
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. 6 મે, 2019, સોમવાર
ચૂંટણી પંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય ક્ષેત્ર વારાણસીમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તેજ બહાદુર યાદવનું નામાંકન રદ કર્યું હતુ. તેજ બહાદુરે ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને અરજી દાખલ કરાવી છે. ચૂંટણી પંચે બીએસએફના ભૂતપૂર્વ જવાન તેજ બહાદુર યાદવ વિરુદ્ધ જાણકારી છુપાવવાના આરોપસર કાર્યવાહી કરી હતી અને તેનું નામાંકન રદ કર્યું હતું.
તેજ બહાદુરે ચૂંટણી પંચના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારીને અરજી નોંધાવી છે. તેણેે સરહદી સુરક્ષા દળ(બીએસએફ)માં ફરજ દરમિયાન ત્યાં જવાનોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને સેનાની વ્યવસ્થાને સાર્વજનિક રીતે પડકારી હતી.
તેજ બહાદુરનો આ ખુલાસો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને આ મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ આખરે તેને કાર્યવાહી બાદ બીએસએફમાંથી છૂટો કરી દેવામાં આવ્યો હતો.
બીએસએફમાંથી શા માટે છૂટો કરવામાં આવ્યો તે કારણ છુપાવવા બદલ તેજ બહાદુરનું નામાંકન રદ કરવામાં આવ્યું છે. હકીકતે અગાઉ તેજ બહાદુરે વારાણસી બેઠક પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ સ્વતંત્ર ઉમેદવારી નોંધાવી હતી અને સોગંદનામામાં ભ્રષ્ટાચારના આરોપસર બીએસએફમાંથી બરખાસ્ત કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ સમાજવાદી પાર્ટીએ વારાણસી બેઠકના ઉમેદવાર શાલિની યાદવનું નામ પાછું ખેંચીને તેજ બહાદુર યાદવને પોતાની પાર્ટીનો ઉમેદવાર જાહેર કરી દીધો હતો. આ કારણે તેણે બીજી વખત સપાના ઉમેદવાર તરીકે નામાંકન કરાવવું પડયું હતું.
બીજી વખત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકેના સોગંદનામામાં તેજ બહાદુરેે બીએસએફમાંથી છૂટો કરવાનું કારણ નહોંતુ આપ્યું જેને આધાર માનીને વારાણસી ચૂંટણી પંચના અધિકારીઓએ તેને નોટિસ મોકલી હતી અને નિશ્ચિત સમય ગાળા દરમિયાન જવાબ આપવા નિર્દેશ કર્યો હતો.
તેજ બહાદુર નિશ્ચિત સમયમાં ચૂંટણી પંચ સમક્ષ જવાબ રજૂ ન કરી શક્યો હોવાના કારણે તેનું નામાંકન રદ થયું હતું. પરંતુ તેજ બહાદુરે પોતે પુરાવા રજૂ કરી દીધા હોવાનો દાવો કરીને ચૂંટણી પંચ પર તાનાશાહી વલણ દાખવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે અને સુપ્રીમના દરવાજે ટકોરા માર્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PNWwjP
via Latest Gujarati News
0 Comments