ગામ કે શહેર હોય, ગલી કે શેરી હોય કે પછી સોસાયટી કેમ ન હોય, દરેક જગ્યાએ ક્રિકેટ રમતાં છોકરાઓ જ જોવા મળે છે. ક્રિકેટ રમવાની મજા બાળકો, યુવાનો કે ઘરના મોભીઓ જ માણે છે એવું નથી, હવે મહિલાઓ પણ સંકોચને છોડીને સોસાયટીઓમાં કે કોમ્પિટિશનોમાં ક્રિકેટ રમતી થઇ ગઇ છે. આજે આપણે એવી મહિલાઓની વાત કરીએ જે કરિયર, પરિવારની જવાબદારી નિભાવવાની સાથે સાથે ક્રિકેટને મન મૂકીને રમતી થઇ છે.
પાલડીમાં આવેલા જય જિનેન્દ્ર ટાવર્સમાં દર વર્ષે છેલ્લાં સાત વર્ષથી મેચ રમાય છે. એમાં પુરુષોની સાથે મહિલાઓએ પણ પોતાની અલગ ટીમ પાડી મેચ રમવાનું શરૃ કર્યું. આ મેચમાં ૧૩ વર્ષથી માંડી ૫૮ વર્ષ સુધીની ૩૪ મહિલા ક્રિકેટ રમે છે, જેમાં સાસુ, વહુ, દીકરી એમ દરેકનો સમાવેશ થાય છે. જે ટીમ જીતે તેને ટોફી આપવામાં આવે છે. સોસાયટીમાં મહિલાઓની મેચ હોય ત્યારે જાણે વર્લ્ડ કપ રમાતો હોય એવો માહોલ જામે છે. સોસાયટીના નાના-મોટા બધા રહીશો ચીયરઅપ કરતા દેખાય.
સોસાયટીના યુવાનો અમને રમવા માટે ઇન્સ્પાયર કરે છે

'કિટી પાર્ટીમાં આપણે ક્રિકેટ રમવી જોઇએ' એવો વિચાર આવ્યો. ચાઇલ્ડ હૂડમાં ક્રિકેટ રમ્યા હતાં પછી ક્યારેય બેટ હાથમાં લીધું નહોતું એટલે શરૃઆતમાં બહુ તકલીફ પડી પણ સોસાયટીના છોકરાઓના કો-ઓપરેટથી મેચ રમવાનું શરૃ કર્યું. હું ૫૮ વર્ષની છું અમે બધા કોહલીના લેવલનું નથી રમી શકતા પણ દરેક વ્યક્તિ પોતાની ઉંમર મુજબ બેસ્ટ કરવાનો પ્રયત્ન કરે છે. અમે અમારી રીતે રુલ્સ એન્ડ રેગ્યુલેશન મુજબ રમીએ છીએ. દર વર્ષે ડ્રેસ કોડ અલગ અલગ રાખીએ છીએ. રમીએ ત્યારે અદભુત આનંદની અનુભૂતિ થાય છે.' - જ્યોતી શાહ, કેપ્ટન, હાઉસ વાઇફ
શરીરથી થાક લાગે પણ મનથી કોઇ થાક્યા નથી

'અમારામાંથી કોઇને સારું ક્રિકેટ રમતા આવડતું નહોતું. સોસાયટીના છોકરાઓએ બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગ કેવી રીતે કરાય એ શીખવાડયું. શરૃઆતમાં તો પગમાં ગોટલાં ચડી જતાં હતાં. હાથ-પગના સાંધાઓ દુખવા આવતા હતાં. અમારામાંથી મોટાભાગની વ્યક્તિને રમતાં રમતાં નાની મોટી ઇન્જરી થઇ ચૂકી છે. છતાં અમે મનથી ક્યારેય થાક્યાં નથી. મેચની શરૃઆત જન..ગન..મન અને વંદેમાતરમથી કરીએ છીએ. એક મેચ પતે એટલે તેનો થાક ઉતારી બીજી મેચની પ્રેક્ટિસ દરેક વ્યક્તિ પોતાપોતાના ટાઇમે શરૃ કરી દે છે. બીજા વર્ષે બમણા જોશ સાથે રમીએ છીએ. રમવાની બધાને મજા તો આવે જ છે સાથે આત્મીયતા વધે છે.' - દિવ્યા મોદી, કેપ્ટન એન્ડ વર્કિંગ વુમન
from Gujarat samachar-plus News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J6hoRV
via Latest Gujarati News
0 Comments