સુપ્રીમે રફાલની તપાસ માટેની રિવ્યૂ પિટિશનનો ચુકાદો અનામત રાખ્યો


નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

રફાલ ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. જેને લઇને શુક્રવારે બે કલાક સુધી સુનાવણી ચાલી હતી, જે દરમિયાન અરજદાર અને વકીલ પ્રષાંત ભુષણે એવી દલીલ કરી હતી કે સરકારે રફાલ સોદા મુદ્દે પુરાવા છુપાવ્યા છે, અને જે પુરાવા રજુ કર્યા હતા તે જુઠા છે, જેના આધારે સુપ્રીમ કોર્ટે ગત વર્ષે પોતાનો ચુકાદો આપ્યો હતો માટે તે ચુકાદાને સુપ્રીમ કોર્ટે રદ કરી દેવો જોઇએ. 

પ્રષાંત ભુષણે સાથે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને ગેરમાર્ગે દોરી છે. એટલુ જ નહીં કેગનો જે રિપોર્ટ છે તે પણ ખામી ભરેલો છે. 

જ્યારે કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે કે વેણુગોપાલે રિવ્યૂ પિટિશન અંગે વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે અરજદારો ચોરી કરેલા દસ્તાવેજોના આધારે રિવ્યૂ પિટિશન અંગે સુપ્રીમ ચુકાદો આપે તેવું ઇચ્છે છે, આ સોદો કોઇ ફ્લાઇઓવર કે ડેમ સંબંધી નથી પણ સંરક્ષણ સોદાને લઇને છે, દસ્તાવેજો ગેરકાયદે રજુ કરાયા છે માટે તેના આધારે રિવ્યૂ પિટિશનને માન્ય ન રખાય અને તેને રદ કરી દેવામાં આવે તેવી માગણી સરકારે સુપ્રીમમાં કરી હતી. 

જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે સરકારને સવાલો કર્યા હતા અને પૂછ્યું હતું કે ઇન્ટર ગવર્નમેન્ટ એગ્રીમેન્ટ (આઇજીએ)માં ટેક્નોલોજીના ટ્રાન્સફર અંગે કોઇ ઉલ્લેખ કેમ નથી, શું અગાઉના સોદામાં તેનો ઉલ્લેખ હતો? જેના જવાબમાં સરકાર વતી એટર્ની જનરલે કહ્યું કે કોર્ટ ટેક્નીકલ મુદ્દાઓ અંગે નિર્ણય ન લઇ શકે. સુપ્રીમ કોર્ટે બાદમાં આ સમગ્ર મામલે સુનાવણી પુરી કરી લીધી હતી અને ચુકાદો અનામત રાખ્યો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/309NLFn
via Latest Gujarati News

Post a Comment

0 Comments