વોશિંગ્ટન, તા. 02 મે, 2019, ગુરૂવાર
અમેરિકન ફેડરલ રિઝર્વેના અધિકારીઓએ વ્યાજ દર યથાવત રાખવાનો સર્વાનુમતે નિર્ણય લીધો હતો. બુધવારે સમાપ્ત થયેલી નાણાં નીતિની સમીક્ષા બેઠકમાં ફેડરલે વ્યાજ દર ૨.૨૫ ટકાથી ૨.૫૦ ટકાની રેન્જમાં જાળવી રાખવા ઠરાવ્યું હતું.
આ ઉપરાંત, નજીકના ભવિષ્યમાં તેમાં કોઈપણ ઘટાડો નહીં કરાય તેવા પણ સંકેત આપી દેવાયા હતા. હાલમાં ઘટાડો નહીં કરવા પાછળ મજબૂત રોજગાર નિર્માણ, આર્થિક વિકાસમાં ગતિ અને નબળા ફુગાવાના કારણો આગળ ધરવામાં આવ્યા હતા.
અમે માનીએ છીએ કે, પોલિસીને લગતુ અમારું વલણ હાલના સ્તરે યોગ્ય છે. તેમાં વધારો કે ઘટાડો કરવાના હાલમાં કોઈપણ કારણો જણાતા નથી, ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે બે દિવસની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું.
ચેરમેનના નિવેદનને પગલે વ્યાજ દરમાં ઘટાડાની અપેક્ષા પર હાલમાં પૂર્ણવિરામ મુકાઈ જતા બુધવારે અમેરિકાના શેરબજારોમાં ઘટાડો જોવાયો હતો. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સપ્તાહના પ્રારંભમાં ફેડરલને વ્યાજ દરમાં ઘટાડો કરવા અનુરોધ કર્યો હતો, પરંતુ ફેડરલે તેમની આ વિનંતીને હાલમાં ઠુકરાવી દીધી છે.
ફુગાવાનું નીચું સ્તર ફેડરલ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. ફુગાવો ફેડરલના બે ટકાના ટાર્ગેટથી નીચે જઈ રહ્યો છે. અમેરિકામાં હાલમાં ફુગાવાનો દર ૧.૬૦ ટકા આસપાસ પ્રવર્તી રહ્યો છે. અમેરિકા દ્વારા વ્યાજદરમાં કોઈ ફેરબદલ નહીં કરાતા અને ફુગાવો નીચો જળવાઈ રહેશે તો, વ્યાજ દરમાં શકય કપાતના સંકેત ભારત સહિતની ઊભરતી બજારો માટે એફપીઈઆઈ ફલોઝની દ્રષ્ટિએ પોઝિટિવ મનાય રહ્યા છે.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2ZOxC85
via Latest Gujarati News
0 Comments