કસાવાની ખેતી કરી બાયોફ્યુઅલ બનાવી ખેડૂતો આવક વધારી શકે


ક્રૂડ ઓઈલના સ્રોતો ખતમ થઈ રહ્યા છે ત્યારે પેટ્રોલના વિકલ્પ તરીકે વાપરી શકાય તેવા બાયોફ્યુઅલ બનાવી કમાણી કરી શકાય

ખેડૂતોની આવક બમણી કરવાની સરકાર વાતો કરે છે. ખેડૂતો છ બાર માસની મહેનત પછી નથી કમાતા તેનાથી બમણુ કે ચાર ગણું વચેટિયા વેપારીઓ કમાઈ જાય છે. આ વિષમતા દૂર કરવાના વિકલ્પ મોજૂદ છે. કસાવાની ખેતી કરીને ખેડૂતો તેમની આવકમાં વૃદ્ધિ કરી શકે છે. કસાવા એટલે ટેપિઓકા. ટેપિઓકા એ છોડ છે જેમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે.

તેની ખેતી ગુજરાતમાં શક્ય છે. આ સાબુદાણા ઉપવાસમાં ખવાય છે. સ્ટાર્ચ પણ બને છે. ગરમ પ્રદેશમાં થતો આ છોડ છે. તેથી ગુજરાતમાં પણ ગોરાળું જમીનમાં તેનો પાક લઈ શકાય છે. બનાસકાંઠાની રેતાળ જમીન પણ તેનો ફાલ લઈ શકાય છે. બીજા શબ્દોમાં કહીએ તો ડાંગરની ખેતીને પાત્ર જમીન સિવાયની જમીનમાં કસાવાનો પાક સરળતાથી લઈ શકાય છે. ગુજરાતમાં તેના ત્રણેક સફળ પ્રયોગો થઈ ચૂક્યા છે. તેનાથી ખેડૂતો માટે નવી આશાનો સંચાર થયો છે.

આ આશાને તાંતણે સફળતાના શિખરે પહોંચવા ખેડૂતો હામ ભીડી શકે છે. હા, એકલો ખેડૂત આ શક્ય બનાવી શકશે નહિ. તેને માટે તેમણે ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશનનો વિકલ્પને પસંદ કરીને આગળ વધવું પડશે. એક કે બે એકર જમીનમાં ખેતી કરીને નફો નહિ મળે.

નફો મેળવવા અને ગામડાંમાં જ પોતાના અસ્તિત્વને ટકાવીને આવક વધારવા માટે ખેડૂતોએ ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશનની રચના કરવી પડશે. લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશીપ કંપનીની માફક બાજુબાજુમાં જ જમીન ધરાવતા ૫૦૦થી ૧૦૦૦ ખેડૂતોએ એક થઈને ટ્રેક્ટરથી ખેતીની જમીનનું ખેડાણ કરાવવાનું રહેશે. આ રીતે તેમણે ૫૦૦થી ૧૦૦૦ એકર જમીનમાં કસાવાની ખેતી કરવાની રહેશે. આ સામુદાયિક ખેતીનો જ એક પ્રકાર છે.

કૃષિ નિષ્ણાતોના અંદાજ મુજબ એક એકર જમીનમાં આદર્શ પરિસ્થિતિમાં ૧૮થી ૨૦ ટન કસાવાનો પાક ઉતરી શકે છે. દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં પણ કસાવાનો પાક થઈ શકે છે. તેની એક ખાસિયત એ છે કે પાણીની અછત પડતી જાય તેમ તેમ તે તેના બહારના પાંદડાંને ખેરવતો જાય છે.

તેના શક્કરિયા જેવા મૂળના વિકાસને આંચ આવવા દેતો નથી. આ સ્થિતિમાં કદાચ પાક એક બે ટન ઓછો ઉતરી શકે છે, પરંતુ સંપૂર્ણ નિષ્ફળ જતો નથી. તેથી ગુજરાતના અને સૌરાષ્ટ્રના પાણીની અછતવાળા વિસ્તારમાં આ પાક વધુ અનુકૂળ બની શકે છે.

