બંગાળમાં પ્રચાર એક દિવસ વહેલો બંધ: બે અધિકારી હટાવાયા



- ચૂંટણી પંચ મોદી, શાહ અને સંઘના ઇશારે કામ કરે છે, અધિકારીઓને હટાવવાનો નિર્ણય ગેરબંધારણીય: મમતા 

નવી દિલ્હી, તા. 15 મે 2019, બુધવાર

પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પથ્થરમારો થતા ભારે હોબાળો મચી ગયો હતો, ભાજપ અને ટીએમસીના કાર્યકર્તાઓ બન્ને સામસામે આવી ગયા હતા. જેને પગલે હવે ચૂંટણી પંચે એક દિવસ પહેલા પ્રચાર સમેટી લેવાનો આદેશ આપ્યો છે. જેથી હવે પશ્ચિમ બંગાળમાં નવ બેઠકો પર પ્રચાર પડઘમ શાંત થઇ જશે.

દેશની ચૂંટણીઓના ઇતિહાસમાં પહેલી વખત આ પ્રકારનો નિર્ણય ચૂંટણી પંચે લીધો છે. બુધવારે ચૂંટણી પંચે જાહેરાત કરી હતી કે પશ્ચિમ બંગાળની નવ બેઠકો પર નિર્ધારીત સમય કરતા એક દિવસ વહેલા ચૂંટણી પ્રચારને સમેટી લેવામાં આવશે. 

ડેપ્યુટી ચૂંટણી કમિશનર ચંદ્ર ભુષણ કુમારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે હિંસાની ઘટનાઓને પગલે એક દિવસ પહેલા ચૂંટણી પ્રચારને સમેટી લેવામાં આવશે. બંધારણે જે સત્તા આપી છે તેનો ઉપયોગ કરીને પહેલી વખત આ પ્રકારનો નિર્ણય લેવામા આવ્યો છે. આ સાથે ચૂંટણી પંચે મુખ્ય ગૃહ સચીવ અટરી ભટ્ટાચાર્ય અને સીઆઇડીના એડિશનલ ડાયરેક્ટર જનરલ (સીઆઇડી) રાજીવ કુમારને તેમના પદ પરથી હટાવવાના આદેશ પણ આપ્યા છે. 

અમિત શાહના રોડ શો દરમિયાન કોલકાતા યુનિ. પાસે ઘર્ષણ થયું હતું, અહીં આવેલી એક કોલેજમાં પશ્ચિમ બંગાળના વિદ્યાસાગરનું સ્મારક હિંસામાં તોડી નાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત હોસ્ટેલ પર પથ્થરમારો કરીને વિદ્યાર્થીઓના વાહનોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ભાજપ અને ટીએમસી વચ્ચે ઘર્ષણ વધી ગયું છે જેને પગલે ચૂંટણી પંચે હવે કોઇ વધુ હિંસા ન ફેલાય માટે પ્રચાર એક દિવસ વહેલા સમેટી લેવા આદેશ આપ્યો હતો. 

ચૂંટણી પંચે સાથે એવી આશા વ્યક્ત કરી હતી કે જેણે પણ વિદ્યાસાગરની મુર્તી તોડી છે તેમની તાત્કાલીક ધરપકડ કરી લેવામાં આવશે. બીજી તરફ ચૂંટણી પંચે એક દિવસ પહેલા પ્રચાર સમેટી લેવાનો આદેશ આપતા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ આરોપો લગાવતા કહ્યું હતું કે ચૂંટણી પંચમાં આરએસએસના લોકો જ છે, આ પહેલા મે ક્યારેય આ પ્રકારનું ચૂંટણી પંચ નથી જોયું.

એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર સમેટી લેવાનો આદેશ આપવા બદલ ચૂંટણી પંચની મમતાએ ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થા એવા તો નથી કથળ્યા કે જેનાથી લોકોને અસર થાય. જે પણ નિર્ણય ચૂંટણી પંચે લીધો છે કે ગેરબંધારણીય છે. 



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VKXwLS
via Latest Gujarati News

Post a Comment

0 Comments