડ હજી બાકી છે, જે પૂર્ણ થયે તા. ૨૩ મેના રોજ પરિણામ જાહેર થશે અને નવી સરકારની રચના થશે ગમે તે પક્ષની સરકાર હોય પરંતુ ચૂંટણી ટાણે જે તે સરકારની પાંચ વર્ષની કામગીરી કેવી રહી તેની ચોમેર ચર્ચા થતી જ હોય છે. અત્રે છેલ્લી બે સરકારના અર્થતંત્રને સ્પર્શતા કેટલાક મહત્ત્વના આંકડા રજૂ કર્યા છે. જેના પરથી અંદાજ આવશે કે હાલની એનડીએ અને અગાઉની યુપીએ સરકારના કાર્યકાળમાં આર્થિક ગતિવિધિનું પ્રમાણ કેવું રહ્યું હતું.

તા. ૨૩ મેના રોજ લોકસભાની ચૂંટણીનું પરિણામ જાહેર થયા બાદ નવી સરકારની રચના થશે. આ નવી સરકાર સામે દેશના અર્થતંત્રને વેગીલુ બનાવવા માટે અનેક પડકારોનો સામનો કરવો પડશે. ખેડૂતોની નફાકારકતામાં નીચા ભાવોની આગેવાનીમાં સતત ઘટાડો થવાને લીધે ગ્રામીણ માંગની મંદી તુરંત ઉલટાવી શકાશે નહીં.

કૃષિ મેળામાં માળખાગત મુદ્દાઓનો ઉકેલ ન આવતા નજીકના સમયમાં ખેડૂતોના નસીબમાં ફેરફાર થવાની ખાસ શક્યતા નથી. નાણાંકીય નીતિ પરિવહન ચેનલ નબળી રહી શકે કારણ કે નાણાંકીય પ્રવાહિતાના પડકારો ચાલુ રહેશે. આક્રમક સીઆરઆર કટ ટ્રાન્સમિશન સમસ્યાને ઓછી કરી શકે છે, આરબીઆઇ આને અંતિમ ઉપાય તરીકે જોશે.

નવી સરકારે ઝડપી સુધારાને બદલે સ્ટ્રક્ચરલ પગલા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ. આક્રમક વ્યાજ દર કાપ અને રાજકોષીય ઉત્તેજના માટેના કોલ વધુ તીવ્ર બનશે. મંદીના કારણો મોટા ભાગે માળખાકીય અને નીતિના પગલાને ધ્યાન આપતા હોવા જોઈએ. (૧) કૃષિ ક્ષેત્રની મંદી (૨) એનબીએફસી - પીએસયુ બેન્કની તંદુરસ્તી, (૩) ઘરેલુ બચત દરમાં વધારા માટે પગલા ભરવા પડશે. બજારના નીચા દરોમાં સરળ પ્રવાહિતા વલણ પ્રસારિત થયું નથી નાણાંકીય દરોએ બજારના દરોને પ્રભાવિત કર્યા છે જે મધ્યમ ગાળાના વિકાસના દ્રષ્ટિબિંદુને નબળી બનાવશે.નવી સરકાર સામેના મુખ્ય પડકારો પર એક નજર કરીઓ તો,

* ફુગાવો: ફુગાવો એ અર્થતંત્રને સ્પર્શતું સીધું પરિબળ છે. અગાઉની બે સરકારો દ્વારા ફુગાવાને કાબૂમાં રાખવા અનેક પગલા ભરાયા હોવા છતાં આજની તારીખે પણ મોંઘવારીનો રાક્ષસ પ્રબળ નાચ કરી રહ્યો છે.

સતત વધતી મોંઘવારીના કારણે સામાન્યથી માંડી મધ્યમ વર્ગના પરિવારોના બજેટ ખોરવાઈ ગયા છે. તો બીજી તરફ મોંઘવારીના કારણે લોકોના પરચેજીંગ પાવર એટલે કે ખરીદ શક્તિમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ, આગામી સમયમાં રચાનાર નવી સરકાર સામે ફુગાવો કાબૂમાં રાખવો એ એક મોટો પડકાર પુરવાર થશે.

* બેરોજગારી: સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમીના એક સર્વેના તારણ મુજબ ૨૦૧૬થી ૨૦૧૮ના ગાળામાં ૫૦ લાખ લોકોએ રોજગાર ગુમાવ્યા હતા. મિેકનાઇઝેશનના વધતા પ્રભાવના કારણે રોજગારીની તકો ઘટી રહી છે. મહત્ત્વની બાબત એ છે કે અર્થતંત્ર માટે આવશ્યક સ્કીલ અને સ્નાતકોના સ્કીલ વચ્ચે મોટો તફાવત રહેલો છે.

આ કારણથી જ આપણા દેશમાં ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ થવા છતાં બેરોજગારીની માત્રામાં સતત વધારો થઈ રહ્યો છે. આમ, નવી સરકાર સામે બેરોજગારી દૂર કરવાનો મોટો પડકાર છે. આ બાબતે દેશના ઉચ્ચ શિક્ષણ પ્રમાણમાં ધરમૂળથી ફેરબદલની જરૂર છે. તમામ પ્રકારના ડીગ્રી અભ્યાસક્રમોમાં વોકેશનલ અને સ્કીલ એજ્યુકેશન જરૂરી છે. આ ઉપરાંત શિક્ષણ પાછળના જાહેર ખર્ચના બજેટમાં વધારો કરવો જરૂરી છે.

