દેશમાં ખેતીલાયક જમીનમાં થતા ઘટાડાની ઝડપ અત્યંત ચિંતાજનક



સૌથી વધુ વસતી ધરાવતા વિશ્વના દેશોમાં  પહેલો અને બીજો નંબર ચીન અને ભારતનો આવે છે. બન્ને દેશના ૨.૭૫ બિલિયન  નાગરિકોને અન્ન મળી રહે એ બાબતની તકેદારી  રાખવાની જવાબદારી બન્ને દેશની સરકારની છે. 

આ એક પડકારજનક અને ભગીરથ કાર્ય છે.  ઈવન આજે ભારત દેશમાં કૃષિ ક્ષેત્ર પાણી માટે વરસાદ પર આધાર રાખે છે. વોટર રીસોર્સ મેનેજમેન્ટની બીજી તરકીબો દેશના ખેડૂતો અને સત્તાધીશો કંઈ શીખ્યા હોય એવું લાગતું નથી.  ઉપરાંત અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિનું ચક્ર પણ નિયમિત પણે ચાલ્યા કરે છે. 

દેશના અનેક વિસ્તારોમાં  પાણીના સ્ત્રોત એપ્રિલમાં  સુકાઈ જાય છે અને નાગરિકો પીવાના પાણીની એક બાલદી માટે રીતસરના વલખા મારે  છે. વધુમાં  વિશ્વમાં પાણીના અને ખેતીલાયક જમીનના કુલ સ્ત્રોતોમાંથી ભારત પાસે  આની માલિકી નજીવી છે. વિશ્વની કુલ વસતીમાંથી ૧૮ ટકા ભારતમાં છે જ્યારે ૧૭૯.૮ મિલિયન  કુલ ખેતીલાયક જમીનમાંથી  ભારત પાસે   માત્ર ૯.૬ ટકા છે. ચિન્તા એ છેકે વૈશ્વિક જળના સ્ત્રોતોમાંથી ભારત પાસે રહેલા સ્ત્રોતોનો આંકડો  માત્ર ચાર ટકા છે.આ દ્રષ્ટિએ ચીન નસીબદાર છે.

વિશ્વની  કુલ વસતીનો પાંચમો  ભાગ ચીનમાં વસવાટ કરે છે. વિશ્વની કુલ ખેતીલાયક  જમીનમાંથી   ચીન સાત ટકાની માલિકી ધરાવે છે.  જ્યારે જળના સ્ત્રોતોની ટકાવારીએ આ આંકડો સાત ટકાનો છે.  ભારત કરતા આ લગભગ બમણું પ્રમાણ છે. જોકે એક ચિન્તા ભારત અને ચીન બન્નેને કોરી ખાય છે.  બન્ને દેશોના ખેતરોનું  સરેરાશ કદ વિશ્વમાં  સૌથી નાનું  છે. આ બાબત કોઈ પણ   યંત્રણા માટે  અત્યંત પડકારજનક છે.

હાલમાં થયેલા એક અધિકૃત  અભ્યાસના  તારણ પ્રમાણે ૨૦૧૦-૧૧થી ૨૦૧૫-૧૬ દરમિયાન  ભારતમાં સરેરાશ ખેતીની જમીનના  કદમાં  નોંધપાત્ર ઘટાડો થયો છે. ૨૦૧૦-૧૧માં ભારતમાં ખેડૂત સરેરાશ ૧.૧૫ હેકટર જમીન પર ખેતી કરતો હતો. આ આંકડો હવે ઘટીને ૧.૦૮ હેકટર પર આવી ગયો છે.

ઉપરાંત દેશમાં નાના અને માર્જિનલ ખેડૂતોની સંખ્યા  વધવા પામી છે  ઉલ્લેખનીય છે કે જેમ ખેતરોનું  કદ મોટું હોય એમ એને પૂરક સાધનોના ઉપયોગનો  ખર્ચ વહેંચાઈ જાય છે. ખેતરોનું કદ ઘટતા ઉત્પાદન ખર્ચ વધે છે. ઘણીવાર અમુક સાધનો તો નાના ખેડૂતો વસાવીપણ નથી શક્તા  જો કે  આ બાબતે ચીનની પરિસ્થિતિ  પણ કંઈ બહુ સારી નથી.  

આ દેશના નૈસર્ગિક  સંસાધનોના મંત્રાલયે તાજેતરમાં ચોંકાવનારો  અહેવાલ બહાર પાડયો છે. કુદરતી આપત્તિ,  બાંધકામ અને પર્યાવરણના વિનાશને  કારણે  આ દેશમાં  પણ ખેતીલાયક જમીનનું  કદ દિવસેદિવસે ઘટતું જાય છે. હજારો  હેકટર  જમીનને પ્રદૂષિત જાહેર કરવામાં આવી  છે અને આ પ્રદૂષણનું  સ્તર ઘટી  જમીનપાછી ખેતીલાયક થાય એ પ્રક્રિયાને  દાયકાઓ લાગશે.

ઉપરાંત  ભારતની જેમ ચીનમાં  પણ ખેતરોનું  સરેરાશ કદ ઘટતુંજાય છે. મોટાભાગના ખેતરો એક હેકટરથી  ઓછી જમીન ધરાવે છે. એક વૈજ્ઞાાનિક મેગેઝીનના સંવાદદાતાએ કહ્યું કે ભારત અને  ચીનમાં અમુક પ્રદેશો હરિયાળા છે તો અમુક  જમીનનો પટ્ટો સપાટ છે. 

