
નવી દિલ્હી, તા.23 મે, 2019, ગુરૂવાર
ક્રિકેટરમાંથી રાજકારણી બનેલા નવજોતસિંહ સિદ્ધુ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ વચ્ચે ચાલી રહેલો મતભેદ બહુ જૂનો છે. પંજાબના કોંગ્રેસના આ બંને નેતાઓ એક બીજાને જાહેરમાં નિશાન બનાવતા આવ્યા છે. પરિણામો પછી કેપ્ટને સિદ્ધુ ઉપર નિશાન સાધ્યું છે.
પંજાબના મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા અમરિંદર સિંહે પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસના સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુને કોંગ્રેસની હાર માટે જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે સિદ્ધુએ પાકિસ્તાન જઈને પાક. લશ્કરી વડા બાજવાને ગળે લગાડયા તેનાથી કોંગ્રેસને નુકસાન થયું છે. કેપ્ટને કહ્યું હતું કે સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ કોંગ્રેસને ભારે પડયો હતો.
પ્રેસ કોન્ફરન્સમાં પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે કહ્યું હતું કે દુશ્મન દેશના લશ્કરી વડાને ભેટવાની વાત એક પણ હિન્દુસ્તાનીને ગમી ન હતી. તેમણે કહ્યું કે એક પૂર્વ સૈનિક હોવાના નાતે તેમને પણ સિદ્ધુનું આ પગલું ગમ્યું ન હતું. એક પણ ભારતીય એ સહન ન કરી શકે. સિદ્ધુએ સતત તેમના મિત્ર ઈમરાન ખાનની પ્રશંસા કરી અને પાકિસ્તાન પ્રત્યે પ્રેમ દર્શાવ્યો તે કોંગ્રેસને પણ નડી ગયું એવો મત અમરિંદર સિંહે વ્યક્ત કર્યો હતો.
અભિનેતામાંથી નેતા બનેલા સની દેઓલ સામે હારી જનારા સુનીલ જાખડનો બચાવ કરતા કેપ્ટન અમરિંદરે કહ્યું હતું કે સુનીલ એક અનુભવી નેતા છે. અભિનેતાને ચૂંટવા માટે મતદારોએ સુનીલ જેવા અનુભવી નેતાને હરાવ્યા તે દુખદ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X2sYBJ
via Latest Gujarati News
0 Comments