
દેશના ઝવેરી બજારમાં તાજેતરમાં ખાસ્સો બદલાવ દેખાયો છે. તાજેતરમાં સોના- ચાંદીના બજાર ભાવ ઉંચા મથાળેથી નોંધપાત્ર નીચા આવ્યા છે. અખાત્રીજનો તહેવાર તાજેતરમાં આવ્યો હતો અને નીચા ભાવના પગલે આ તહેવાર દરમિયાન ઝવેરીબજારમાં મોસમી માગ અપેક્ષાથી સારી રહી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું.
હાલ લગ્નસરા પણ ચાલી રહી છે. ચૂંટણીના માહોલમાં સત્તાવાળાઓની બારીક નજર વચ્ચે દેશમાં દાણચોરીની પ્રવૃત્તિને પણ બ્રેક લાગ્યો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અંદાજ મુજબ એપ્રિલ- મે- જૂનના ત્રિમાસિક ગાળામાં ઘરઆંગણે સોના અને ઝવેરાતની માગ ઉંચી નોંધાવાની શક્યતા છે.
દરમિયાન, ઝવેરીબજારમાં તાજેતરમાં હોલ માર્કિંગ અંગે વિવિધ ચર્ચાઓ સંભળાઈ હતી તથા મતમતાંતરો પણ જોવા મળ્યા હતા. જયપુરમાં બોગસ હોલ માર્કિંગ સંદર્ભમાં સરકાર દ્વારા તાજેતરમાં તપાસ કરવામાં આવ્યાની ચર્ચા ઝવેરીબજારમાં સંભળાઈ હતી. નબળી ગુણવત્તાવાળા દાગીનાઓ ૨૨ તથા ૧૮ કેરેટના હોલ માર્ક દાગીનાઓ તરીકે વેંચાઈ રહ્યાની ત્યાં ચર્ચા હતી.
અમુક વર્ગ એવું કહેતો હતો કે આ તપાસ રુટીન પ્રકારની રહી છે તથા અમુક વર્ગ આ તપાસને ગંભીર દરોડા તરીકે ગણાવી રહ્યો હતો. ૯૧.૬૦ ટકાની શુધ્ધતાનો દાવો કરાતા હોલ માર્ક માલોમાં શુધ્ધતા ૯૧.૨૦ ટકા ૯૧.૫૯ ટકા સુધીની જોવા મળ્યાની ચર્ચા પણ તાજેતરમાં સંભળાઈ હતી. અમુક થર્ડ પાર્ટીઓ ઈલીગલ સ્ટેમ્પીંગ લેઝર મશીનો દ્વારા કરી આવો કારસો કરતા હોવાની ચર્ચા પણ સંભળાઈ હતી. સરકારના મંતવ્યો પણ આ કિસ્સાઓ વિશે સ્પષ્ટ આવ્યા નથી એવું જાણકારોએ જણાવ્યું હતું.
દરમિયાન, બજારના જાણકારોના જણાવ્યા મુજબ ભારતમાં ઝવેરીબજારનું કદ મોટું રહ્યું છે. પરંપરાગત ખરીદી ઉપરાંત રોકાણના સંદર્ભમાં પણ સોનાનો પ્રભાવ રહેતો આવ્યો છે. જ્યારે પણ ઝવેરીબજારમાં જાવ ત્યારે સોનાની શુધ્ધતા વિશે તકેદારી રાખવી આવશ્યક હોવાનું બજારના તટસ્થ તજજ્ઞાોએ જણાવ્યું હતું.
આ શુધ્ધતાની ખાતરી હોલ માર્કિંગ દ્વારા થતી હોય છે તેની રચના સરકાર દ્વારા કરાઈ છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ દ્વારા આની દેખરેખ રાખવામાં આવતી હોય છે. બજારના તજજ્ઞાોના જણાવ્યા મુજબ જ્યારે પણ સોના- ઝવેરાતની ખરીદી કરવામાં આવે ત્યારે બીઆઈએસ સર્ટીફાઈડ હોલ માર્ક થયેલા સોના અને દાગીનાઓ માટે આગ્રહ રાખવો જરૂરી છે.
આમ કરવામાં આવશે તો સોનાની શુધ્ધતાની ખાતરી મેળવી શકાય તેમ છે. સોના ઉપરાંત ચાંદીની ખરીદી કરતી વખતે પણ આવા હોલ માર્કિંગ વિશે તકેદારી રાખવી આવશ્યક હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું. આ યોજના વોલન્ટરી રાખવામાં આવી છે.
આની પર દેખરેખ માટે બીઆઈએસની દેશના વિવિધ શહેરો તથા રાજ્યોમાં પથરાયેલી રિજનલ ઓફીસો મારફત રાખવામાં આવતી હોય છે. આ પ્રક્રિયા હેઠળ જવેલર્સ આ માટે અરજી કરી શકે છે તથા ત્યારબાદ તેને લાઈસન્સ આપવામાં આવે છે. આના આધારે સોના અને ચાંદીની શુધ્ધતા વિશે ખાતરીનો માહોલ ઊભો થાય છે.
આવા જવેલર્સ દ્વારા વેંચાતી દરેક જવેલરી બીઆઈએસ દ્વારા માન્યતા પ્રાપ્ત એસેઇંગ તથા હોલ માર્કિંગ કેન્દ્રો મારફત હોલમાર્ક કરવામાં આવે છે. આવા કેન્દ્રો પર બીઆઈએસના અધિકારીઓ નજર રાખે છે તથા ઘણીવાર અણધાર્યા સેમ્પલો લઈ ટેસ્ટીંગ કરવામાં પણ આવે છે. પંચીસ તથા લેઝર મશીન મારફત આવી પ્રક્રિયા કરાતી હોય છે. ચોવીસ કેરેટનું સોનું સૌથી શુધ્ધ સોનું મનાય છે.
જોકે આવું સોનું વિશેષરૂપે નરમ હોય છે તથા તેના દાગીના બનાવવા મુશ્કેલ બને છે. આના પગલે તેમાં કોપર- સિલ્વર વિ. ઉમેરવા પડતા હોય છે. બાવીસ કેરેટ સોનામાં સોનાનું પ્રમાણ ૯૧.૭૦ ટકા રહેતું હોય છે તથા બાકીના ભાગમાં કોપર, સિલ્વર, ઝીંક વિ. હોય છે. જાન્યુઆરી ૨૦૧૭થી ગોલ્ડ હોલ માર્કિંગ ૨૨, ૧૮ તથા ૧૪ કેરેટ સોના માટે આપવામાં આવે છે.
જવેલરીનું હોલ માર્કિંગ બીઆઈએસ માન્યતા પ્રાપ્ત કેન્દ્રો દ્વારા થાય છે અને જવેલર્સો દ્વારા થતું નથી એ વાત લક્ષમા ંરાખવી જરૂરી છે. આવી જવેલરીમાં ડાઉટ જાય તો ગ્રાહકો તેનું ટેસ્ટીંગ દેશના આવા ૪૦૦થી વધુ કેન્દ્રોમાં કરાવી શકે છે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HemmKU
via Latest Gujarati News
0 Comments