માતાપિતા જો બાળઉછેરમાં કરે આવી ભુલ તો બાળકને થાય છે નુકસાન


અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર

દરેક માતાપિતા પોતાના બાળકને તમામ સુખ સુવિધા આપી અને તેનો ઉછેર કરવા માંગે છે. બાળકને અભ્યાસમાં તેમજ અન્ય જરૂરી વસ્તુઓ પુરી પાડવામાં પણ માતાપિતા કોઈ કચાસ રાખતા નથી. દરેક માતાપિતાની બાળકનો ઉછેર કરવાની રીત અલગ અલગ હોય છે. પરંતુ કેટલાક માતાપિતા બાળકના ઉછેરમાં એવી ભુલ કરી બેસે છે જેના કારણે તેઓ બેડ પેરેંટિંગની કેટેગરીમાં આવી જાય છે. માતાપિતાની આવી ભુલની અસર તેમના બાળક પર પણ થાય છે. 

માતાપિતાના ઉછેરમાં ભુલ હોય તો તેની નકારાત્મક અસર બાળક પર પણ પડે છે. બાળકનો સ્વભાવ અને વ્યવહાર જ્યારે બદલી જાય ત્યારે સમજી લેવું કે બાળઉછેરમાં જ કોઈ ખામી રહી છે. તો ચાલો આજે એક નજર કરીએ બાળઉછેરમાં સામાન્ય રીતે માતાપિતા જે ભુલ કરતા હોય છે તેના પર.

વારંવાર ખિજાવું

ભુલ તો દરેક વ્યક્તિથી થાય છે પરંતુ નાના બાળકો વારંવાર ભુલ કરી બેસતા હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી કે તેને વારંવાર ખિજાવું. બાળક જ્યારે ભુલ કરે ત્યારે ધીરજ અને શાંતિ રાખી તેને સમજાવવું જોઈએ. જે માતાપિતા બાળકને વારંવાર ધમકાવે છે તેમના બાળકો ખોટું બોલતા અને વાતો છુપાવતા શીખે છે. ધીરેધીરે તેઓ પોતાની ભુલ સ્વીકારવાનું પણ બંધ કરી દે છે. 

બીજા સામે હાથ ઉપાડવો

બાળકોને શિસ્તમાં રાખવા માટે તેને સમજ પુરી પાડવી જોઈએ પરંતુ શિસ્ત રાખવા માટે અન્ય લોકો સામે તેને ખીજાવું કે મારવું નહીં. બીજાની સામે બાળકને મારવાથી બાળકને સંકોચ અને શરમ અનુભવાશે અને આ કારણે બાળકોનો આત્મવિશ્વાસ નબળો પડી જાય છે. 

પ્રોત્સાહિત ન કરવું

ઘણા માતાપિતા બાળકના સારા કામમાં તેની પ્રસંશા કરી તેને પ્રોત્સાહિત કરવાના બદલે તેના કામમાંથી ભુલ કાઢી તેને વધારે સારું કરવાની સલાહ આપે છે. આવી રીતે ભુલ કાઢી માતાપિતાને લાગે છે કે તે બાળકને વધારે સારું કામ કરતું કરી દેશે પરંતુ તેવું નથી. વારંવાર બાળકની ભુલ કાઢશો તો તેનો આત્મવિશ્વાસ તુટી જશે. ત્યારબાદ તે કોઈપણ કામ કરશે તો તેને જ લાગશે કે તેણે બરાબર નહીં જ કર્યું હોય. એટલે જ્યારે બાળકો કોઈ કામ કરે તો તેને પ્રોત્સાહિત જરૂર કરો.

પ્રેમ ન દેખાડવો

બાળકને પ્રેમ તો દરેક માતાપિતા કરે છે પરંતુ પ્રેમ દેખાડવો પણ જરૂરી છે. બાળકને દિવસમાં એકવાર પ્રેમથી ગળે લગાડો, તેની સાથે બેસો, વાતચીત કરો, રમતો રમો આમ કરવાથી બાળકને તમારો પ્રેમ અનુભવાશે. બાળક પણ તમારી સાથે ઈમોશનલી જોડાશે અને પોતાના મનની કોઈપણ વાત કહેવામાં તેને સંકોચ થશે નહીં. 

બીજા સાથે સરખામણી

દરેક બાળક અલગ હોય છે તેવી જ રીતે તેની આવડત પણ અન્ય કરતાં અલગ હોય છે. એટલા માટે બાળકની સરખામણી અન્ય સાથે કરવાની ભુલ ક્યારેય કરવી જોઈએ નહીં. પરીક્ષાના પરીણામ આવે ત્યારે માતાપિતા સારા પરીણામ સાથે પાસ થયેલા બાળકોની સરખામણી પોતાના બાળક સાથે કરે છે. આમ કરવાથી તમારું બાળક માનસિક રીતે ભણતરના ભારમાં જીવશે. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLdYXo
via Latest Gujarati News

Post a Comment

0 Comments