બ્રિટનના નવા રાજકુમાર 'આર્ચી' માટે મુંબઈના ડબાવાળાઓએ ઉત્સાહથી દાગિનાની ખરીદી કરી


- ચાંદીની વાળી, ઝાંઝરા, કંદોરો, ચેન તેમજ સોનાનું હનુમાનજીનું પેન્ડેન્ટ બ્રિટીશ કાઉન્સિલના માધ્યમે રાજકુંવર સુધી પહોંચાડાશે

(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 10 મે 2019, શુક્રવાર

મુંબઈના ડબાવાળા અને બ્રિટનના રાજવી પરિવારના સંબંધથી સહૂ કોઈ પરિચિત છે. પ્રિન્સ ચાર્લ્સ તાજેતરમાંજ ફરી એકવાર દાદા બન્યા છે. તેમના દ્વિતિય પુત્ર પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલના ઘરે પુત્રનો જન્મ થયો છે. જેનું નામ 'આર્ચી હેરિસન માઉન્ટબેટન-વિંડસર' રાખવામાં આવ્યું છે. આ બાળરત્નના જન્મનો આનંદ મુંબઈના ડબાવાળાઓમાં પણ જોવા મળી રહ્યો છે. આથી પ્રિન્સ ચાર્લ્સના પૌત્ર માટે ડબાવાળાઓએ દાગિનાની ખરીદી કરી છે.

મુંબઈના ડબાવાળાઓએ આજે ઘાટકોપર સ્થિત એક જ્વેલર્સની દુકાનમાંથી દાગિના વેચાતાં લીધા છે. આ દાગિનાઓમાં ચાંદીની વાળી,ઝાંઝર, કંદોરો, ચેન તેમજ સોનાનું હનુમાનનું પેંડન્ટ પણ સમાવિષ્ટ છે. મહારાષ્ટ્રની પરંપરા અને પ્રિન્સ ચાર્લ્સની ત્રીજી પેઢી સાથે ઋણાનુબંધ સાચવવાના પ્રયત્ન તરીકે મુંબઈના ડબાવાળાઓએ આ ખરીદી કરી છે. જે બ્રિટીશ કાઉન્સિલના માધ્યમે આર્ચી સુધી મોકલવામાં આવશે.  

આ સંદર્ભે ડબાવાળાઓના જણાવ્યાનુસાર, પ્રિન્સ ચાર્લ્સની મુલાકાતથી અમને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મળી. અમને, અમારા કામને પ્રસિદ્ધિના વેગમાં લાવનારા પ્રિન્સ ચાર્લ્સ ફરી દાદા બન્યાં અને રાજવી પરિવારને રાજપુત્ર મળ્યો તેનો અમને સૌને આનંદ છે. જે પ્રમાણે દાદા તેના પૌત્રને ભેટ આપે તેજ રીતે અમે આ નાનકડાં બાળકને આશિર્વાદ આપવા માટે આ ભેટ મોકલી રહ્યાં છીએ.  



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PZzRAS
via Latest Gujarati News

Post a Comment

0 Comments