
અર્થકારણ-રાજકારણના આંતરસંબંધો
કેટલાક વિદ્વાનો ઉપરના કથનથી વિરોધમાં એવું કહે છે કે ભારતમાં અર્થકારણે રાજકારણને વિકૃત કરી નાખ્યું છે. કદાચ બન્ને ક્ષેત્રોએ પરસ્પરને વિકૃત કરી નાખ્યા છે. રાજકીય દ્રષ્ટિએ ૯૦ કરોડ મતદારો સાથે ભારતની લોકશાહી જગતની સૌથી મોટી લોકશાહી ગણાય છે પરંતુ તેની ગુણવત્તા ઓછી છે કારણકે ભારતમાં રાજકીયકરણનું અપરાધીકરણ થયું છે.
ચૂંટણીમાં કેટલાય સભ્યો સામે માત્ર સામાન્ય નહીં પણ ગંભીર પ્રકારના ગુના માટે ફરીયાદો નોંધાઇ છે. આ ગુનાહિત તત્ત્વોએ જાહેર હિતોને નુકસાન પહોંચાડયું છે. આવા ગુનેગાર તત્ત્વો દરેક પક્ષોમાં છે. પશ્ચિમની લોકશાહીમાં આવું ભાગ્યે જ બને છે. સૌથી ગંભીર બાબત ચૂંટણીમાં થતો માન્યામાં ના આવે તેવો ખર્ચો છે.
આ ખર્ચા માટેના પૈસા કાંઇ આકાશમાંથી નથી ટપકતા. તેનો મોટોભાગ ધનિક તથા સરકારી લાભો લેવા માગતી કંપનીઓના દાન દ્વારા થાય છે. ધનિક લોકો અને ધનિક કંપનીઓ પક્ષોને મદદ કરે છે અને જે કોઇ પક્ષ સત્તા પર આવે તે તેની કીમત અનેકગણી ચૂકવે છે. આને અંગ્રેજીમાં 'ક્વીડ પ્રો ક્વો' આની અર્થકારણ પર ગંભીર અસર પડે છે. તેથી ભારતમાં ક્રોની કેપીટાલીઝમનું સર્જન થાય છે. ક્રોની કેપીટાલીઝમ એટલે સરકારના કૃપાપાત્ર ઉદ્યોગપતિઓ કે વ્યાપારીઓ જેઓ સરકારી પક્ષને દાન આપીને જબરજસ્ત મોટા કોન્ટ્રાક્ટસ કે અન્ય પ્રકારના ફાયદાઓ મેળવે છે.
ચાલુ સરકારનું અમુક ઉદ્યોગપતિઓ - ખાસ કરીને ગુજરાતી ઉદ્યોગપતિઓ માટેનું કુણું વલણ જોઇ શકાય છે. અર્થકારણ પર અમુક ઉદ્યોગપતિઓ, વેપારીઓનું વર્ચસ્વ અર્થકારણને વિકૃત કરી નાખે છે કારણ કે આવા ઉદ્યોગપતિઓ સરકારની મહેરબાની નીચે મોનોપોલી કે ડયુઓપોલીના લાભો મેળવે છે. અર્થકારણમાં આને 'રેન્ટ' કહે છે. રેન્ટ એટલે ઘરનું કે ઓફીસનું ભાડુ એ અર્થમાં આ શબ્દ અર્થશાસ્ત્રમાં વપરાતો નથી. 'રેન્ટ'નો અર્થ અર્થકારણમાં નહીં કમાયેલી આવક (અનઅર્ન્ડ ઈન્કમ) છે જે નાગરીકોની મહેનતનું શોષણ છે.