* ધિરાણ દર: નીચા વ્યાજદર સાથેના અર્થતંત્રમાં ઉપભોગમાં વધારો થાય છે અને તેના પરિણામે ઇન્વેસ્ટમેન્ટ સાયકલ શરૂ થાય છે. જેના પગલે અર્થતંત્ર વૃદ્ધિ પામે છે. આ મુદ્દાને ધ્યાનમાં રાખીને તાજેતરના ભૂતકાળમાં રિઝર્વ બેંકે બે વખત વ્યાજદર ઘટાડયા છે.

પરંતુ, આ ઘટાડા બાદ ઉદ્યોગો દ્વારા ઇન્વેસ્ટમેન્ટમાં ખાસ કોઈ ઉત્સાહ દર્શાવાયો નથી તેની પાછળનું કારણ બેંકો દ્વારા ધિરાણ દરમાં અપેક્ષિત ઘટાડો કરાયો નથી. આમ, વ્યાજદરના ઘટાડાની રિઝર્વ બેંકની કવાયત નિરર્થક જ પુરવાર થઈ છે. નવી સરકાર દ્વારા આ મુદ્દે ચોક્કસ પગલા ભરીને પ્રતિકૂળતા દૂર કરવી એ પણ એક પડકારજનક બાબત પુરવાર થશે.

* કૃષિ ક્ષેત્ર: ગમે તે પક્ષની સરકાર હોય તમામ સરકાર દ્વારા દેશના કૃષિ ક્ષેત્રને પ્રાધાન્ય અપાતું હોય છે. આમ, છતાં ય કૃષિ ક્ષેત્રની હાલત દિન-પ્રતિદિન કથળતી જાય છે. કુદરતી આફતો પણ આ પ્રતિકૂળતા માટે જવાબદાર છે વિવિધ સરકાર દ્વારા કૃષિ ક્ષેત્ર માટે ભરાતા પગલા કારગત નીવડતા નથી.

બીજી તરફ પ્રતિકૂળતા પ્રબળ બને ત્યારે કૃષિ લોન માફીનું હથિયાર ઉગામવામાં આવે છે. કૃષિ ક્ષેત્રના વિકાસ માટે આ યોગ્ય રસ્તો નથી. આ ક્ષેત્રના વિકાસ માટે શ્રેણીબદ્ધ આયોજનની જરૂર છે. આ ઉપરાંત ખેડૂતોને તેમની જણસના યોગ્ય- ઊંચા દામ મળે તે માટે સુદ્રઢ આયોજન થવું જરૂરી છે. આમ, નવી સરકાર સામે કૃષિ ક્ષેત્રનો વિકાસ પણ એક પડકારજનક બાબત છે.

* ગ્રામ્ય વિકાસ: દેશના ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારીની તકોનું પ્રમાણ નહીવત રહેવાના કારણે મોટા પાયે શહેરો તરફ સ્થળાંતર થઈ રહ્યું છે. જે એક ગંભીર બાબત છે. નવી રચાનારી સરકાર સામે ગ્રામ્ય વિકાસ એક મોટો પડકાર પુરવાર થશે. સ્થળાંતર રોકવા માટે સરકાર દ્વારા ગ્રામ્ય વિકાસના, સરળતાથી રોજગારી ઉપલબ્ધ થાય તે માટેના પગલા ભરવા પડશે. આ ઉપરાંત નવી અસરકારક વેલ્ફેર યોજનાઓનો પણ અમલ કરવો પડશે.

* અર્થતંત્ર: સ્થાનિક તેમજ વૈશ્વિક સ્તરની અનેક પ્રતિકૂળતાઓ પાછળ દેશના અર્થતંત્રની વૃદ્ધિ ધીમી પડી છે તો બીજી તરફ વૈશ્વિક કરન્સી બાસ્કેટમાં ડોલરનું પ્રભુત્વ વધતા રૂપિયો નબળો પડયો છે. નવી સરકાર સામે અર્થતંત્રની વૃદ્ધિ પણ એક પડકારજનક બાબત હશે. અમેરિકા દ્વારા અપનાવાયેલ વલણથી પણ અર્થતંત્ર પર ભારણ વધે તેવી સંભાવના છે. આમ, આ બધી પ્રતિકૂળતાઓ દૂર થાય અને અર્થતંત્ર ધીમી પણ મક્કમ ગતિએ આગળ વધે તે માટે નવી સરકારે શ્રેણીબદ્ધ પગલા સાથે ચોક્કસ આયોજન કરવું પડશે.

NDA સરકારના કાર્યકાળના 

(૨૦૧૪-૧૫થી ૨૦૧૮-૧૯) મહત્ત્વના આર્થિક આંકડા

સમયગાળો 2009 - 10થી 2013-14  2014-15થી 2018-19

GDP વૃદ્ધિ ૫ વર્ષ ૬.૭ ૭.૫

મેન્યુ ક્ષેત્ર ૫ વર્ષ ૬.૪ ૮.૬

ગ્રાહક ફુગાવો ૫ વર્ષ ૧૦.૩ ૪.૮

નાણાંકીય ખાધ (જીડીપી) ૫ વર્ષ ૫.૩૫ ૩.૬૫

ચાલુ ખાતાની ખાધ ૫ વર્ષ ૩.૩૪ ૧.૪૩

ફોરેક્સ રિઝર્વ ૫ વર્ષ ૨૬૪.૧થી ૩૦૩.૬થી

(અબજ ડોલર) ૩૦૩.૬ ૪૧૧.૯

એફડીઆઇ (અબજ ડોલર) સંયુક્ત ૧૭૯.૭ ૨૬૮.૫

(આંકડા ટકામાં)



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhIW5E
via Latest Gujarati News

Post a Comment

0 Comments