સરકાર 35થી 40 ટકા વધુ ઘઉં બલ્ક વપરાશકારોને વેચશે



દેશમાં વર્ષો પૂર્વે ઘઉં-ચોખાનું ઉત્પાદન ઓછું થયું હતું અને એ વખતે ઘરઆંગણે અનાજની માગ સામે સ્થાનિક પુરવઠો ઓછો રહેતો હતો એ વખતે દેશમાં દરિયાપારથી અનાજની આયાત કરવી  પડતી હતી. 

જોકે  ત્યાર પછીના સમયમાં  દેશમાં  હરિયાળી ક્રાંતિ શરૂ થતાં ખાસ કરીને પંજાબ, હરિયાણા તથા  ઉત્તર-ભારતના રાજ્યોમાં  અનાજનું ઉત્પાદન નોંધપાત્ર વધવા માંડયું હતું અને ત્યાર પછીના ગાળામાં એક તબક્કે એવી સ્થિતિ પણ ઊભી થઈ હતી  જેમાં ઘરઆંગણે અનાજની આયાત કરવાના બદલે આપણે તેની નિકાસ કરતા થયા હતા. 

આમ એ વર્ષોના સમયગાળામાં  અનાજ ઉત્પાદનના સમીકરણો નોંધપાત્ર   બદલાતા રહ્યા હતા.  તાજેતરના વર્ષોમાં પણ દેશમાં ઘઉં-ચોખાનું ઉત્પાદન વધ્યું છે. આ વર્ષે પણ  આ ઉત્પાદનના આંકડા  પ્રોત્સાહક આવી રહ્યા હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. ઘઉંમાં તથા ચોખામાં  સરકારની ખરીદી પણ જળવાઈ રહી છે. સરકારની વિવિધ એજન્સીઓ પાસે અનાજનો જથ્થો-સ્ટોક પણ વિપુલ પ્રમાણમાં જણાયો છે.

સરકાર હસ્તકના ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા  પાસે આવો સ્ટોક વિશેષરૂપે પડયો છે. તથા બજારના  સૂત્રોના જણાવ્યા મુજબ આ જથ્થા પૈકી  આશરે ૧૦૦ લાખ ટન ઘઉં ફુડ કોર્પોરેશન દ્વારા  બલ્ક વપરાશકારોને  વેંચવામાં  આવનાર છે. વર્તમાન  નાણાં વર્ષમાં  આ વેચાણ ટારગેટ રાખવામાં આવ્યાના નિર્દેશો તાજેતરમાં મળ્યા હતા.

ફૂડ કોર્પોરેશન દ્વારા ૨૦૧૮-૧૯ના નાણાં વર્ષમાં આવું જે વેચાણ કરવામાં આવ્યું હતું તેની સરખામણીએ ૨૦૧૯-૨૦ના હાલના નાણાં વર્ષમાં  આવું વેચાણ આશરે ૩૫થી ૪૦ ટકા વધુ કરવામાં આવશે એવા નિર્દેશો તાજતેરમાં  મળ્યા હતા. જોકે આવા વેચાણમાં સરકાર વ્યાજબી શરતો મૂકશે તો વેચાણ વધશે એવું બજારના જાણકારોએ જણાવ્યું હતું. 

ભારત સરકારે તાજેતરમાં  ઘઉંની  આયાત જકાત ૩૦ ટકાથી વધારી ૪૦ ટકા કરી છે. આના પગલે ઘરઆંગણે અનાજ બજારમાં ઘઉંના ભાવ ઉંચા ગયા હતા. જોકે  ત્યાર પછી નવી માગ રુંધાતા નવી તેજીમાં રૂકાવટ  દેખાઈ છે. ભાવ ઉછાળો પચાવવા મથતા રહ્યા છે. ઘઉંના ઉત્પાદક દેશાવરોમાંથી મળતાં સમાચાર મુજબ તાજેતરમાં અખાત્રીજના  તહેવાર તથા લગ્નસરાની મોસમના પગલે વિશેષરૂપે રાજસ્થાન, મધ્ય પ્રદેશ વિ. બાજુ ઘઉંની આવકો અપેક્ષાથી ઓછી જોવા મળી છે. 

