મુંબઈને રોજ લાખો લિટર પાણી પૂરું પાડતા શાહપુરના ગ્રામજનોને પાણીનાં વલખાં


- થાણેના સૌથી મોટા તાલુકાના ત્રણ બંધોનું પાણી મુંબઈગરા પીએ છે ત્યારે ગ્રામવાસીઓને એક બાલટી પાણી માટે રાતોના ઉજાગરા

મુંબઇ, તા. 12 મે 2019, રવિવાર

આ ઉનાળામાં મુંબઈમાં ભલે દસ ટકા પાણીકાપ મૂકાયો પરંતુ તે પછી પણ મુંબઈગરાને પાણી સતત પૂરું પાડવામાં આવે છે અને તેમણે પાણીની અછત સહેવી પડતી નથી.

પરંતુ વિડંબના એ છે કે મુંબઈને જ્યાંથી પાણી પૂરું પડાય છે તે શાહપુર તાલુકાના લોકોએ એક બાલટી પાણી મેળવવા રોજ સંઘર્ષ કરવો પડે છે. આ તાલુકામાં આવેલા વૈતરણા તથા તાનસા બંધોમાંથી રોજ ૪૫૫ મિલિઅન લિટર તથા ભાત્સા બંધમાંથી ૨૦૫૦ મિલિઅન લિટર પાણી મુંબઈને પૂરું પાડવામાં આવે છે.

શાહપુર તાલુકાને તેના અધિકારનો પાણીનો જથ્થો મળવો જોઈએ એવી માગણી સાથે શાહપુરના એક હજાર લોકોએ ગયા ઉનાળામાં મંત્રાલય સુધીનો મોરચો પણ કાઢયો હતો. મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળવા પગપાળા એકસો કિલોમીટરનું અંતર કાપીને આવેલા દેખાવકારોએ કહ્યું હતું કે થાણે જિલ્લાના સૌથી મોટા તાલુકા શાહપુરના ત્રણ બંધો મુંબઈને પાણી પૂરું પાડે છે પણ અમારે પાણીની તંગી વેઠવી પડે છે.

શાહપુરના રહિશોએ કહ્યું હતું કે મુંબઈગરા એક દિવસમાં વાપરે છે તેટલું પાણી અમને લગભગ એક વર્ષ સુધી ચાલે. શાહપુર ગ્રામ પંચાયત સમિતિએ અંદાજ લગાવ્યો છે કે તાલુકાની ચાર લાખ લોકોની વસતિને રોજ ૧૭.૬૨ મિલિઅન લિટર પાણી જોઈએ. તાલુકાનાં લગભગ ૧૫૦ ગામડાંને પાણી મળતું નથી જ્યારે કેટલાંક ગામડાને ટેન્કરો દ્વારા પાણી પહોંચાડાય છે.

શાહપુરના એક રહિશે કહ્યું હતું કે અમારી માગ પાણી પુરવઠામાં સમાનતાની છે. મુંબઈને સાતેય દિવસ ચોવીસે કલાક પાણી મળે છે. જ્યારે અમારે એક બાલદી પાણી મેળવવા આખી રાતનો ઉજાગરો કરવો પડે છે. જાણવા મળ્યા મુજબ મુંબઈને પાણી પૂરું પાડવા બદલ ચૂકવાતા નાણાં શાહપુરને નહીં જિલ્લા પરિષદને મળે છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E4wQKO
via Latest Gujarati News

Post a Comment

0 Comments