(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૬
આદર્શ આચાર સંહિતા ભંગની ફરિયાદો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહને ક્લિન ચીટ આપવા સંબધી ચૂંટણી પંચના આદેશોને રેકોર્ડ પર લાવવા સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ સાંસદ સુષ્મિતા દેવને જણાવ્યું છે.
મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ દિપક ગુપ્તાની ખંડપીઠે આ સાથે જ સુષ્મિતા દેવની અરજીની સુનાવણી ૮ મેના રોજ રાખી છે. દેવ આસામના સિલચર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ છે.
દેવ વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ આરોપ મૂક્યો હતો કે ચૂંટણી પંચે પ્રચાર દરમિયાન ભારતીય સેનાનો ઉલ્લેખ કરીને આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ વિરુદ્ધ કોંગ્રેસની ફરિયાદોને ફગાવી દઇને તર્કરહિત આદેશ આપ્યો હતો.
ખંડપીઠે કોંગ્રેસ સાંસદને જણાવ્યું છે કે બંને ભાજપ નેતાઓ દ્વારા ચૂંટણી આચારસંહિતાનો ભંગ કરવાની ફરિયાદો પર ચૂંટણી પંચના આદેશને રેકોર્ડ પર લાવી વધુ એક એફિડેવિટ દાખલ કરે.
દેવે પોતાની અરજીમાં દાવો કર્યો હતો કે ભાજપ નેતાઓની વિરુદ્ધ ચૂંટણી પંચની નિષ્ક્રિયતા ભેદભાવના સંકેત છે. તેમણે ચૂંટણી પંચના આદેશને મનસ્વી અને અસ્વીકાર્ય ગણાવ્યો હતો. અને ચૂંટણી પ્રક્રિયાની પ્રામાણિકતા માટે વિનાશકારી ગણાવ્યો હતો.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2GZHCTw
via Latest Gujarati News
0 Comments