ઇસ્લામાબાદ, તા. 15 મે 2019, બુધવાર
મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઇદ વિરુદ્ધ પાકિસ્તાનમા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ સાથે જ હાફિઝ સઇદ સાથે જે પણ લોકો સંકલાયેલા છે તેમને પણ પકડવામાં આવી રહ્યા છે. એવા અહેવાલો છે કે પાકિસ્તાન પોલીસે હાફિઝ સઇદના સાળા મક્કીની ધરપકડ કરી લીધી છે.
અબ્દુલ રહેમાન મક્કીની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ગુજરાંવાલામાં કરવામાં આવી છે. થોડા દિવસ પહેલા જમાત ઉદ દાવા અને જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલા અન્ય ૧૧ જેટલા સંગઠનો પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો હતો, જે બાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આતંકી સંગઠન જમાત ઉદ દાવામાં આતંકી મક્કીનો બહુ મોટો પ્રભાવ માનવામાં આવે છે. તેને હાફિઝ સઇદ સમકક્ષ પણ આ સંગઠનમાં સ્થાન આપવામા આવે છે. વર્ષ ૨૦૧૦માં ભારત વિરોધી નિવેદન બદલ તે ચર્ચામાં રહ્યો હતો. અબ્દુલ રહમાન મક્કીના એક વીડિયોમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ તે પડકાર ફેંકતો નજરે આવે છે. આ ઉપરાંત તે કાશ્મીરને આઝાદ કરવાની વાત પણ કરી રહ્યો છે. ભારત સામે હંમેશા ઝેર ઓકનારા મક્કી પર ૧૩ કરોડ રૂપિયાનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું.
મક્કી તાલિબાની આતંકી સંગઠન સાથે સંકળાયેલા મુલ્લા ઉમર અને અલકાયદાના અલ જવાહિરીનો પણ નજીકનો માનવામાં આવે છે. પાકિસ્તાને જમાત ઉદ દાવા(જેડીયુ), ફલાહ-એ-ઇંસાનિયત ફાઉંડેશન (એફઆઇએફ) અને જૈશ-એ-મોહમ્મદ પર પણ કાર્યવાહી કરી હતી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનને પગલે સંયુક્ત રાષ્ટ્રએ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરી દીધો તે બાદ પાકિસ્તાન પર અન્ય આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પણ દબાણ વધી રહ્યું છે. હાલ પાકિસ્તાનમાં જમાત ઉદ દાવા અને જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલી દરેક પ્રકારની સંપત્તિને પણ જપ્ત કરવામાં આવી રહી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VtRytw
via Latest Gujarati News
0 Comments