નવી સરકારે બેન્કોની બેલેન્સશીટસ મજબૂત બનાવવાના નવા માર્ગ પર વિચારવું પડશે



બેન્કોની બેડ લોન્સની સમશ્યાને દૂર કરવા નોન પરફોર્મિંગ એસેટસ (એનપીએ) વર્ગીકૃત કરવા માટેના ધોરઁણોને સખત બનાવતા રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ૨૦૧૮ના ૧૨ ફેબુ્રઆરીના પરિપત્રક સામે સુપ્રીમ કોર્ટમાં ગયેલી વીજ કંપનીઓની અરજીને માન્ય રાખીને કોર્ટે આ પરિપત્રકને બાજુ પર મૂકી દીધો છે. 

આને કારણે એનપીએની સમશ્યાને હાથ ધરવા રિઝર્વ બેન્કે હવે નવેસરથી કવાયત હાથ ધરવાની ફરજ પડી છે. ચુકાદાને કારણે બેન્કોના ચોપડામાં બેડ લોન્સના ભારને હળવો કરવાની કવાયત અટકી નહીં પડે પરંતુ તેમાં ઢીલ થવાની શકયતા નકારાતી નથી. 

મે ૨૦૧૭માં બેન્કિંગ ધારામાં સુધારો કરીને સરકારે રિઝર્વ બેન્કને નિર્દેશ આપવાની સત્તા મેળવી હતી. જો કે આ સુધારા પહેલા પણ રિઝર્વ બેન્ક, લોન્સ છૂટી કરવાની બેન્કોની નીતિમાં દરમિયાનગીરી કરી તેમના ચોપડા તપાસવાની સત્તા ધરાવતી હતી. તો પછી અહીં સવાલ એ થાય છે કે સરકાર ધારામાં સુધારો કરવાની જરૂરત શા માટે ઊભી થઈ.

આ પાછળનું કારણ કદાચ સરકાર રિઝર્વ બેન્કની કામગીરીમાં દખલગીરી કરી બેન્કોની બેડલોન્સની સમશ્યા દૂર કરવા તથા ડિફોલ્ટ જતા કોર્પોરેટ હાઉસોને પાઠ ભણાવવા માગતી હશે અથવા તો બેડ લોન્સના દૂષણને નાથવામાં માત્ર રિઝર્વ બેન્ક એકલી જ જહેમત કરતી નથી પરંતુ સરકાર પણ તેની સાથે છે એવું કદાચ દર્શાવવા માગતી હશે. આમ બેડ લોન્સની સમશ્યાને નાથવા રિઝર્વ બેન્ક તથા સરકાર બન્નેએ સાથે મળીને અભિયાન હાથ ધર્યું છે ત્યારે, દેશના લેભાગુ મૂડીવાદીઓ તેમાંથી બચવા અનેક રીતે પ્રયાસો કરતા હોવાનું જોવા મળે છે. 

લોન્સ પૂરી પાડવાના વ્યવસાયમાં કયારેક કેટલીક લોન્સ વિવિધ કારણોસર નબળી પણ પડી શકે છે. જેમ કે, નિકાસમાં મંદી, કરન્સીના વેલ્યુમાં ઘટાડો, ભૂલભરેલા બિઝનેસ મોડેલ્સ વગેરે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી  લેભાગુ પ્રમોટરો અને બેન્કના કેટલાક કહેવાતા ભ્રષ્ટ અધિકારીઓ સાથે મળીને બેન્કના પૈસા ચાઉં કરી જતા હોવાની ઘટનામાં વધારો થયો છે, અને તેને પરિણામે બેન્કોની એનપીએનો આંક જોરદાર વધી ગયો છે.

૨૦૦૬થી ૨૦૦૮ના વર્ષનો ગાળો ભારતીય અર્થતંત્ર માટે સોનેરી યુગ રહ્યો હતો, જેમાં ફુગાવો નીચો રહેવા ઉપરાંત આર્થિક વિકાસ દર ઊંચો જોવા મળ્યો હતો. દરેક રીતે સારી સ્થિતિને કારણે બેન્ક ધિરાણ પણ વધીને જીડીપીના ત્રણ ગણા પર પહોંચી ગયું હતું, પરંતુ અમેરિકામાં ઊભી થયેલી નાણાંકીય કટોકટીએ  ભારત  સહીત આખા વિશ્વને ભરડામાં લીધું હતું.

આવી સ્થિતિમાં ઉપભોગમાં ઘટાડો થયો હતો અને ઉદ્યોગો પણ મંદ પડી ગયા હતા. ઉપભોગ વધારવા અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરવા ભારતના નીતિવિષયકોએ નાણાં નીતિને હળવી બનાવી ઉદ્યોગોને લોન્સની ઉદાર મને લ્હાણી કરી હતી. બેન્કોની ઉદાર નીતિ લેભાગુ પ્રમોટરો માટે ભાવતું તું ને વૈદે કહ્યું જેવી બની ગઈ હતી. 

૨૦૦૮ની નાણાંકીય કટોકટીમાંથી બહાર આવતા વિશ્વને એક દાયકા કરતા પણ વધુ સમય લાગી ગયો હતો. પરંતુ ત્યાંસુધીમાં ભારતની બેન્કોએ એટલી હદ સુધી ઉદ્યોગોને નાણાં ધીરી દીધા હતા જે પરત મેળવવાનું તેમની માટે દિવસોદિવસ કઠીન બનતું ગયું હતું.

ડીફોલ્ટમાં જતા પ્રમોટરો પાસેથી નાણાંની વસૂલી માટે સખત કાયદાની ગેરહાજરીમાં બેન્કોએ લોન્સના રિસ્ટ્રકચરિંગ જેવા પગલાં લેવાનું શરૂ કર્યું હતું, જો કે તે પણ કારંગત નિવડયા નહોતા. છેવટે ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (આઈબીસી) જેવો કડક કાયદો લાગુ કરાયો છે, જો કે તેમાં પણ ઘણી ઢીલ થઈ ગઈ હતી એમ કહીશું તો ખોટું નહીં  ગણાય. 

 ઈન્સોલવેન્સી એન્ડ બેન્કરપ્સી કોડ  લાગુ કરવાથી બેન્કોની બેડ લોન્સની સમશ્યા ઉકેલાઈ જશે અને કંપનીઓમાં અટવાયેલા ધિરાણદારોના અબજો રૂપિયા પાછા આવી જશે તેવી સરકાર અને બેન્કોની આશા એટલી જલદી ફળીભૂત થઈ નથી, કારણ કે બેડ લોન્સનું પ્રમાણ હજુપણ ૧૦ ટકા કરતા વધુ છે.

કેન્દ્રમાં આવનારી નવી સરકાર સામે અનેક પડકારો રાહ જોઈને ઊભા છે જેમાંનો એક પડકાર જાહેર ક્ષેત્રની બેન્કોની ડામાડોળ સ્થિતિને લગતો છે. બેન્કોના ચોપડાને  બેડ લોન્સમાંથી કલીન કરવાના હેતુ સાથેનો રિઝર્વ બેન્કનો ૧૨ ફેબુ્રઆરીનો પરિપત્રક હાલમાં બાજુ પર મૂકી દેવાયો છે ત્યારે કેન્દ્રમાં આવનારી નવી સરકાર દેશની બેન્કોની સ્થિતિ ઝડપથી સુધારવા કેવા પગલાં લે છે તે જોવાનું રહેશે. 



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YtL3sR
via Latest Gujarati News

Post a Comment

0 Comments