મુંબઈ,તા.06 મે, 2019, સોમવાર
હાલમાં નબળા તબક્કામાંથી પસાર થઈ રહેલી દેશની ઓટો કંપનીઓ વર્તમાન નાણાં વર્ષના પાછલા ૬ મહિનામાં ઓટો ઉદ્યોગની સ્થિતિ સુધરવાની આશા રાખી રહી છે.
આ વર્ષે ચોમાસુ સારૂ રહેવાની આગાહીને જોતા તહેવારોમાં ઓટો માટેની માગમાં વધારો થશે એટલું જ નહીં એપ્રિલ ૨૦૨૦થી વાહનો માટે લાગુ થઈ રહેલા બીએસ-૬ ઉત્સર્જન ધોરણોને કારણે પણ નવા વાહનો માટેની માગ વધવાની અપેક્ષા રખાઈ રહી છે.
ટુ-વ્હીલર્સ, ઉતારુ તથા વ્યાપારી વાહનોના ભાવમાં ૧૮થી ૨૦ ટકા વધારો થવાની શકયતા રહેલી છે. નવા ઉત્સર્જન અને સલામતિના ધોરણોને કારણે ઉત્પાદન ખર્ચમાં થનારા વધારાને કારણે કિંમતો વધવાની શકયતા જોવાઈ રહી છે. વિશ્વમાં ઝડપથી વિકસતી બજારોમાંની એક ભારતની ઓટો બજારમાં વેચાણ હાલમાં મંદ ગતિએ છે. વાહન ધરાવવાના ખર્ચમાં વધારો, શેરબજારની વોલેટિલિટી, તંગ લિક્વિડિટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં હતાશાને કારણે વાહનો ખરીદવાના નિર્ણયો મોકૂફ રખાઈ રહ્યા છે, એમ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેકચરર્સના એક હોદ્દેદારે જણાવ્યું હતું.
દરેક ઓટો સેગમેન્ટસમાં નાણાં વર્ષ ૨૦૧૭ અને ૨૦૧૯ની વચ્ચે તંદૂરસ્ત વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ૨૦૧૯ના પાછલા ૬ મહિનામાં આર્થિક વિકાસ દર તથા ઔદ્યોગિક ઉત્પાદન નિર્દેશાંક મંદ જોવાયા હતા એટલું જ નહીં કેરળમાં પૂરની સ્થિતિ, રાજકીય અનિશ્ચિતતા, વીમા ખર્ચમાં વધારો, ઈંધણના ઊંચા ભાવ, ધિરાણ ઉપલબ્ધતામાં ઘટાડો વગેરે પરિબળોએ ઓટો માગ પર અસર કરી હતી.
ઉદ્યોગ હાલમાં તાણ હેઠળ છે અને મોટાભાગના ઉત્પાદકોએ અગમચેતીના પગલાં લીધા છે. નવી કારો મોંઘી બનતા સેકન્ડહેન્ડ કાર માર્કેટનો વિકાસ થવાની પણ અપેક્ષા રખાઈ રહી છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VSk6RE
via Latest Gujarati News
0 Comments