અમેરિકામાં પણ દવાની કંપનીઓ અબજો ડોલર્સનું 'રેન્ટ' કમાય છે. સરકાર જો સજાગ હોય તો આ 'રેન્ટ'ની આવક ઓછી થઇ જાય પરંતુ ચૂંટણી જીતવા રાજકીય પક્ષો ઉદ્યોગપતિઓ પાસેથી કરોડોની રકમ ઉઘરાવે છે અને આ રાજકીય પક્ષો જે રીતે ચૂંટણી જીતવા જે રકમ વાપરે છે તે 'અશ્લીલ' કહી શકાય તેટલી ગંજાવર હોય છે. કોઇ મોટી સભા ભરવા માટે ૫થી ૧૦ કરોડ રૂપિયાનો ખર્ચો લોકશાહીના કેટલે અંશે વાજબી ગણી શકાય ? આ 'ડોનેશન'ની રકમમાંથી મોટાભાગની રકમ 'અનએકાઉન્ટેડ' હોવાથી તે અર્થકારણના નિયમોને તોડી નાખે છે.
ખેડૂતોને ઋણમાફી
ખેડૂતોની અપાતી ઋણમાફીની રકમમાંથી ભારત તમામ કક્ષાના શિક્ષણ અને કીફાયત ભાવની સ્વાસ્થ્ય સેવાઓ તરફ આગેકૂચ કરી શકે છે. એક જ મોટી માંદગી ગરીબ કે મધ્યમવર્ગના કુટુંબને તબાહ કરી શકે છે. હોસ્પિટલમાં દાખલ થયા વિના પણ ભારે ખર્ચો થાય છે. મોદી સરકારની જે આરોગ્ય સેવાની યોજના છે તે આઉટડોર દર્દી માટે નથી.
હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીને જ પાંચ લાખની મર્યાદામાં મફત સેવાઓ મળે છે. આનો જ દુરૂપયોગ થાય તો ખાનગી હોસ્પિટલો અને તેના ડોકટરો કેટલું લખલૂંટ કમાશે તેની અત્યારે કલ્પના કરવી મુશ્કેલ છે. માત્ર ચૂંટણીમાં જીતવા અવનવી યોજનાઓ જાહેર કરીને રાષ્ટ્રીય બજેટને તોડી નાખવાનું અને ડેફીસીટ ફાયનાન્સીંગમાં વધારો કરવો તે લાંબે ગાળે નાગરીકોને જ નુકસાન કરે છે.
પ્રાથમિક જરૂરિયાતો
આપણે દેશને પ્રાથમિકતા શિક્ષણ અને આરોગ્યસેવાઓ તથા તંદુરસ્ત જીવન જીવવા માટે દરેક ઘરમાં ગેસ, વીજળીની તેમજ સ્વતંત્ર બાથરૂમ (લેટ્રીન સહિત)ની આવશ્યકતા છે. બીજું બધું ગૌણ છે. ૩૨૦૦ કરોડ રૂપિયાનું સરદારનું પૂતળું પણ પ્રજાના નાણામાંથી જ બન્યું છે.
સરદાર પટેલનું પૂતળું બને તો જગતના ઈતિહાસમાં એક અમીટ છાપ મૂકી જનાર અને યુગપુરૂષ ગણાય તે મહાત્મા ગાંધીજીનું પૂતળું કેમ નહીં ! અલબત્ત મહાત્મા ગાંધી જીવતા હોત તો તેમણે આ વિચારને હસી કાઢ્યો હોત.
અહીં મુખ્ય મુદ્દો એ છે કે જેમ માયાવતીએ પોતાના રાજ્યમાં ઠેરઠેર હાથીના પૂતળાં મૂકીને નાણાનો વ્યય કર્યો તેમ આ પ્રકારનું 'સ્ટેચ્યુ પોલીટીક્સ'ને અર્થકારણમાં મીસએલોકેશન ઓફ રીસોર્સીઝ ગણવામાં આવે છે. જગતના લોકશાહી દેશો મૂડીવાદના વિકૃત સ્વરૂપને છોડીને ધીમે ધીમે કલ્યાણરાજ્ય તરફ જવા લાગ્યા છે.
