પાકિસ્તાનમાં પોપકોર્ન વેચવાવાળાએ નેશનલ જીઓગ્રાફી જોઈને પ્લેન બનાવ્યું


(પીટીઆઈ) તાબૂર, તા. 6 મે, 2019, સોમવાર

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં પોપકોર્ન વેચવાવાળા વ્યક્તિએ પોતાના કૌશલ્યથી એક પ્લેન બનાવ્યું છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. પાકપટ્ટનના આરિફવાલા વિસ્તારમાં રહેતા ૩૨ વર્ષીય મોહમ્મદ ફૈયાજે રોડકટરનું એન્જીન, ટાટની પાંખો અને રીક્શાના પૈડા વગેરેને જોડીને એક વિમાન બનાવ્યું છે જે 'મિની બેઝિક એરોપ્લેન' તરીકે પ્રખ્યાત થઈ રહ્યું છે. 

ફૈયાજના હવામાં ઉડાન ભરવાના દાવાને પાકિસ્તાનની વાયુ સેના પણ ગંભીરતાથી લઈ રહી છે અને વાયુ સેનાના અનેક પ્રતિનિધિઓએ તેની મુલાકાત લઈને તેના કામની પ્રશંસા કરી છે. વાયુ સેનાના કમાંડરે ફૈયાજને એક પ્રમાણ પત્ર આપ્યું છે જેમાં તેના પ્લેનને 'મિની બેઝિક એરોપ્લેન' ગણાવ્યું છે. 

ફૈયાજ બાળપણથી જ એરફોર્સમાં ભરતી થવા માંગતો હતો પરંતુ પિતાના આકસ્મિક મૃત્યુના કારણે તેણે આઠમા ધોરણથી અભ્યાસ છોડી દેવો પડયો હતો અને તેણે નાના-મોટા કામ કરીને પોતાની માતા અને પાંચ નાના ભાઈ-બહેનની જવાબદારી સંભાળી હતી. હવાઈ જહાજ બનાવવા માટે ફૈયાજ દિવસે પોપકોર્ન વેચતો અને રાત્રે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરીને પૈસા બચાવતો હતો.

આ ઉપરાંત તેણે પોતાની જમીનનો એક ટુકડો વેચી દીધો હતો અને એક એનજીઓ પાસેથી ૫૦,૦૦૦ પાકિસ્તાની રુપિયાનું કરજ લીધું હતું જેને તે આજે પણ ચુકવી રહ્યો છે. ભારે મહેનત બાદ આખરે ફેબુ્રઆરી મહિનામાં તેણે વાદળી રંગનું હવાઈ જહાજ તૈયાર કર્યું હતું જે ઉડવા માટે સક્ષમ હતું.

ફૈયાજે મિત્રોની મદદથી રોડ પર વાહન વ્યવહાર રોકીને રસ્તાનો રનવે તરીકે ઉપયોગ કર્યો હતો અને આ ઘટનાના સાક્ષીઓએ વીમાન ૧,૦૦૦ ફૂટની ઉંચાઈએ ૧૨૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકતું હોવાનો દાવો કર્યો છે.

ફૈયાજે નેશનલ જીઓગ્રાફીક સીરિઝ અને ક્રેશ ઈન્વેસ્ટિગેશન જોઈને આ પ્લેન બનાવ્યું હતું અને ૨૩મી માર્ચ, પાકિસ્તાન દિવસના રોજ ઉડાન ભરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ પોલીસે તેની ધરપકડ કરીને વિમાન જપ્ત કરી લીધું હતું.

પોલીસે ટેસ્ટિંગ માટે ઓથોરિટીની મંજૂરી ન લેવામાં આવી હોવાથી તેની ધરપકડ કરી હતી પરંતુ ફૈયાજે જણાવ્યા મુજબ અનેક રજૂઆત છતા જવાબ ન મળતા તેણે આ નિર્ણય લીધો હતો. પોલીસે ૩,૦૦૦ રુપિયા દંડ પેઠે લઈને તેને છોડી મુક્યો છે અને જો તેને લાઈસન્સ મળી જાય તો તે ઉડાન માટે સ્વતંત્ર હોવાની ખાતરી આપી છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wuyc91
via Latest Gujarati News

Post a Comment

0 Comments