શું રાહુલ ગાંધીની નારાજગી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં નેતૃત્વ પરીવર્તનનો સંકેત છે ?


2019ની લોકસભા ચૂંટણીનું પરીણામ કોંગ્રેસ માટે દુસ્વપ્ન પુરવાર થયું છે. એક બાજુ નરેન્દ્ર મોદીની બીજી વાર પ્રધાનમંત્રી તરીકે તાજપોશીની તૈયારીઓ શરુ થઇ છે બીજી બાજુ લોકસભા ચૂંટણીમાં 52 બેઠકો સાથે અત્યંત ખરાબ પ્રદર્શનના કારણે કોંગ્રેસમાં ધમાસણ શરુ થયું છે. સુત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર રાહુલ ગાંધી રાજીનામુ આપી દેવાના પોતાના મૂડને બદલવા તૈયાર નથી. જયારે અંતરંગ વર્તુળોમાં સ્થાન ધરાવતા કોંગ્રેસીજનો તેમને આમ નહી કરવા સમજાવી રહયા છે. 

કોંગ્રેસ માટે સત્તા તો દૂરની વાત છે પરંતુ સન્માનજનક વિપક્ષમાં બેસી શકાય તેટલી બેઠકો પણ નહી મળવા માટે રાહુલ ગાંધી જવાબદારી નકકી કરવા માંગે છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોટ અને ઉપ મુખ્યમંત્રી સચીન પાયલોટની આંતરીક ખેંચતાણના પગલે કોંગ્રેસ સારું પ્રદર્શન કરી શકી નથી એવું માનવામાં આવે છે.

મધ્યપ્રદેશમાં પણ કમલનાથ માત્ર પોતાના દિકરા નકુલનાથની છિંદવાડા બેઠકને બાદ કરતા કયાંય સફળતા અપાવી શકયા નથી. લોકસભા ચૂંટણીના પરીણામો પછી ગેહલોટ અને પાયલોટે રાહુલગાંધીને મળવા સતત પ્રયાસ કર્યો છતાં મુલાકાત આપી ન હતી.

હવે સૌથી મહત્વનો સવાલ એ છે કે કોંગ્રેસમાં આવું કયાં સુધી ચાલશે ? લોકસભામાં પાર્ટીના ખરાબ પ્રદર્શન માટે રાહુલ ગાંધીએ તો નૈતિક જવાબદારી સ્વીકારી પરંતુ હાલનું કમઠાણ કોંગ્રેસને સત્તા ના મળી એનું નથી. રાજસ્થાન,મધ્યપ્રદેશ અને છત્તિસગઢ રાજયો માત્ર છ મહિના પહેલા જ કોંગ્રેસની ઝોળીમાં આવ્યા છે. 

ખેડૂતોના દેવા માફી મુદ્વે જે વચન આપીને અમલવારી કરવામાં આવી તેનો લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને કોઇ જ લાભ થયો નથી. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોટ અને મધ્યપ્રદેશના કમલનાથ જેવા ધૂંરધરોને પાર્ટીએ મુખ્યમંત્રી પદ આપ્યું પરંતુ પાર્ટીને તેઓ કશું જ આપી શકયા નહી એ વાતની કદાંચ રાહુલને નારાજગી છે. 

રાજસ્થાન અને મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી દરમિયાન રાહુલ ગાંધીએ પ્રચારની કમાન હાથમાં લઇને ખૂબ મહેનત કરી હતી તેના પરીણામે જ મધ્યપ્રદેશ અને છત્તિસગઢ જેવા રાજયોમાં બે દાયકા પછી કોંગ્રેસને સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો હતો. ખાસ વિશ્વાસું અને પીઢ કોંગ્રેસી કમલનાથ અને અશોક ગહેલોટના હાથમાં શાસન સોંપ્યું હતું. હાઇ કમાન્ડે ધાર્યુ હોતતો રાજસ્થાનમાં ગેહલોટના સ્થાને યુવા ચહેરો સચીન પાયલોટ અને મધ્યપ્રદેશમાં જયોતિરાદિત્ય સિંધિયાને મુખ્યમંત્રીને બનાવી શકયું હોત પરંતુ તેના સ્થાને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પીઢ ચહેરાને રાજયોનું નેતૃત્વ સોંપી રાજકિય ગણતરીઓ માંડી હતી. 

લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢરો ખાસ કરીને ગરીબોના કલ્યાણ માટેની ન્યાય યોજનાની માહિતી લોકો સુધી પહોંચી નથી. નવાઇની વાત તો એ છે કે કોંગ્રેસ શાસિત રાજયોનું પીઢ નેતૃત્વ પણ આ કામ પાર પાડી શકયું નહી.આથી  રાહુલ ગાંધી તેમના માનિતા મુખ્યમંત્રીઓથી કયાં સુધી નારાજ રહેશે તે કહેવું મુશ્કેલ છે. 

રાહુલ ગાંધીએ પોતાની મર્યાદાઓ છતાં સમગ્ર દેશમાં પ્રચાર પ્રસાર કરીને કોંગ્રેસ માટે ખૂબ મહેનત કરી. થકવી નાખે તેવા લાંબા ચૂંટણી કાર્યક્રમ દરમિયાન 126થી વધુ સભાઓ ગજવી હતી. આ વખતે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતિસગઢમાંથી વધુ બેઠકો મળવી શકાય છે એમ માનીને આ રાજયો પર ખૂબ ધ્યાન આપ્યું હતું પરંતુ સ્થાનિક સ્તરે જે નિષ્કિયતા જણાઇ તે ચૂંટણી પરીણામમાં જણાઇ આવે છે. ગુજરાત તો નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે પરંતુ રાજસ્થાનમાં પણ ભાજપને  25 માંથી 25 બેઠકો મળી અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસના સૂપડા સાફ થઇ ગયા. ગત 2014ની લોકસભા ચૂંટણીમાં સિંધિયા પરીવારની પરંપરાગત ગુના બેઠક જીતેલી તે પણ આ વખતે ગુમાવવાનો વારો આવ્યો છે.

લોકસભા ચૂંટણી પછી રાજસ્થાનમાં નેતૃત્વ પરીવર્તનની માંગ ઉઠી છે. મધ્યપ્રદેશ અને છતિસગઢમાં પણ આજે નહી તો કાલે ગણગણાટ શરુ થવાનો જ છે. જો કે વિટંબણાએ છે કે કોંગ્રેસ માટે રાજસ્થાનમાંથી ગેહલોટ કે મધ્યપ્રદેશમાથી કમલનાથને હટાવવાએ સરળ કામ નથી કારણ કે આ બંને રાજયોમાં સાવ પાતળી સરસાઇથી બહુમતી મળી છે.

મધ્યપ્રદેશમાં તો બહુમતી કરતા એક બેઠક ઓછી હોવાથી બહુજન પાર્ટીના ટેકા પર સરકાર ચાલે છે. આવી ટેકા સરકાર મધ્યપ્રદેશમાં પીઢ કમલનાથને બદલીને યુવા જયોતિરાદિત્ય સિંધિયા ચલાવી શકે કે કેમ એવી શંકા જાગવી સ્વભાવિક છે. આવી જ શંકા  રાજસ્થાનમાં ગેહલોટના સ્થાને સચીન પાયલોટ માટે પણ રહે છે. ગેહલોટ અને કમલનાથને ઉતારી મુકવામાં આવે તો તેમાંના સમર્થકો પણ નારાજ થઇ શકે છે. આવા સંજોગોમાં આંતરીક કલહ વધે એનું સરવાળે નુકસાન કોંગ્રેસ એકમને થઇ શકે તેમ છે.

રાજસ્થાન અને મધ્યપ્રદેશ આ બંને રાજયોની વિધાનસભામાં ભાજપની હાર થવા છતાં એક વિપક્ષ તરીકે ખૂબજ મજબૂત છે. મધ્યપ્રદેશમાં તો માંડ 10  બેઠકોનો જ તફાવત છે. આથી થોડાક ધારાસભ્યો પણ આઘા પાછા થાય તો સરકાર તૂટતા વાર લાગશે નહી. આથી ધારાસભ્યોને એકસૂત્રતાથી બાંધીને વિપક્ષની મેલી મૂરાદને બળ ન આવવા દે તેના માટે પીઢ નેતૃત્વ હોવું જરુરી છે. આમ લોકસભા ચૂંટણી પછી કોંગ્રેસ માટે સાપે છછુંદર ગળ્યા જેવી સ્થિતિ સર્જાઇ છે. આવનારો સમય કોંગ્રેસ હાઇ કમાન્ડ અને કોંગ્રેસ શાસીત રાજયોના મુખ્યમંત્રીઓ માટે અગ્નિ પરીક્ષાનો છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JMq1lC
via Latest Gujarati News

Post a Comment

0 Comments