
ટોક્યો, તા. 27 મે, 2019, સોમવાર
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના પ્રવાસે છે. એ દરમિયાન જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. તેમાં ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોનો પણ મુદ્દો ઉઠયો હતો, જેમાં ટ્રમ્પે જાપાનને ચિંતા ન કરવાની સલાહ આપી હતી.
ડોનાલ્ડ ટ્રમ્પ ચાર દિવસના જાપાનના પ્રવાસે છે, એ દરમિયાન ઘણાં મુદ્દે બંને દેશોના નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. ટ્રમ્પે કહ્યું હતું કે વેપાર, સુરક્ષા, વૈશ્વિક સ્થિતિ, ઈરાન, ઉત્તર કોરિયા જેવા મુદ્દે આબે સાથે વાત થઈ હતી. લગભગ મુદ્દાઓમાં બંને વચ્ચે સહમતી સધાઈ હતી, પણ ઉત્તર કોરિયાના મુદ્દે બંને દેશોના નેતાઓ વચ્ચે અસહમતી હતી.
ઉત્તર કોરિયાએ ફરી વખત મિસાઈલ પરીક્ષણ કર્યું હતું, જાપાનના પાડોશી દેશ હોવાના કારણે ઉત્તર કોરિયાનું પરમાણુ હથિયારોનું પરીક્ષણ જાપાનને સીધું સ્પર્શે છે. તે મુદ્દે ટ્રમ્પને સવાલ પૂછાયો હતો કે ઉત્તર કોરિયાના નવેસરથી શરૂ થયેલા પરમાણુ પરીક્ષણો બાબતે તેમનો શું મત છે? તેમને ચિંતા થાય છે કે કેમ?
જવાબમાં ટ્રમ્પે કહ્યું હતું કે ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોની વાતથી તેમને ચિંતા થતી નથી. ટ્રમ્પે તો ત્યાં સુધી કહ્યું હતું કે મને લાગે છે કે એ મિસાઈલ પરીક્ષણોની વાત અટેન્શન મેળવવા માટે હતી. વળી, ઉત્તર કોરિયાએ ઘણાં સમયથી પરીક્ષણો કર્યા ન હતા એ હકીકત છે. ટ્રમ્પે ભારપૂર્વક કહ્યું હતું કે જાપાનની ચિંતા સમજી શકાય તેવી છે, પરંતુ જાપાન ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણોથી પરેશાન ન થાય. કારણે કે મને પૂરો ભરોસો છે કે કિમ ન્યૂક્લિયર હથિયારોનો નાશ કરશે.
ટ્રમ્પે કિમ જોંગ ઉપર ભરોસો વ્યક્ત કરતા કહ્યું હતું : કિમ જોંગ ઉન સ્માર્ટ છે અને એ વાત બરાબર જાણે છે કે વહેલો-મોડો ન્યૂક્લિયર હથિયારોનો નાશ કરવો પડશે. દેશના વિકાસ માટે પરમાણુ કાર્યક્રમો બંધ કરવા પડશે એ વાતથી કિમ વાકેફ છે. ટ્રમ્પે એ વાતચીત દરમિયાન શિંજો આબેને ધરપત બંધાવી હતી કે ઉત્તર કોરિયાના મિસાઈલ પરીક્ષણો બંધ થઈ જશે અને જાપાનને તેનાથી કોઈ નુકસાન નહીં થાય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdcUtr
via Latest Gujarati News
0 Comments