ગાંધીજીના હત્યારા ગોડ્સેના વખાણ કરનારા પ્રજ્ઞા સહિત પોતાના ત્રણ નેતાને ભાજપે નોટીસ ફટકારી


નવી દિલ્હી, તા.17 મે, 2019, શુક્રવાર

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડ્સેને દેશભક્ત કહીને ભાજપના નેતા પ્રજ્ઞાસિંહ ઠાકુરે વિવાદ જગાવ્યો છે. લોકસભાની ચૂંટણીના અંતીમ તબક્કાના બે દિવસ પહેલા જ આવેલા આ નિવેદનને કારણે હવે ભાજપ પણ પોતાના જ પક્ષના નેતાઓને કારણે ભીસમાં આવી ગયુ છે અને જે પણ નેતાઓએ આ પ્રકારના નિવેદનો કર્યા હોય તેમની વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે.

 પ્રચારના અંતિમ દિવસે જ વિવાદ જાગ્યો છે ત્યારે ભાજપ પ્રમુખ અમિત શાહે જણાવ્યું હતું કે કેન્દ્રીય પ્રધાન અનંતકુમાર હેગ્ડે, પ્રજ્ઞા ઠાકુર અને કર્ણાટકના સાંસદ નલિન કુમાર કાટીલે જે પણ નિવેદન કર્યા છે તેની પક્ષે ગંભીર નોંધ લીધી છે. 

અમિત શાહે ટ્વિટર પર કહ્યું હતું કે જે પણ નેતાઓએ આ પ્રકારના નિવેદન કર્યા છે તેમણે બાદમાં તેને પાછા પણ લીધા છે જોકે આ પ્રકારના નિવેદનોથી જાહેર જીવન અને ભાજપને નુકસાન થયું છે.

તેમજ પક્ષની વિરુદ્ધમાં પણ છે માટે અમે નક્કી કર્યું છે કે આ નેતાઓને નોટિસ પાઠવવામાં આવશે અને તેમના આ નિવેદન બદલ તેમને પક્ષની અનુશાસન કમિટી સમક્ષ પણ તેમને મોકલવામાં આવશે. બીજી તરફ કોંગ્રેસે પ્રજ્ઞા ઠાકુર અને તે બાદ અન્ય જે પણ નેતાઓએ ગોડ્સેની તરફેણમાં નિવેદન કર્યા તેને લઇને ભાજપને ઘેરી હતી. 

ભાજપના કર્ણાટકના સાંસદ નલિન કુમાર કાતીલે કહ્યું હતું કે ગોડ્સેએ એકની હત્યા કરી હતી, કસાલે ૭૨ લોકોની હત્યા કરી હતી જ્યારે રાજીવ ગાંધીએ ૧૭ હજાર લોકોની હત્યા કરી હતી. 

તમે જ નક્કી કરો કે આમા સૌથી વધુ ક્રુર કોણ છે. જોકે જ્યારે આ અંગે વિવાદ થયો તો બાદમાં નલિન કુમારે કહ્યું હતું કે મારુ એકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LOkNru
via Latest Gujarati News

Post a Comment

0 Comments