૨૦૧૮માં  અમેરિકામાં  ખેતરોનું  સરેરાશ કદ ૧૮૦ હેકટર હતું. જ્યારે ભારત અને ચીનમાં  આ આંકડો  નજીવો ક્ષુલ્લક એકનો છે. જો કે પ્રોડકટિવિટીની બાબતે વર્લ્ડ બેન્કે પ્રોત્સાહક આંકડાઓ બહાર  પાડયા છે.  પણ આ પ્રગતિના વરસ છ દાયકામાં  ફેલાયેલા  છે.

૧૯૬૧થી  ૨૦૧૭ દરમિયાન ઓસ્ટ્રિયા, કેનેડા, ફ્રાન્સ, ચીન અને અમેરિકામાં  ઉત્પાદન ક્ષમતામાં  ખાસ્સો  એવો વધારોે  નોંધાયો છે તો ભારત અને બાંગ્લાદેશ સહિતના  અમુક દેશોમાં  વધારો નોંધપાત્ર નહીં પણ ગણાય એવો છે.  માત્ર આફ્રિકાના અમુક દેશો આ દ્રષ્ટિએ ગોકળગાયની ગતિએ પ્રગતિ કરે છે.

જોકે આ બાબતે  બાંગલા દેશનો ઉલ્લેખ  જરૂરી છે. ૧૯૭૧માં  ભારતે જ્યારે બાંગલાદેશને સ્વતંત્રતા અપાવી ત્યારેએનું ગ્રામીણ અર્થતંત્ર ભાખોડિયા ભરતું  હતું. પરંતુ ૨૦૧૭માં એણે વિશ્વના તમામ દેશોને આંજી નાખતી પ્રગતિ કરી છે.  હેકટર દીઠ અનાજ  ઉગાડવાનો વિક્રમ એણે પોતાના નામે અંકે કર્યો છે.

૧૯૬૧માં આ પ્રદેશ જ્યારે પાકિસ્તાનના તાબામાં  હતો એના કરતા બમણો પાક બાંગ્લાદેશ હોય એટલી જ  જમીન પર લે છે. ચીન, ભારત કે પછી બાંગલાદેશ, નાના ખેડૂતોનું ખેતીમાં  વર્ચસ્વ છે ચીન ભારત અને બાંગલાદેશના તો મહત્તમ ખેડૂતો અશિક્ષિત છે.

દેશમાં થયેલા અભ્યાસમાં  જાણ થઈ કે ભારતના ખેડૂતો અશિક્ષિત હોવાને કારણે નવી નવી  ટેકનોલોજીને આત્મસાત નથી  કરી શકતા અને એની સીધી અસર ખેતીની ઉપજ પર પડે છે. જ્ઞાાનના અભાવે એમને ધરતીથી  ફળદ્રુપતા કંઈ રીતે જાળવવી-વધારવી, પાણીનો અસરકારક ઉપયોગ કેવી રીતે  કરવો ઈત્યાદિ  બાબતોની ઉપભોગતાથી વંચિત રહી  જાય છે. 

જેને કારણે  જોઈએ એટલો પાક લેવામાં તેઓ અસફળ રહે છેે, એક બાબત સ્પષ્ટ તરી આવે  છે કે  ચીન અત્યંત ઝડપથી પોતાના ખેડૂતોને એમને લાગતી વળગતી બાબતે શિક્ષિત  કરી રહ્યું છે.  તો બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં   ચીન બાળકો માટે નવ વરસનું  શિક્ષણ ફરજીયાત  કર્યું છે.  આટલું પૂરતું ન હોય એમ છેલ્લા પાંચ  વરસમાં ચીને એડલ્ટ એજ્યુકેશન પણ ફરજીયાત  કર્યું છે.

ચીન સમજી ગયું છેકે  ખરો વિકાસ  કરવો હોય અને નાગરિકોની  સુખાકારી ઈચ્છવી  હોય તો  સર્વને શિક્ષણ અને આરોગ્ય માટે મોટી  રકમનું રોકાણ કરવુંપડશે. અને વધુમાં આ રોકાણ ચૂંટણી પૂરતું  ન હોવું જોઈએ. ચીનમાં   વન પાર્ટીનું  શાસન છે તો ભારતમાં લોકશાહી છે. પરંતુ સરકાર કોઈ પણ હોય, ફૂડ સિક્યોરિટીની ખાત્રી આપવાની જવાબદારી   તો બને જ છે.

દેશના ઘણા રાજ્યો મોડે મોડે  જાગૃત થયા છે અને ખેતીની જમીનનો  વપરાશ અન્ય કોઈ ઉપયોગ માટે કરવાની  પરવાનગી નથી આપતા. આનો વ્યાપ વધવો  જરૂરી છે. થોડાક નાણાં વેરીને જમીનનો ટુકડો જો એનએ થઈ જતો  હોય તો એ ખોટું છે અને ભવિષ્યમાં  ધાતક પૂરવાર થઈ શકે.

વર્લ્ડ બેન્કના રિપોર્ટ પ્રમાણે ૨૦૫૦ સુધીમાં  ભારતની અડધોઅડધ વસતી શહેરોમાં રહેતી હશે.  અને ઓલરેડી  ૬૦ ટકા  અર્બન છે અને ૨૦૩૦ સુધીમાં  ચીનના એક બિલિયન નાગરિકો શહેરી હશે.  પરંતુ આ શહેરો ગામડાઓને ભાંગી ન બને એની તકેદારી  સરકાર લેશે  ખરી? પછી ભલે એ કોઈ પણ હોય.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HfQe9V
via Latest Gujarati News

Post a Comment

0 Comments