દેશમાં રૂનો પાક આ વર્ષે 50 લાખ ગાંસડી ઓછો આવશે



દેશમાં રૂના પાક વિષયક પ્રવાહો તાજેતરના વર્ષોમાં  નોંધપાત્ર પલ્ટાતા જોવા મળ્યા છે.  આ પૂર્વે  દેશમાં રૂનું ઉત્પાદન સામાન્ય રહેતું હતું તે ત્યારપછીના વર્ષોમાં  તથા વિશેષરૂપે બીટી કોટનના  માહોલમાં દેશમાં રૂનું  ઉત્પાદન વધતું  રહી એક તબક્કે  વાર્ષિક ૪૦૦ લાખ ગાંસડીની ઉપર જતાં  ઈતિહાસ રચાઈ ગયો હતો. 

જોકે ત્યાર પછી પાકમાં ફરી વળતા પાણી પણ જોવા  મળ્યા હતા, એ દરમિયાન કપાસ ઉગાડતા વિવિધ વિસ્તારોમાં  વિવિધ જીવાતોનો  ઉપદ્રવ  પણ જોવા મળ્યો  હતો ઉપરાંત  દેશમાં વરસાદની ચાલ પણ  સંતાકૂકડી  જેવી રહેતાં ઘરઆંગણે રૂનું ઉત્પાદન ટોચ પરથી નીચે આવવા માંડયું  હતું.

દેશમાં ૨૦૧૭-૧૮ની મોસમમાં રૂનો પાક કુલ૩૬૫ લાખ ગાંસડીનો  ઉતર્યો હતો તે ૨૦૧૮-૧૯ના વર્તમાન વર્ષમાં ઘટાડો દર્શાવતો થયો છે.  કોટન  એસોસીએશન ઓફ ઈન્ડિયાના  સૂત્રોના જણાવ્યા મુજબ આ વર્ષે રૂનો પાક ઘટીને તાજેતરમાં ૩૨૧ લાખ ગાંસડીનો અંદાજ મૂકાયા પછી ત્યારબાદનો નવો અંદાજ પાકમાં વધુ છ લાખ  ગાંસડીનો ઘટાડો બતાવી રહ્યો છે  અને તેના પગલે  હવેે લેટેસ્ટ  અંદાજ  આશરે ૩૧૫ લાખ ગાંસડીનો બતાવાઈ  રહ્યો છે. 

પાછલા વર્ષના ૩૬૫ લાખ ગાંસડીના પાકની સરખામણીએ જોતાં  આ વર્ષે લેટેસ્ટ  અંદાજ મુજબ હવે ઘરઆંગણે રૂનો પાક આશરે  ૫૦ લાખ ગાંસડી ઓછો આવવાનો સંકેત વહેતો થયો છે.

આવા માહોલમાં હવે દેશમાંથી રૂની નિકાસ  અપેક્ષાથી  ઓછી થવાની તથા ઘરઆંગણે રૂની દરિયાપારથી આયાત  અપેક્ષાથી વધુ થવાની શક્યતા  પણ બજારના  જાણકારો બતાવતા થયા છે.

વિશ્વ  બજારમાં પણ રૂ બજારના પ્રવાહોે તાજેતરમાં ઝડપથી પલ્ટાતા  જોવા મળ્યા છે. આ પૂર્વે ચીન અને અમેરિકા વચ્ચે ટેરીફ યુદ્ધ વધતાં અમેરિકામાં કોટન વાયદાના ભાવ દબાણ હેઠળ આવ્યા હતા  પરંતુ  ત્યાર પછી  ટેરીફ યુદ્ધ વિશે સમજૂતી  શોધી કાઢવા ચીન તથા અમેરિકા વચ્ચે  મંત્રણાઓનો દોર શરૂ થતાં  અમેરિકાની  રૂ બજાર ફરી ઉંચકાઈ આવી હતી. જોકે ચાર મહિનાની મંત્રણાઓ પછી આ બન્ને  દેશો વચ્ચે મતભેદો ફરી સપાટીએ આવ્યાના વાવડ મળ્યા છે.  

