
લખનઉ, તા. 27 મે, 2019, સોમવાર
સમાજવાદી પાર્ટીના ચેરમેન મુલાયમ સિંહ યાદવે લોકસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થવા બદલ પાર્ટીના પહેલી હરોળના નેતાઓને ચિંતન શિબિરમાં ખખડાવ્યા હતા. પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવે સંગઠનમાં પરિવર્તન કરવાનો સંકેત આપ્યો હતો.
લોકસભાની ચૂંટણીમાં ઘોર પરાજય થયા પછી સમાજવાદી પાર્ટીની સમીક્ષા બેઠક મળી હતી. સમાજવાદી પાર્ટીના ચેરમેન મુલાયમ સિંહ યાદવ અને પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવની હાજરીમાં મળેલી બેઠકમાં મુલાયમ સિંહ યાદવે પાર્ટીના પહેલી હરોળના નેતાઓનો ક્લાસ લીધો હતો. મુલાયમે કહ્યું હતું કે તમામ નેતાઓ યુપીની જનતાની નાડ પારખવામાં નિષ્ફળ નીવડયા છે.
મુલાયમ અને અખિલેશે પાર્ટીના મોટા ગજાના નેતાઓએ રજૂ કરેલા અહેવાલની સમીક્ષા કરી હતી. મુલાયમે આ હાર માટે પક્ષના પદાધિકારીઓની લાપરવાહીને જવાબદાર ઠેરવી હતી.
મુલાયમ સિંહ યાદવે પુત્ર અખિલેશ સાથે અલગથી ચર્ચા કરી હતી અને પક્ષમાં જરૂરી ફેરફાર કરવાનું સૂચન કર્યું હતું. પક્ષ પ્રમુખ અખિલેશે પણ પાર્ટીમાં આગામી દિવસોમાં મોટા ફેરફારો કરશે એવો સંકેત આપ્યો હતો.
પ્રદેશ અધ્યક્ષ તરીકે કાર્યરત નરેશ ઉત્તમને હટાવીને તેના સ્થાને ઓમપ્રકારને પ્રદેશ અધ્યક્ષ બનાવાશે એવી અટકળો તીવ્ર બની છે. જોકે, અખિલેશે આ બાબતે કંઈ જ કહેવાનો ઈનકાર કર્યો હતો.
આ હાર પછી અખિલેશ યાદવ પાર્ટીની યુવા પાંખમાં પણ ઘણાં ફેરફાર કરશે. પાર્ટીના યુવા પાંખના નેતાઓની કામગીરી પણ અખિલેશ નાખુશ હોવાનું મનાય છે. તમામ નેતાઓના હારની સમીક્ષાના અહેવાલો આવી જશે પછી યુવા પાંખના ઘણાં નેતાઓને હટાવવાની કામગીરી શરૂ થશે.
થોડા સમયમાં પાર્ટીના પ્રવક્તાઓ, પ્રભારીઓની નવી ટીમ બનશે. સમાજવાદી પાર્ટીએ બહુજન સમાજ પાર્ટી સાથે ગઠબંધન કર્યું હતું. આ ગઠબંધનને કુલ ૧૫ બેઠકો મળી હતી. સમાજવાદી પાર્ટીનને ૫ બેઠકો મેળવીને સંતોષ માનવો પડયો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X8G5RN
via Latest Gujarati News
0 Comments