વિરારમાં યુવાન ક્રિકેટરે માતા સાથે ઝેર પીને આત્મહત્યા કરી


મુંબઇ, તા. 11 મે 2019, શનિવાર

વિરારમાં રહેતા એક યુવાન ક્રિકેટરે માતા સાથે મળી વિશપ્રાશન કરી જીવન ટૂંકાવતા અરેરાટી વ્યાપી ગઈ હતી. વિનય પ્રકાશ ચૌગુલે (૨૫) અને તેની માતા સરસ્વતી પ્રકાશ ચૌગુલે (૪૨) વિરારના નારંગી વિસ્તારની એક ઈમારતમાં સાથે રહેતા હતા. આ  બન્નેના મૃતદેહ ગઈકાલે રાત્રે સવા આઠ વાગ્યે તેમના ભાડે રહેતા ઘરમાંથી મળી આવ્યા હતા.

આ ઘટના બાદ વિરાર પોલીસે ઘટનાસ્થળે પંચનામુ કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. હાલ તો પોલીસે આકસ્મિક મૃત્યુની નોંધ કરી આત્મહત્યાના કારણની તપાસ આદરી છે.

આ સંદર્ભે મળેલ પ્રાથમિક વિગતાનુસાર વિનયના પિતા હયાત નથી. તે તેની માતા સરસ્વતી સાથે રહેતો તેમજ એક ખાનગી કંપનીમાં નોકરી કરતો. તે કાયમ નાણાભીડમાં જ રહેતો. આ ઉપરાંત તેના માથે દેવુ પણ થયું હતું. તેથી નિરાશ થઈ બન્નેએ આત્મહત્યા કરી હોવાનો પ્રાથમિક અંદાજ વ્યક્ત કરવામાં આવે છે.

વિનય ખૂબ જ સારો ઓલરાઉન્ડર ખેલાડી હતો. તે વિરારની એક ટીમ વતી રમતો. તેણે ક્રિકેટમાં ઉત્તમ દેખાવ કરી ઘણા ઈનામો મેળવ્યા હતા. આ રીતે માં- દિકરા બન્નેએ ઝેર પીને આત્મહત્યા કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E3oGCG
via Latest Gujarati News

Post a Comment

0 Comments