અમેરિકા ચીનની વસ્તુઓ પર ડયુટી વધારશે તો અમે પણ ચૂપ નહીં બેસીએ : ચીન


નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર

વિશ્વના બે મોટો અર્થતંત્ર અમેરિકા અને ચીન વચ્ચે જારી ટ્રેડ વોર સમાપ્ત કરવા ૯ અને ૧૦ મેના રોજ મંત્રણા થવાની છે. જો કે ટ્રમ્પના તાજેતરના નિવેદનથી બંને દેશો વચ્ચે તંગદિલી વધી ગઇ છે.

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર આયાત ડયુટી વધારી ૨૫ ટકા કરવાની ધમકી આપી છે. જેના જવાબમા ચીને પણ જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી છે.  ઉલ્લેખનીય છે કે ચીન-અમેરિકા વચ્ચેનો વેપાર ગતિરોધ દૂર કરવા માટે ૯ અને ૧૦ મેના રોજ વોશિંગ્ટનમાં મંત્રણા થવાની છે. 

આ મંત્રણામાં ચીનનું પ્રતિનિધિત્ત્વ ચીનના નાયબ વડાપ્રધાન લિઉ કરી રહ્યાં છે જ્યારે અમેરિકાની તરફથી તેમાં યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ રોબર્ટ લાઇટીઝર અને ટ્રેઝરી સેક્રેટરી એટલે કે નાણા પ્રધાન સ્ટીવન મ્નુછિન ભાગ લેશે. 

મંત્રણા અગાઉ અમેરિકાએ આરોપ મૂક્યો છે કે અગાઉની મંત્રણામાં જે મુદ્દાઓ પર સંમતિ સધાઇ હતી હવે તેનાથી ચીન પીછેહઠ કરી રહ્યું છે. 

ન્યૂઝ એજન્સી રાયટર્સના જણાવ્યા અનુસાર મંત્રણા અગાઉ ટ્રમ્પે ધમકી આપી હતી કે તે ચીનની વસ્તુઓ પર આયાત ડયુટી વધારી દેશે. આ ધમકીને પગલે વૈશ્વિક બજારોમાં હજુ પણ મંદી જોવા મળી રહી છે. 

આ દરમિયાન ચીનના વાણિજય પ્રધાને જણાવ્યું છે કે ટ્રમ્પની ધમકીથી અમને દુ:ખ થયું છે ચીનની વસ્તુઓ પર જો અમેરિકા ડયુટી વધારશે તો તેની વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરવામાં આવશે. જો કે ટ્રમ્પની ધમકી છતાં વેપાર મંત્રણામાં ભાગ લેવાના પોતાના નિર્ણયમાં કોઇ ફેરફાર કર્યો નથી.



from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PVorOE
via Latest Gujarati News

Post a Comment

0 Comments