મૂડીવાદનો ગઢ ગણાતા અમેરીકાએ પણ ઓબામા હેલ્થ કેરની યોજના દાખલ કરીને કલ્યાણરાજ્યની દીશામાં પગલા માંડયા છે. ત્યારે ભારતમાં હજી ખેતીયુગ પણ પૂરો થયો નથી. જગતની લગભગ ૭૬૦ કરોડની વસતીમાં આજે ૫૨ ટકા લોકો શહેરોમાં અને નગરો (ટાઉન્સ)માં રહે છે. જગત શહેરી થઇ રહ્યું છે ત્યારે ભારતમાં ૨૦૧૧ના સેન્સસ પ્રમાણે વસતીના ૬૮ ટકા લોકો ગામડાઓમાં રહેતા હતા અને ૩૨ ટકા લોકો તેના શહેરોમાં રહેતા હતા.
રામરાજ્યનો સમાજ ગ્રામ્યસમાજ હતો તે આદર્શને આપણે અનુસરવાનું છે ? સ્વતંત્રતા અને ૭૦ વર્ષ ઉપર વીતી ગયા છતાં આપણે ખેતીવાડીને લગતા લાંબાગાળાના પ્રશ્નોને ઉકેલી શક્યા નથી. વસતીના પ્રશ્નને પણ ઉકેલી શક્યા નથી. છેલ્લા અંદાજ મુજબ ભારતની વસતી ૧૩૨ કરોડની સંખ્યા ઉપર પહોંચી ગઇ છે.
વસતી વધારો ૧.૨ ટકાનો છે જે ભારતમાં દર વર્ષે દોઢ કરોડ અને દર વર્ષે ૧૮ કરોડની સંખ્યા ઉમેરે છે. અહીં પણ ભાજપ તથા રાષ્ટ્રીય સેવક સંઘના અનુભવીઓ આ વસતી વધારાને રોકવાને બદલે આવકારે છે અને તેને ડેમોગ્રાફીક ડીવીડન્ડ ગણે છે. ખરેખર વધારાની વસતી ભારત માટે ડીમીનીશીંગ રીટર્ન્સ ઊભા કરે છે. ભારતનો કોઇપણ રાજકીય પક્ષ આની ચર્ચા કરતો નથી કારણ કે આ ચર્ચાનો તેને મોટો ડર લાગે છે. દરેક રાજકીય પક્ષનું આ કપટ છે.
ગાય અને ગંગાનું રાજકારણ
ગાયના રાજકારણે દેશમાં રાજકારણ ડીવીઝીવ અને કોમવાદી બની ગયું છે. અર્થકારણમાં 'સોશીઅલ કેપીટલ'નો વિચાર ઊભર્યો છે જે મુજબ જો પ્રજામાં એકબીજા સાથે હળીમળીને કામ કરવાની પરંપરા ના હોય, જુદા જુદા જુથો એકબીજા સાથે સહકાર સાધી ના શકતા હોય, એકબીજા પર વિશ્વાસ ના મુકી શકતા હોય તો તે દેશની સામાજીક મૂડી ઘણી ઓછી ગણાય. આવો દેશ આર્થિક રીતે મુશ્કેલીમાં આવી જાય. ડીવીઝીવ રાજકારણે ભારતના અર્થકારણને મોટું નુકસાન પહોંચાડયું છે. ''ગર્વ સે કહો કિ મૈં હિન્દુ હૂં'' આ વિધાને સામાજીક સંવાદિતાને નષ્ટ કરી નાખી છે.
