કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવ કુમારે સીબીઆઇ સમક્ષ હાજર થવાની ના પાડી દીધી


હાલ હું હાજર થઇ શકું તેવી સ્થિતિમાં નથી, મારે વધુ સમય જોઇએ છે : રાજીવનો સીબીઆઇને પત્ર 

નવી દિલ્હી, તા. 27 મે, 2019, સોમવાર

કોલકાતાના તત્કાલીન પોલીસ કમિશનર રાજીવ કુમાર સામે કાર્યવાહી મુદ્દે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી અને સીબીઆઇ બન્ને આમને સામને આવી ગયા હતા. હવે આ મામલે સીબીઆઇ ફરી સક્રીય થઇ ગઇ છે અને રાજીવ કુમારને સમન્સ પાઠવી સોમવારે હાજર થવા કહ્યું હતું. 

જોકે રાજીવ કુમારે હાજર થવાની ના પાડી દીધી છે અને કહ્યું છે કે હાલ હું આવી શકું તેવી સ્થિતિમાં નથી કેમ કે હું જે સ્થળે મને બોલાવવામાં આવ્યો છે ત્યાંથી ઘણો જ દુર છું. રાજીવ કુમારે સીબીઆઇને પત્ર લખીને વધુ સમય માગ્યો છે. 

 સીબીઆઇએ રાજીવ કુમારને શારદા ચિટ ફંડ સ્કેમમાં સમન્સ પાઠવ્યા છે. સીબીઆઇની એક ટીમ કોલકાતામાં સ્થિત રાજીવ કુમારના નિવાસ સ્થાને ગઇ હતી જ્યાં તેને આ સમન્સ પાઠવ્યા હતા. અને સોમવારે નિશ્ચિત સમય અને સ્થળે હાજર થવા કહ્યું હતું.

બાદમાં રાજીવ કુમારે આ મામલે એક પત્ર લખીને હાલ હાજર થવાની ના પાડી દીધી અને વધુ સમય માગ્યો છે. જેથી હવે સીબીઆઇ અને કોલકાતા સરકાર તેમજ પોલીસ વચ્ચે ફરી ઘર્ષણ થઇ શકે છે. એવા અહેવાલો છે કે જો રાજીવ કુમાર હાજર નહીં થાય તો તેમની ધરપકડ પણ કરવામાં આવી શકે છે. 

સીબીઆઇનો દાવો છે કે શારદા ચિટ ફંડની તપાસ જ્યારે એસઆઇટીને સોપવામાં આવી ત્યારે રાજીવ કુમાર તે એસઆઇટીના વડા હતા, તેમણે આ મામલે અનેક પુરાવા સામે આવ્યા તેનો નાશ કર્યો છે અને કેસમાં કેટલાકને બચાવવાનો પ્રયાસ કર્યો છે.

જ્યારે રાજીવ કુમારે આ આરોપોને ફગાવ્યા હતા. સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો હતો જ્યાં કોર્ટે હાલ રાજીવ સામે કાર્યવાહી પર સ્ટે મુક્યો હતો, આ સ્ટેને ઉઠાવી લેવામા આવ્યો છે તેથી હવે રાજીવ કુમાર સામે ફરી કાર્યવાહી સીબીઆઇએ શરૂ કરી દીધી છે. 

રાજીવ કુમાર જ્યારે કોલકાતાના પોલીસ કમિશનર હતા ત્યારે સીબીઆઇ તેમના નિવાસ સ્થાને પહોંચી કાર્યવાહી કરવા માગતી હતી જોકે પોલીસે તેમને અટકાવી તે બાદ મમતા અને કેન્દ્ર સરકાર આ મામલે આમને સામને આવી ગયા હતા અને મમતાએ ધરણા પ્રદર્શન પણ કર્યું હતું. આ મામલો સમગ્ર દેશમાં ચર્ચામાં આવ્યો હતો ત્યારે હવે ફરી સીબીઆઇએ આગળ કાર્યવાહી હાથ ધરતા વિવાદ સર્જાયો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JGMPDu
via Latest Gujarati News

Post a Comment

0 Comments