
(પીટીઆઈ) લાહોર, તા. 27 મે, 2019, સોમવાર
નાપાક પાકિસ્તાને ફરી એક વખત લોકોની ધાર્મિક લાગણીઓ પર પ્રહાર કરીને પોતાની અવળચંડાઈ સાબિત કરી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં કેટલાક સ્થાનિક લોકોએ ઐતિહાસિક ગુરુ નાનક મહલના મોટા હિસ્સાને તોડી પાડયો છે અને સરકારી વિભાગના અધિકારીઓની મૌન સહમતિ બાદ સ્થાનિકોએ મહેલમાં તોડફોડ કરી હોવાનું માનવામાં આવે છે.
આ ઉપરાંત લોકોએ મહેલના કિમતી બારી-બારણા વગેરેને પણ વેચી દીધા છે. આશરે ચાર સદી પહેલા નિર્માણ પામેલા ચાર માળ ધરાવતા 'બાબા ગુરુ નાનક મહલ'ની દીવાલો પર શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનક ઉપરાંત હિંદુ શાસકો અને રાજકુમારોની તસવીરો હતી અને ભારત ઉપરાંત વિશ્વભરના શીખ સમૂદાયના લોકો તેની મુલાકાત લે છે.
પંજાબ પ્રાંતની રાજધાની લાહોરથી ૧૦૦ કિમી દૂર નારોવાલ શહેરમાં આવેલા ગુરુ નાનક મહલમાં ૧૬ રુમો હતા અને દરેક રુમોમાં આશરે ત્રણ દરવાજા અને ચાર બારીઓ હતી. નવાઈની વાત એ છે કે સ્થાનિક સત્તાધીશો અને અધિકારીઓને મહેલમાં તોડફોડ કરાઈ હોવાની અને તેનું આગેવાન કોણ હતું તે વિશે કોઈ જ માહિતી નથી.
તે વિસ્તારના સ્થાનિકો ઈમારતને મહલાં તરીકે ઓળખે છે અને જ્યારે કેટલાક પ્રભાવશાળી લોકો તેમાં તોડફોડ કરી રહ્યા હતા ત્યારે સત્તાધીશોને જાણ કરવા છતા ત્યાં કોઈ મદદ નહોતી મોકલાઈ કે કોઈ કાર્યવાહી નહોતી કરવામાં આવી. ઈવેક્યુઈ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ(ઈટીપીબી) અને ઈમારતમાં રહેતા લોકોને ઈમારતની કાનૂની સ્થિતિ જાણવા માટે અને તેનું માલિક કોણ છે વગેરે જાણવા માટે સવાલ કરવામાં આવ્યા હતા જેનો કોઈ જ જવાબ નહોતો મળ્યો.
નારોવાલના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે આવકવેરા વિભાગના રેકોર્ડમાં આ ઈમારતનો કોઈ ઉલ્લેખ નથી અને નગરપાલિકા સમિતિના રેકોર્ડની તપાસ થઈ રહી છે. સિયાલકોટના રેન્ટ કલેક્ટરે જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે જ્યારે ત્યાંના સ્થાનિક લોકો વડાપ્રધાન ઈમરાન ખાનને જરુરી કાર્યવાહી કરવા અપીલ કરી રહ્યા છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JG5wqV
via Latest Gujarati News
0 Comments