
આપણે આઠ ટકાનો વિકાસ દર હાંસલ કરવો હશે તો, નિકાસ તથા ખાનગી ઈન્વેસ્ટમેન્ટમાં વધારો થાય તે જરૂરી છે. ગયા નાણાં વર્ષના અંતિમ મહિનામાં એટલે કે માર્ચમાં દેશની નિકાસ વાર્ષિક ધોરણે ૧૧ ટકા વધીને ૩૨.૫૦ અબજ ડોલર રહી હતી. ફેબુ્રઆરીની નિકાસ ૨.૪૦ ટકા વધી હતી. ફાર્મા, રેડીમેડ ગારમેન્ટસ, એન્જિનિયરીંગ ગુડસ તથા ઓર્ગેનિક અને ઈન-ઓર્ગેનિક કેમિકલ્સ ક્ષેત્રનું નિકાસ વૃદ્ધિમાં મોટું યોગદાન રહેલું છે.
નિકાસમાં વધારો થવા સાથે તે ટકી રહે અને તેમાં વધુ વૃદ્ધિ થાય તેની પણ સરકાર ખાતરી રાખે તે મહત્વનું છે. ૨૦૧૩ અને ૨૦૧૬ની વચ્ચે ભારતની નિકાસ મંદ રહી હતી અને તેમાં ઘટાડો પણ જોવાયો હતો ખાસ કરીને વ્યાપારી માલસામાનની નિકાસમાં ઘટાડો થયો હતો, જેને કારણે દેશના આર્થિક વિકાસ દર પર અસર પડી હતી. આ ગાળામાં ખાનગી ઈન્વેસ્ટમેન્ટ પર પણ અસર જોવા મળી હતી.
વ્યાપારી માલસામાનની નિકાસમાં ઘટાડો નોંધાતા ઉત્પાદન ક્ષેત્ર પર અસર પડી હતી જેને કારણે રોજગાર પણ રૂંધાયા હતા. દેશની નિકાસમાં ૨૦૧૭થી થોડોઘણો સુધારો શરૂ થયો છે ખરો પરંતુ તે હરખાવા જેટલો મજબૂત નથી. હકીકતમાં ૨૦૧૮-૧૯માં માલસામાનની નિકાસ અને આયાતમાં વૃદ્ધિ ૯ ટકા જેટલી લગભગ સરખી રહી હતી.
નિકાસ આંક ૩૩૧ અબજ ડોલર જ્યારે આયાત આંક ૫૦૭ અબજ ડોલર રહ્યો હતો જેને પરિણામે મરચંડાઈઝ વેપારની ખાધ ૮.૯૦ ટકા જોવા મળી હતી. નિકાસ વૃદ્ધિમાં ૨૫ ટકા સાથે સૌથી મોટું યોગદાન એન્જિનિયરીંગ માલસામાનનું રહ્યું હતું ત્યારબાદ ઈલેકટ્રોનિકસ માલસામાન અને કેમિકલ્સનો આંક રહ્યો હતો. સારી ગુણવત્તાને કારણે ભારત કેમિકલ્સની નિકાસમાં સારી કામગીરી બજાવી રહ્યું છે.
જો કે છેલ્લા કેટલાક વર્ષથી બંગલાદેશ તથા વિયેતનામ જેવા દેશો તરફથી ઊભી થયેલી સ્પર્ધાને કારણે ભારતની ગારમેન્ટસ નિકાસની કામગીરી નબળી પડી છે. પોતાની પરંપરાગ બજારો ખાસ કરીને યુરોપ, અખાતી દેશો, શ્રીલંકા વગેરે ખાતે ભારતની ગારમેન્ટસની નિકાસ ઘટી રહી છે.
લેધર પ્રોડકટકસ, નોન-ફેરસ મેટલ્સ તથા આયર્ન અને સ્ટીલ જેવા મહત્વના નિકાસ ક્ષેત્રોમાં પણ ભારત બજાર હિસ્સો ગુમાવી રહ્યું છે. અમેરિકા દ્વારા અપનાવાઈ રહેલી સંરક્ષણવાદની નીતિ જે હાલમાં વધુ પડતી ચીનને અસર કરી રહી છે તે દિવસ જતા આપણને પણ અસર કરી શકે છે.
