રિટેલ વેચાણ તથા ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિના આંકડા નબળા રહેતા ચીન માટે ચિંતા વધી

નવી દિલ્હી, તા. 15 મે, 2019, બુધવાર
ચીનના એપ્રિલ મહિનાના રિટેલ વેચાણ તથા ઔદ્યોગિક ઉત્પાદનના વૃદ્ધિના આંકડા નબળા આવતા અમેરિકા સાથેની ટ્રેડ વોર વચ્ચે ચીને પોતાના દેશમાં વધુ વેપાર રાહતો પૂરી પાડવાનો વારો આવ્યો છે.

કપડાના વેચાણમાં ૨૦૦૯ બાદ એપ્રિલમાં પ્રથમ વખત ઘટાડો નોંધાયો છે, જે ચીનના વપરાશકારો અર્થતંત્રને લઈને ચિંતીત હોવાનું સૂચવે છે. અમેરિકા દ્વારા ટેરિફમાં કરાયેલા વધારા પહેલાની જ આ સ્થિતિ હોવાથી આગળ જતા ચીન માટે આ ઘટાડો ચિંતાનો વિષય બની રહ્યો છે.


એપ્રિલમાં રિટેલ વેચાણનો વૃદ્ધિ દર વાર્ષિક ધોરણે ૭.૨૦ ટકા રહ્યો છે જે મે ૨૦૦૩ બાદ સૌથીધીમી ગતિની વૃદ્ધિ છે એમ નેશનલ બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિકસના ડેટા જણાવે છે. માર્ચની રિટેલ વેચાણ વૃદ્ધિ ૮.૭૦ ટકા રહી હતી.


ચીનના વપરાશકારો વ્યક્તિગત સંભાળથી લઈને કોસ્મેટિકસ સુધીની દૈનિક વપરાશની ચીજવસ્તુઓ પાછળના ખર્ચ પર કાપ મૂકવાનું ચાલુ કરી રહ્યા છે એટલું જ નહીં કાર જેવી ખર્ચાળ સુવિધાઓને ટાળી રહ્યા છે.


રિટેલ વેચાણ વૃદ્ધિ નબળી રહેવાનું કારણ ચીનમાં રોજગારમાં ઘટાડો તથા મધ્યમ તથા ગરીબ વર્ગની આવકમાં થયેલો ઘસારો રહેલું છે, એમ ચીનના એક અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું. ચીનમાં વપરાશને જાળવી રાખવા સરકાર વેરામાં કાપ અથવા સબસિડીઝ જેવા પગલાં લેવા વિચારી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. માર્ચના આંકડા સારા આવ્યા બાદ જાગેલી આશા કામચલાઉ નીવડી છે અને એપ્રિલના આંકડા ચીનમાં અર્થતંત્ર મંદ પડી રહ્યાનું સૂચવે છે.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E7HrVl
via Latest Gujarati News

Post a Comment

0 Comments