મુંબઈ,તા.06 મે, 2019, સોમવાર
ઈરાન તરફથી આક્રમક ખરીદી અને રૂપિયામાં નબળાઈને પરિણામે નાણાં વર્ષ ૨૦૧૮-૧૯ના ગાળામાં બાસમતિ ચોખાની નિકાસ વોલ્યુમ્સ તથા રૂપિયાના મૂલ્ય દરેકમાં વિક્રમી રહી છે. દેશના ખેત પેદાશોની નિકાસમાં બાસમતિનો હિસ્સો સૌથી મોટો છે.
વોલ્યુમ્સમાં વાર્ષિક ધોરણે ૧૦ ટકા વધારો થઈને ગયા નાણાં વર્ષમાં ૪૪.૧૦ લાખ ટન રહ્યું હતું અને રૂપિયાની દ્રષ્ટિએ નિકાસ મૂલ્ય બાવીસ ટકા વધીને રૂપિયા ૩૨૮૦૬ કરોડ રહ્યું હતું. ડોલરની દ્રષ્ટિએ બાસમતિની નિકાસ ૧૩ ટકા વધીને ૪.૭૧ અબજ ડોલર રહી હતી. જે ૨૦૧૩-૧૪ બાદ બીજો સૌથી મોટો આંક છે. ૨૦૧૩-૧૪માં નિકાસ આંક ૪.૮૮ અબજ ડોલર રહ્યો હતો.
ઈરાન દ્વારા ભારતના બાસમતિની જંગી ખરીદીને કારણે નિકાસમાં વધારો થયો છે એમ બાસમતિ એકસપોર્ટ ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના એક હોદ્દેદારે જણાવ્યું હતું. અનેક વર્ષો પછી ઈરાનમાં ભારતના બાસમતિની માગ નીકળી છે. વિતેલા નાણાં વર્ષમાં ઈરાને ૧૪ લાખ ટન બાસમતિની આયાત કરી છે.
આ ઉપરાંત રૂપિયાની નબળાઈને કારણે મૂલ્યની દ્રષ્ટિએ બાસમતિની નિકાસમાં નવી ઊંચી સપાટી જોવાઈ છે. નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં ભારતની કુલ કૃષિ નિકાસમાં બાસમતિનો હિસ્સો ૨૫ ટકા જેટલો રહ્યો હતો. નાણાં વર્ષ ૨૦૧૭-૧૮ની સરખામણીએ નાણાં વર્ષ ૨૦૧૮-૧૯માં કૃષિ નિકાસ સાત ટકા વધીને રૂપિયા ૧.૨૮ લાખ કરોડ રહી હતી. જો કે ડોલરની દ્રષ્ટિએ કુલ કૃષિ નિકાસ ૧.૧૫ ટકા ઘટી ૧૮.૩૮ અબજ ડોલર રહી હતી.
નોન-બાસમતિ, મગફળી તથા અન્ય કૃષિ પ્રોડકટસની નિકાસ ઘટી જતા ડોલરની દ્રષ્ટિએ નિકાસ મૂલ્ય નીચું રહ્યું છે એમ સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ls3qwF
via Latest Gujarati News
0 Comments