હાઈસ્કોરિંગ વર્લ્ડકપમાં બોલરોનો દેખાવ નિર્ણાયક સાબિત થશે : દ્રવિડ

નવી દિલ્હી, તા.૧૯

ઈંગ્લેન્ડની ભૂમિ પર યોજાનારા વર્લ્ડકપના મુકાબલા હાઈસ્કોરિંગ રહેશે તે હવે નિશ્ચિત બનતું જાય છે. હાલમાં ઈંગ્લેન્ડની ભૂમિ પર જ ચાલી રહેલી પાકિસ્તાન સામેની યજમાનોની સિરીઝમાં જે પ્રકારે જંગી સ્કોર ખડકાઈ રહ્યા છે, તેના પર વર્લ્ડકપ રમનારી ટીમોના આંકડાશાસ્ત્રી વિશ્લેષકોની બાજ નજર રાખી રહ્યા છે. આ દરમિયાન જ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે જણાવ્યું છે કે, આગામી વર્લ્ડકપ હાઈસ્કોરિંગ રહેશે તેમાં કોઈ શંકા નથી. જોકે બેટ્સમેનો માટે સ્વર્ગ સમી પીચો પર જે ટીમના બોલરો અસરકારક સાબિત થશે, તેઓ જ વર્લ્ડકપ જીતી જશે.

વાતાવરણમાં આવેલા પલ્ટાને કારણે ઈંગ્લેન્ડની પીચો હવે પહેલાની જેમ ફાસ્ટ બોલરો માટે મદદગાર અને બેટ્સમેનો માટે ભયાવહ રહી નથી. તેમાંય સૂર્યપ્રકાશ ખીલેલો હોય ત્યારે તો ઈંગ્લિશ પીચો બેટ્સમેનો માટે સ્વર્ગ સમી બની રહેશે. દ્રવિડ માને છે કે, ઈંગ્લેન્ડની પીચો પર વર્લ્ડકપ દરમિયાન બેટીંગ કરવી આસાન હશે. હવે આવી પરિસ્થિતિમાં જે ટીમો વિકેટ ઝડપતી રહેશે અને બેટ્સમેનોને આસાનીથી રન નહિ આપે તેની જીતવાની શક્યતા વધી જશે.

મીડલ ઓવર્સમાં વિકેટ ઝડપવી નિર્ણાયક બનશે

દ્રવિડે કહ્યું હતુ કે, ગત વર્ષે અમે ઈન્ડિયા-એ ટીમની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે ગયા હતા, ત્યારે ત્યાં બેટીંગ કરવી ખુબ જ આસાન હતી. હાલ પણ આપણે જોઈ રહ્યા છીએ કે, બેટ્સમેનો માટે ઈંગ્લેન્ડની પીચો ફાયદાકારક બની રહેશે. આવી પરિસ્થિતિમાં જે ટીમના બોલરો મીડલ ઓવર્સમાં વિકેટ ઝડપતાં રહેશે તેઓને સફળતા મળશે. મને લાગે છે કે, આ મામલે ભારત ભાગ્યશાળી છે. ભારત પાસે બુમરાહ, કુલદીપ અને ચહલ જેવા વિકેટ ઝડપતાં બોલરો છે. ભારતીય બોલરોનો દેખાવ મીડલ ઓવર્સમાં સારો રહ્યો છે અને બાબત ભારત માટે આવકારદાયક રહેશે. 

વર્લ્ડ રેન્કિંગમાં બીજા સ્થાને રહેલું ભારત ફેવરિટ

વન ડે રેન્કિંગમાં ભારતીય ટીમ હાલ બીજા ક્રમે છે અને દ્રવિડે કહ્યું કે, ભારતને આ સ્થાન એટલા માટે મળ્યું છે કારણ કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનો દેખાવ સાતત્યભર્યો રહ્યો છે. ભારતનો ટ્રેક રેકોર્ડ જ બતાવે છે કે, ટીમ વર્લ્ડકપ જીતવાના પ્રબળ દાવેદારોમાં સામેલ છે. મને લાગે છે કે, આ વર્લ્ડકપ અત્યંત પડકારજનક રહેશે. દરેક ટીમો જબરજસ્ત તૈયારી સાથે આવી પહોચી છે. તેઓ એક પણ તક જતી નહી કરે. વર્લ્ડકપમાં સ્પર્ધામાં ઉતરનારી ટીમો આક્રમક દેખાવ સાથે મેચમાં પ્રભુત્વ મેળવવાની કોશીશ કરશે. ભારત પણ વર્લ્ડકપના દાવેદારોમાં સામેલ છે. 

ભારત-સાઉથ આફ્રિકા માર્ચ પછી વન ડે રમ્યા જ નથી

ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર આઇપીએલમાં વ્યસ્ત હોવાના કારણે છેલ્લા બે મહિનાથી વન ડે ક્રિકેટ રમ્યા જ નથી. સાઉથ આફ્રિકા પણ ઘરઆંગણે માર્ચમાં શ્રીલંકા સામે શ્રેણી રમ્યું તે પછી એક પણ વન ડે મેચ રમ્યું નથી. હવે ભારત અને સાઉથ આફ્રિકા વર્લ્ડકપ અગાઉની પ્રેક્ટિસ મેચમાં ફરી વન ડેના ફોરમેટમાં મેદાન પર ઉતરશે. વર્લ્ડકપમાં ભાગ લેનારી અન્ય તમામ ટીમોએ વર્લ્ડકપ અગાઉ વન ડે શ્રેણી રમીને પ્રેક્ટિસ કરી લીધી છે. બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ આયર્લેન્ડમાં ત્રિકોણીય જંગ રમ્યા છે. શ્રીલંકા સ્કોટલેન્ડમાં રમી રહ્યું છે. ઓસ્ટ્રેલિયા ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે પ્રેક્ટિસ વન ડે શ્રેણી રમ્યું છે. અફઘાનિસ્તાન પણ હાલ આયર્લેન્ડ સામે રમી રહ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન પણ વન ડે શ્રેણી રમી રહ્યા છે. જ્યારે માત્ર ભારત અને સાઉફ આફ્રિકા જ એવી ટીમો છે કે જે સીધી જ વર્લ્ડકપ અગાઉની પ્રેક્ટિસ મેચમાં વન ડે ફોર્મેટમાં રમશે. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WSjSra
via Latest Gujarati News

Post a Comment

0 Comments