તેજસ્વી યાદવ બિહાર વિધાનસભાનું વિપક્ષી નેતાપદ છોડી દે : મહેશ્વરપ્રસાદ


(પીટીઆઇ) પટણા, તા. 27 મે, 2019, સોમવાર

બિહારના વિપક્ષ રાષ્ટ્રીય જનતાદળ (રાજદ)માં અસંતોષનો ઉકળતો ચરૂ સપાટી પર આવી ગયો છે. પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય મહેશ્વરપ્રસાદ યાદને લોકસભા ચૂંટણીમાં પક્ષના પરાજયની જવાબદારી સ્વીકારી તેજસ્વી યાદવને રાજ્ય વિધાનસભાના વિપક્ષ નેતાપદેથી રાજીનામું આપવા જણાવ્યું છે. મહેશ્વરપ્રસાદ યાદવે આક્ષેપ કર્યો કે પરિવારવાદ પક્ષને સહુથી વધુ ભારે પડયો છે. જો પોતાની માગણી સંતોષાશે નહિ તો પક્ષ તૂટી પડવાની દહેશત એમણે વ્યક્ત કરી છે.

મહેશ્વરપ્રસાદે તેજસ્વીના સ્થાને યાદવ જ્ઞાતિ સિવાયના પક્ષના અન્ય કોઇ વરિષ્ઠ નેતાને વિધાનસભા વિપક્ષના નેતા બનાવવા પણ સૂચવ્યું છે. આમ નહિ થાય તો આગામી ૨૦૨૦ વિધાનસભા ચૂંટણીમાં પક્ષે ભારે શિકસ્ત ખમવી પડશે, એવો ભય પણ એમણે વ્યક્ત કર્યો છે. બિહારમાં લોકસભા ચૂંટણી માટે પાંચ વિપક્ષોના રચાયેલા મહાગઠબંધનમાં સામેલ રાજદ બીજો પક્ષ છે કે જેને લોકસભાની ૪૦ બેઠકો પૈકી એક પણ બેઠક મળી શકી નથી. 

રાજયમાં કિસનગંજની એકમાત્ર લોકસભા બેઠક કોંગ્રેસને મળી છે. એ સિવાયની તમામ ૩૯ બેઠકો ભાજપ, જેડી (યુ) અને લોકજનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન) જીત્યા છે. ગઇકાલે ઉપેન્દ્ર કુશ્વાહાની રાષ્ટ્રીય સમતાપાર્ટીના બે ધારાસભ્યો અને એક વિધાન પરિષદ સભ્ય જેડી (યુ)માં જોડાઈ ગયા છે.

મહેશ્વર પ્રસાદે પોતાને પક્ષના બે તૃતિયાંશ ધારાસભ્યોનો ટેકો હોવાનો દાવો કરીને ઉમેર્યું કે આમ હોવાથી અમને પક્ષપલટા વિરોધી કાયદો નડશે નહિ. કોઈ સભ્ય ડૂબતા વહાણમાં પ્રવાસ કરવા માગતો નથી. એમણે આવતીકાલ તા.૨૮ મેથી શરૂ થઈ રહેલી, ચૂંટણીમાં ધબડકા વિષેની ચર્ચા માટેની પક્ષની બે દિવસીય બેઠકમાં ભાગ લેવાનો પણ ઈન્કાર કર્યો છે.

જ્યાં સુધી તેજસ્વીને વિધાનસભાના વિપક્ષી નેતાપદેથી હટાવવાની મારી માંગણી સંતોષાશે નહિ. ત્યાં સુધી હું બેઠકમાં હાજર રહીશ નહિ, એમ એમણે ઉમેર્યું. નોંધનીય છે કે મહેશ્વરપ્રસાદ યાદવ મુખ્યપ્રધાન નીતિશકુમાર સાથે ગાઢ સંપર્ક ધરાવે છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ED0vev
via Latest Gujarati News

Post a Comment

0 Comments