રાજસ્થાન પાઠયપુસ્તકમાં સાવરકરને 'પોર્ટુગલ કા પુત્ર' દર્શાવતા વિવાદ


(પીટીઆઈ) જયપુર, તા. 27 મે, 2019, સોમવાર

રાજસ્થાનના ૧૦મા ધોરણના સામાજિક વિજ્ઞાનના પુસ્તકમાં વિનાયક દામોદર સાવરકરના લેખમાં 'પોર્ટુગલ કા પુત્ર' એવી સંજ્ઞાા આપવામાં આવી હોવાનો દાવો ભાજપના નેતા અને રાજસ્થાનના પૂર્વ શિક્ષણ મંત્રીએ કર્યો હતો. તે પછી વિવાદ ખડો થયો છે.

રાજસ્થાનમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બની તે પછી નવા અભ્યાસક્રમો આવ્યા તેમાં શિક્ષણ સમિતિએ કેટલાક ફેરફારો કર્યા હતા. વિનાયક દામોદર સાવરકર ઉપર ગાંધીજીની હત્યાના ષડયંત્રકાર તરીકેનો આરોપ લાગ્યો હતો એટલે શિક્ષણ સમિતિએ તેમની આગળથી વીર શબ્દ હટાવી દેવાનો નિર્ણય કર્યો હતો.

તે પછી હવે નવો વિવાદ ખડો થયો છે. રાજસ્થાનના ભાજપના નેતા અને પૂર્વ શિક્ષણ મંત્રી વાસુદેવ દેવનાનીએ ટ્વિટરમાં એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસની સરકારે પાઠયપુસ્તકમાં વીર સાવરકર બાબતે વાંધાજનક વિશેષણ લગાવ્યું છે.

પાઠય પુસ્તકમાં કોઈ વિશેષ સંદર્ભમાં સાવરકર વિશે 'પોર્ટુગલ કા પુત્ર'એવું લખાયું હોવાનો દાવો ભાજપના નેતાએ ટ્વીટર ઉપર કર્યો હતો. તે પછી ભારે વિવાદ થયો હતો. રાજસ્થાનમાં ટ્વીટર ઉપર ભાજપ-કોંગ્રેસના સમર્થકો વચ્ચે ટ્વીટર વોર શરૂ થયું હતું.

ભાજપના આ નેતાએ કોંગ્રેસ સરકારને શીખામણ આપી હતી કે તેમણે પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના નિવેદન પરથી પ્રેરણા લેવી જોઈએ. ઈન્દિરા ગાંધીએ સાવરકરને દેશભક્તિ અને ક્રાંતિના પર્યાય ગણાવ્યા હતા. એટલું જ નહીં, ઈન્દિરા સરકારે ખાસ ટપાલ ટિકિટ પ્રસિદ્ધ કરી હતી અને મુંબઈમાં સાવરકરનું સ્મારક બનાવવા માટે ઈન્દિરા ગાંધીએ વ્યક્તિગત રીતે દાન આપ્યું હતું.

આ મુદ્દે કોંગ્રેસની સરકારના શિક્ષણ મંત્રીએ બચાવ કરતા કહ્યું હતું કે સાવરકર બાબતેની ટીપ્પણી અલગ સંદર્ભમાં થઈ છે અને એ શિક્ષણવિદોની સમિતિએ નિર્ણય કર્યો તે પ્રમાણે સમાવવામાં આવી છે. પાઠય પુસ્તકોની સમિતિએ નિષ્ણાતોના નિવેદનોની પ્રામાણિકતા તપાસ્યા પછી પાઠય પુસ્તકોમાં ફેરફાર કર્યો છે.

કોંગ્રેસ સરકારના મંત્રીએ કહ્યું હતું કે પાઠય પુસ્તકમાં સાવરકરના જીવન ચરિત્રમાં એવા સંદર્ભમાં આ વાત મૂકવામાં આવી છે કે જેમાં ૧૯૧૦-૧૧માં સાવરકર ખુદ પોતાની ઓળખ છૂપી રીતે આવી આપે છે અને સમિતિ પાસે તે રેફરન્સના પુરાવા પણ ઉપલબ્ધ છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdPV10
via Latest Gujarati News

Post a Comment

0 Comments