આત્યંતિક રાષ્ટ્રવાદથી અર્થકારણને નુકસાન
ભારત દેશના ભૂતકાળ વિષે બઢાવી ચઢાવીને વાત કરવી અને અર્થકારણને મિથ્યાભિમાન તરફ વાળવું, દેશભક્તિને હદબહારની ચગાવીને આપણો દેશ જેની માથાદીઠ આવક માત્ર ૧૯૦૦ ડોલર્સની આજુબાજુ છે અને અમેરીકા તથા યુરોપની ૪૦,૦૦૦ ડોલર્સ ઉપર છે (અમેરીકાની ૫૪,૦૦૦ ડોલર્સ છે) તેમ છતાં ભારતે જગતને આધ્યાત્મિક ક્ષેત્રમાં નેતૃત્વ પૂરૂ પાડવાનું છે તે વાત જગતના લોકોને હાસ્યાસ્પદ લાગે છે.
આ દેશના લોકો ભારતને કહે છે કે પહેલા તમારે ત્યાં સાચા સીક્યુલારીઝમની સ્થાપના કરો, ગરીબો દૂર કરો અને પછી આધ્યાત્મની વાતો કરો. ભારત તેની ૨.૫૦ ટ્રીલીયન ડોલર્સની રાષ્ટ્રીય આવક સામે તે જગતનો સૌથી મોટો પાંચમો ધનિક દેશ બની જશે તે વિધાન કેટલું બધું છેતરામણું છે.
આ ૨.૬૦ ટ્રીલીયન ડોલર્સની રાષ્ટ્રીય આવકને ૧૩૨ કરોડની વસતી વડે ભાગતા ભારતની માથાદીઠ આવક ઉપર જણાવ્યા પ્રમાણે ૨૦૦૦ ડોલર્સ સુધી પણ નથી પહોંચતી અને જગતના ૨૦૦ દેશોમાં માથાદીઠ આવકની દ્રષ્ટિએ આપણું સ્થાન ચીન તો ખરૂં જ પરંતુ મલેશિયા, ઈન્ડોનેશિયા અને થાયલેંડથી પણ નીચું છે.
તોય આપણે આત્મગૌરવ અનુભવવાનું ? અલબત્ત પાકિસ્તાનની માથાદીઠ રાષ્ટ્રીય આવકથી આપણી રાષ્ટ્રીય માથાદીઠ આવક કાંઇક ઊંચી છે તેનું ગૌરવ અનુભવી શકીએ. આપણે રાષ્ટ્રીય ગૌરવની જરૂર નથી પણ વૈજ્ઞાાનિક અભિગમની જરૂર છે. માત્ર વૈજ્ઞાાનિકો જ તે અભિગમ ધરાવે છે તેવું જરૂરી નથી. દરેક નાગરિકમાં તે ઊંડે સુધી ઉતરી જવો જોઇએ.
ભારતમાં મુખ્ય સવાલ રોજગારીનો
ભારતમાં ગરીબી ઓછી થતા રોજગારીનો પ્રશ્ન દેશના એજન્ડા પર પ્રથમ સ્થાને આવી ગયો છે. ૧૯૯૧માં જેમ એક ધડાકે નરસિંહરાવ તથા મનમોહનસીંઘની સરકારે જે સુધારા કર્યા તેને પરીણામે આપણે આર્થિક રીતે પગભર થયા તેવી જ રીતે હવે પછી તે સરકાર ચૂંટાય તેણે ૧૯૯૧ની જેમ જ આર્થિક રીતે મૂળભૂત સુધારા કરવાના છે.
ખેતીકેન્દ્રી દેશને ખેતીમાંથી બહાર કાઢી બીનપ્રદૂષણકારી ઔદ્યોગીક યુગમાં ફેરવવાનો છે - જે કામ ચીને કર્યું. આ પ્રકારના આર્થિક સુધારા કયા હશે તે આપણને ખબર નથી પરંતુ તેને પરીણામે ૭ ટકા કે તેથી વધુ આર્થિક વૃધ્ધિ દરના લાભો નીચે સુધી પહોંચવા જ જોઇએ તેવી આર્થિક વ્યવસ્થા ગોઠવવી પડશે.
from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HjXmCl
via Latest Gujarati News
0 Comments