અમેરિકાના પ્રમુખે  ચીનના માલો પર ફરી ટેરીફ  વૃદ્ધીની  ચેતવણી આપી છે. આની અસર ત્યાંના કોટન  વાયદા પર તાજેતરમાં  જોવા મળી હતી.  આ વિશે હવે નવા બનાવો કેવા બને છે તેના પર રૂ બજારના ખેલાડીઓની નજર રહી છે.

દરમિયાન ૨૦૧૭-૧૮ની રૂ મોસમમાં દેશમાં શરૂઆતનો ખુલતો સિલ્લક સ્ટોક  ૩૬ લાખ ગાંસડીનો નોંધાયો હતો તથા એ વર્ષે રૂનો પાક ૩૬૫ લાખ ગાંસડી  ઉતર્યો હતો ઉપરાંત આશરે ૧૫ લાખ  ગાંસડીની આયાત પણ થઈ હતી અને બધાનો સરવાળો  કરતાં૨૦૧૭-૧૮ના રૂ વર્ષમાં  ઘરઆંગણે રૂનો કુલ ઉપલબ્ધ પુરવઠો  આશરે ૪૧૬ લાખ ગાંસડીનો રહ્યો હતો. 

આની સામે  ૨૦૧૮-૧૯ના વર્તમાન  રૂ વર્ષ પર  નજર કરીએ તો આ રૂ વર્ષના આરંભમાં સિલ્લક જૂનો સ્ટોક આશરે  ૨૮ લાખ ગાંસડીનો નોંધાયો હતો તથા નવો પાક જે હવે  ૩૧૫ લાખ  ગાંસડીનો બતાવાયો છે. એ ગણતાં તથા આશરે ૩૧ લાખ ગાંસડીની આયાત ગણતાં દેશમાં આ વર્ષે રૂનોકુલ ઉપલબ્ધ પુરવઠો આશરે  ૩૭૪ લાખ ગાંસડીનો રહેવાનો અંદાજ બજારના આધારભૂત સૂત્રો બતાવી રહ્યા છે. 

આમ કુલ ઉપલબ્ધ પુરવઠો આ વર્ષે આશરે ૪૨ લાખ ગાંસડી ઓછો મનાઈ રહ્યો છે. આની અસર ઘરઆંગણે કપાસ તથા રૂના ભાવ ઉપરાંત  કપાસિયા, કપાસિયા ખોળ તથા કપાસિયા તેલના ભાવ પર પણ જોવા મળશે એવી ગણતરી બજારના ખેલાડીઓ બતાવી રહ્યા હતા.  

દરમિયાન, દેશમાંથી રૂની નિકાસ ૨૦૧૭-૧૮ના વર્ષમાં આશરે ૬૯ લાખ ગાંસડી થઈ હતી તે આ વર્ષે ઘટીને આશરે ૪૬ લાખ ગાંસડી થવાની ગણતરીજાણકારો બતાવી રહ્યા છે.

આમ આ વર્ષે રૂની નિકાસમાં આશરે ૨૩ લાખ ગાંસડીનો ઘટાડો થવાનું અનુમાન બતાવાઈ રહ્યું છે એપ્રિલ અંત સુધીમાં આવી નિકાસ આશરે ૪૨થી ૪૩ લાખ ગાંસડી જેટલી થઈ છે. એપ્રિલ અંત સુધીમાં ગુજરાતના બજારમાં નવા રૂની આવકો આશરે ૭૦ લાખ ગાંસડી જેટલી આવી ગઈ છે. જ્યારે મહારાષ્ટ્રમાં આ ગાળામાં નવા માલો આશરે ૬૬થી ૬૭ લાખ ગાંસડી બજારમાં આવી ગયાનું જાણકારોએ જણાવ્યું હતું.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YrJGuB
via Latest Gujarati News

Post a Comment

0 Comments