ત્રણ ત્રણ ફૂટના અંતરે રોપી શકાતા કસાવાના પાકની એક સાઈકલ ૮ મહિનાની છે. વરસે બે કે ત્રણ પાક લેનારાઓને આ સાઈકલ મોટી લાગી શકે છે. પરંતુ તેમાંય કસાવાનો પાક લેનારાઓ માટે સારો રસ્તો છે. કસાવાની રોપણી કર્યાના પહેલા ચાર માસના ગાળામાં કસાવાના બે મૂળની વચ્ચેની જમીનમાં રિંગણી, ટામેટી, મરચી, મગફળી, તુવેર સહિત અન્ય કઠોળના પાક લઈ શકાય છે. આમ કસાવાની ત્રણ સાઈકલ પૂરી થતાં બે વર્ષ લાગે છે. આ બે વર્ષના ગાળામાં બીજા ત્રણ શાકભાજીના કે કઠોળના ફાલ પણ આ જ જમીન પર લઈ શકાય છે.

હવે એકરદીઠ કસાવાનો પાક લેવા માટે ખેડૂતોએ રૂા.૨૬૦૦૦થી ૨૮૦૦૦નું રોકાણ કરવું પડે છે. તેમાં તેને રોપવાના, તેને માટેની મજૂરીના, તેને પાણી પીવડાવવાના, તેની જાળવણી કરવાના તમામ ખર્ચનો સમાવેશ થઈ જાય છે. કુદરત અનુકૂળ રહે તો આ એક એકર જમીનમાં ૧૮થી ૨૦ ટન કસાવાનો ફાલ લઈ શકાય છે. આ કસાવા લીલા જ વેચી દેવામાં આવે તો તેનો કિલોદીઠ રૂા. ૪થી ૫ મળી શકે છે.

આ સંજોગોમાં રૂા.૪.૫૦ના સરેરાશ ભાવે ૧૯ ટનની સરેરાશથી થનારી આવકની ત્રિરાશી માંડવામાં આવે તો એક એકરે સરેરાશ રૂા.૮૫૦૦૦ની આવક થાય છે. તેમાંથી પાક લેવાના સરેરાશ રૂા.૨૭૦૦૦ના ખર્ચને બાદ કરવામાં આવે તો રૂા.૫૮૦૦૦ની ચોખ્ખી આવક એક એકરે મેળવી શકાય છે. તેમ જ કસાવાને સૂકવી દેવામાં આવે તો તેમાં ૩૦થી ૩૩ ટકાનો ઘટાડો આવી જાય છે. પરંતુ સૂકવેલી ચિપ્સનો ભાવ વધીને કિલોએ રૂા.૧૫નો મળી શકે છે.

હવે કોસ્ટ ઘટાડવાની વાત પર નજર કરીએ. એક એકરમાં જ ખેતી કરવામાં આવે તો રૂા. ૨૭૦૦૦નો ખર્ચ આવે છે. પરંતુ જો તે જ ખેતી ૫૦૦ કે ૧૦૦૦ કે તેનાથીય મોટી જમીનમાં એક સામટી કરવામાં આવે તો એક એકરદીઠ થતો ખર્ચ ઘટીને રૂા.૧૮૦૦૦થી પણ ઓછો થઈ શકે છે. આ સંજોગોમાં ખેડૂતોનો નફો બીજો રૂા.૯૦૦૦ જેટલો વધી શકે છે. હવે વેલ્યુ એડિશનની વાત કરીએ.

તેમાંથી સ્ટાર્ચ કે સાબુદાણા તૈયાર કરવાનું આયોજન એફપીઓ-ફાર્મર્સ પ્રોડયુસર્સ ઓર્ગેનાઈઝેશન કરી શકે છે. તેમ જ બાયોફ્યુઅલ બનાવવાનું આયોજન પણ તેમાંથી બાયોફ્લુઅલ બનાવવામાં આવે તો એક ટને ૪૫૦થી માંડીને સરકારી સંસ્થાના અંદાજ મુજબ ૬૦૦ પ્લસ લિટર બાયો ફ્યુઅલ પણ બની શકે છે.

તેની છાલ પશુઆહાર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. બાયોફ્યુઅલ બન્યા પછીની સ્લરીમાંથી સીએનજી પણ બનાવી શકાય છે. આ ગણિતો અનંત છે. પરંતુ ખેડૂતો એક થઈને સામુહિક ખેતી કરવાની આ દિશામાં વિચાર કરશે તો કોર્પોરેટને હંફાવવાની તાકાત કેળવી શકશે. આમેય કહેવાયું છે કે ઝાઝા હાથ રળિયામણા.



from Business plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yl0Ny4
via Latest Gujarati News

Post a Comment

0 Comments