
રફાલ સોદાના મુળ દસ્તાવેજ તૈયાર કરવામાં સંરક્ષણ મામલોની કેબિનેટ કમીટીની સલાહ ધ્યાનમાં ન લેવામાં આવી હોવાનો દાવો
નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
રફાલ વિવાદને લઇને સુપ્રીમ કોર્ટમાં રિવ્યૂ પિટિશન દાખલ કરવામાં આવી છે. આ રિવ્યૂ પિટિશનને લઇને હવે અરજદારોએ સુપ્રીમ કોર્ટમાં કેટલાક વધુ દાવા કર્યા છે. જાણીતા વકીલ પ્રષાંત ભૂષણ, યશવંત સિંહા, અરુણ શૌરીએ સુપ્રીમ કોર્ટમાં વધુ એક સોગંદનામુ દાખલ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે રફાલ સોદામાં સુપ્રીમ કોર્ટે અગાઉ જે ચુકાદો આપ્યો હતો તેનો આધાર સરકાર દ્વારા રજુ કરાયેલા જુઠા પુરાવા અને દલીલો હતી. જેને પગલે હવે આ ચુકાદા અંગે ફેર વિચારણા કરવી અતી જરુરી છે. સરકાર સુપ્રીમ કોર્ટમાં જુઠ બોલી રહી છે.
અરજદારોએ એવી દલીલ કરી હતી કે હાલ સરકાર જ કહી રહી છે કે રફાલ સોદાના ડોક્યુમેન્ટ્સને માન્ય ન રાખવામાં આવે કેમ કે તે મંત્રાલયમાંથી લીક થયેલા છે. સરકાર આ નિવેદન કરીને એ સ્વીકારી રહી છે કે સરકારે પણ જ્યારે આ મામલે અગાઉ કેસ ચાલી રહ્યો હતો ત્યારે પુરતા ડોક્યુમેન્ટ્સ અને પુરાવા સુપ્રીમ કોર્ટને આપ્યા જ નથી. સુપ્રીમ કોર્ટને સરકારે ગેરમાર્ગે દોરી છે. આ પહેલા ગયા વર્ષે સુપ્રીમ કોર્ટમાં રફાલ મુદ્દે તપાસના આદેશની માગણી કરતી જે અરજી થઇ હતી તેને કોર્ટે ફગાવી દીધી હતી. તેથી હવે આ અરજદારોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે કે તે પોતાના આદેશ અંગે ફેર વિચારણા કરે.
આ દલિલો વચ્ચે એવી શક્યતાઓ છે કે સુપ્રીમ કોર્ટ રિવ્યૂ પિટિશન અંગે શુક્રવારે સુનાવણી કરશે. આ પહેલા સરકારે પણ પોતાનો જવાબ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો હતો, જેને પગલે હવે અરજદારોએ પણ તેને ટાંકીને જ પોતાની દલિલો સુપ્રીમ કોર્ટમાં રજુ કરવાની તૈયારી કરી લીધી છે. અરજદારો દ્વારા જે સોગંદનામુ આપવામાં આવ્યું તેમાં એવી દલીલ કરવામાં આવી છે કે રફાલ અંગે જે કેગ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં જ ખામીઓ છે અને સરકારે સુપ્રીમ સમક્ષ રફાલને લઇને અનેક માહિતી છુપાવી છે.
રફાલ સોદાના જે ડોક્યુમેન્ટ્સ તૈયાર કરવામાં આવ્યા તેમાં સુરક્ષા મામલોની કેબિનેટ દ્વારા જે સુચનો આપવામાં આવ્યા હતા તેને ધ્યાન પર ન લેવામાં આવ્યા. આવુ કેમ કર્યું તેનું સરકારે સુપ્રીમ કોર્ટને કોઇ ચોક્કસ કારણ પણ નથી આપ્યું, માટે અગાઉના ચુકાદા અંગે સુપ્રીમ કોર્ટે ફેર વિચારણા કરવી જોઇએ.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2V9MPgE
via Latest Gujarati News
0 Comments