તેહરાન, તા. 15 મે 2019, બુધવાર
અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલો તનાવ ભારત સહિત દુનિયાના તમામ દેશો માટે ચિંતાજનક છે.
કારણકે બંને દેશો વચ્ચેના ટકરાવનો મતલબ છે ક્રુડ ઓઈલના ભાવમાં ઉછાળો અને તેની સૌથી વધુ અસર ભારત જેવા દેશો પર પડી શકે છે.
ઈરાને પહેલા જ ચેતવણી આપી છે કે, જો તનાવ વધ્યો તો અમે દુનિયામાં ક્રુડ ઓઈલની ધોરી નસ મનાતા હોર્મુઝની ખાડીનો રસ્તો બંધ કરી દઈશું. આ જગ્યા દુનિયાભરમાં ઓઈલના વેપાર માટે મહત્વની છે. આ જળમાર્ગે રોજ લગભગ 15 મિલિયન બેરલ ઓઈલ સપ્લાય કરવામાં આવે છે. જો ઈરાન આ ધમકી પર અમલ કરશે તો દુનિયાભરમાં હાહાકાર થઈ જશે.
કારણકે સાઉદી અરબ, ઈરાક, યુએઈ, કુવેત, કતાર જેવા દેશો આ રસ્તે બીજા દેશોને ઓઈલ મોકલતા હોય છે. આ રસ્તો બંધ થતા સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે.
જાણકારોનુ માનવુ છે કે, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તનાવ વધુ એક ગલ્ફ વોરની સ્થિતિ પેદા કરી રહ્યો છે. આવુ થયુ તો ભારતની મુશ્કેલીઓ વધી જવાની છે.
1980 થી 1988 દરમિયાન ચાલેલા ઈરાન ઈરાક વોચ વચ્ચે બંને દેશોએ એકબીજાના તેલ એક્સપોર્ટને ટાર્ગેટ કર્યુ હતુ. તે વખતે બંને દેશો એક બીજાના ઓઈલ ટેન્કર પર હુમલા પણ કરતા હતા. એ પછી અમેરિકાએ વેપારી જહાજોને સુરક્ષા આપવા પોતાના યુધ્ધ જહાજોને આ વિસ્તારમાં ઉતાર્યા હતા.
2015માં અમેરિકા સહિતના છ દેશોએ ઈરાન સાથે કરેલા પરમાણુ કરાર બાદ જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા તો તેમણે આ કરારથી અમેરિકાને અલગ કરીને ફરી ઈરાન પર પ્રતિબંધો મુકવાનુ નક્કી કર્યુ હતુ જેનાથી ઈરાન ભડકી ઉઠ્યુ હતુ અને ઈરાને પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ફરી શરુ કરવાની જાહેરાત કરી હતી.
એ પછી ઈરાન અવાર નવાર હોર્મુઝની ખાડીનો જળમાર્ગ બંધ કરવાની ધમકી આપતુ રહ્યુ છે.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HkBgPK
via Latest Gujarati News
0 Comments