જોકે આવકોમાં આવો ઘટાડો હંગામી હોવાનું તથા આગળ ઉપર મે મહિનાના ત્રીજા-ચોથા સપ્તાહમાં  આવી આવકો ફરી વધવાની  ગણતરી  જાણકારો બતાવી રહ્યા હતા.  નોર્થ ભારતમાં  ઘઉંમાં સરકારની ખરીદી ખાસ્સી દેખાઈ છે. રાજસ્થાન બાજુ આ વખતે સારા ઘઉનો પુરવઠો વિશેષ રહ્યો અને આવા ઘઉંમાં ત્યાં કોર્પોરેટ કંપનીઓની માગ તથા પૂછપરછો પણ  જોવા મળી હોવાનું  ત્યાંના નિર્દેશોમાં જણાવાયું છે.  દરમિયાન ઘઉંમાં ભરવાની મોસમ મોટાભાગે પૂરી થઈ ગઈ છે.

દરમિયાન દિલ્હીથી મળતા સમાચાર મુજબ ફૂડ કોર્પોરેશન દ્વારા વેચાણનો તખ્તો ગોઠવાઈ રહ્યો છે.  સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ ઘઉંના આવા  વેંચાણમાં ખાસ કરીને પંજાબ, હરિયાણા, મધ્ય પ્રદેશ વિ. રાજ્યોમાં  બેઝ ભાવ કિવ.ના રૂ.૨૦૮૦ આસપાસ ઓફર કરાઈ રહ્યા છે. જોકે આ સિવાયના રાજ્યો માટે બેઝ ભાવ ઉપરાંત લુધિયાણાથી આવા રાજ્યો સુધીના વાહન ભાડાઓ ફ્રેઈટ ચાર્જીસ બેઝ ભાવમાં  ઉમેરવામાં  આવે ત્યાર પછી આવા ભાવ ઓફર કરાઈ રહ્યાના વાવડ મળ્યા હતા.

દેશમાં ઘઉંની ખરીદી તથા વેંચાણ કરવાની સરકાર તરફથી જવાબદારી  સરકારે ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને   સોંપી છે.  તથા આવા ઘઉંના વેચાણ માટે  ઓપન માર્કેટ સેલ સ્કીમ ઓએમએસએસ હેઠળ થતા વેંચાણમાં  ઈ-ઓક્શનનો માર્ગ અપનાવવામાં આવે છે એવું જાણકારોએ જણાવ્યું  હતું. પ્રથમ તબક્કે  આવા વેચાણનો ટારગેટ ૧૦૦ લાખ ટનનો રાખવામાં આવ્યો છે પરંતુ જો માગ  વધુ દેખાશે  તો આવો ટારગેટ વધારવામાં આવશે એવી શક્યતા પણ સરકારી સૂત્રો બતાવી રહ્યા હતા. 

 આગળ ઉપર બેઝ ભાવમાં  રૂ.૫૫નો વધારો કરાય એવી શક્યતા પણ બતાવાઈ છે. ફૂડ કોર્પોરેશન પાસે હાલ ઘઉંનો જથ્થો આશરે  ૪૦૦ લાખ ટનનો મનાય છે. આ પૈકી આશરે ૧૬૦ લાખ ટનનો સ્ટોક જૂના ઘઉંનો તથા બાકીનો  જથ્થો નવા ઘઉંનો મનાઈ રહ્યો છે. આ વર્ષે ઘઉં ખરીદીનો ટારગેટ ૩૫૫થી ૩૬૦ લાખ ટનનો રાખવામાં આવ્યો છે.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YoSHV3
via Latest Gujarati News

Post a Comment

0 Comments