હજુ ગયા સપ્તાહમાં જ અમેરિકન પ્રમુખે ચીનના બીજા ૨૦૦ અબજ ડોલરના માલસામાન પર ૨૫ ટકા સુધીની આયાત ડયૂટી લાદવાની જાહેરાત કરી છે. આની સામે ચીન કેવા પગલાં લે છે તે આવનારા દિવસોમાં જોવા મળશે. ચીન પોતાની કરન્સીનું ડિવેલ્યુએશન કરે તો નવાઈ નહીં.
ભારત જ્યારે તેના લેધર પ્રોડકટકસ, નોન-ફેરસ મેટલ્સ તથા આયર્ન અને સ્ટીલ જેવા મહત્વના નિકાસ ક્ષેત્રોમાં નબળી કામગીરી કરી રહ્યું છે ત્યારે તેનું કૃષિ ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે જેમાં ભારત નિકાસ મોરચે ઘણી સારી કામગીરી કરવાનો અવકાશ ધરાવે છે. ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે અને ફળો તથા શાકભાજીના ઉત્પાદનમાં તેનો ક્રમ બીજો છે. સરકારની નવી કૃષિ નિકાસ નીતિ નિકાસ વધારવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.
હાલમાં જ જાહેર થયેલા ભારતના એપ્રિલના ઉત્પાદન તથા સેવા ક્ષેત્રના પીએમઆઈ સારા નથી આવ્યા. આ બન્ને ક્ષેત્રમાં નવા ઓર્ડરમાં ઘટાડો થયો છે. જો કે પીએમઆઈમાં ઘટાડા માટે લોકસભાની ચૂંટણીને લગતી અનિશ્ચિતતા કારણભૂત ગણાવાઈ રહી છે પરંતુ જ્યારે અમેરિકા અને ચીન વચ્ચે વેપાર યુદ્ધ ચાલુ છે ત્યારે બન્ને દેશો વચ્ચેના વેપારમાં થયેલા ઘટાડાનો ભારતે લાભ ઉઠાવી લેવામાં કોઈ કચાસ બાકી રાખવી ન જોઈએ એ પણ એક હકીકત છે.
અમેરિકા તથા ચીન વચ્ચે સંપૂર્ણ સ્તરની અને લાંબા ગાળાની ટેરિફ વોર ભારત ઉપરાંત વૈશ્વિકીકરણ માટે સારી નથી ત્યારે ભારત માટે તે ટૂંકા ગાળાની તક બની શકે છે. અમેરિકાએ ચીનના માલસામાન પરની આયાત ડયૂટીમાં વધારો કર્યો છે ત્યારથી ચીનની અમેરિકા ખાતેની નિકાસ પર અસર પડી છે અને વધુ પડવાના એંધાણ વર્તાય રહ્યા છે. આવી સ્થિતિમાં ભારત તેની ગારમેન્ટસ, જેમ એન્ડ જ્વેલરી સહિતના માલસામાનની નિકાસ માટે અમેરિકામાં આકર્ષણ વધારી શકે છે.
ભારતની નિકાસ રિકવરીના તબક્કા પર છે ત્યારે તેને ટેકાની આવશ્યકતા રહેલી છે. એસએમઈ નિકાસકારોને ટૂંકા ગાળા માટે જીએસટીમાંથી મુક્તિ, આ ઉદ્યોગને ધિરાણમાં રાહત, ઈનપુટ ક્રેડિટના ઓનલાઈન રિફન્ડ જેવા પગલાં નિકાસકારોને મોટી રાહત પૂરી પાડી શકે એમ છે. વેપારને લગતા લોજિસ્ટિકસમાં સુધારો કરવાથી વેપાર ખર્ચમાં ઘટાડા સાથે નિકાસકારોની સ્પર્ધાત્મકતામાં વધારો થશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhJ2u2
via Latest Gujarati News
0 Comments