
મમતા નથી ઇચ્છતા કે પ. બંગાળનો વિકાસ થાય, તેઓ પોતાની અને પરિવારજનોની જ ચિંતા કરતા હોવાનો દાવો
નવી દિલ્હી, તા. 9 મે, 2019, ગુરૂવાર
તૃણમુલ કોંગ્રેસના વડા અને પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી જુઠા વડા પ્રધાન છે અને એટલુ જુઠ બોલે છે કે તેમને ખરેખર લોકશાહીની થપ્પડ પડવી જોઇએ.
મમતાના આ નિવેદનને લઇને બાદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે મમતા બેનરજીને હું દીદી કહુ છું અને તેઓ મને થપ્પડ મારવાનું કહે છે, મમતા દીદી તમારી થપ્પડ પણ મારા માટે આશિર્વાદ બની રહેશે.
મોદીએ સાથે એવો પણ દાવો કર્યો હતો કે હું બંધારણીય વડા પ્રધાન પદ પર છું છતા તમે મને સ્વીકારવાની ના પાડીને બંધારણનુ જ અપમાન કરી રહ્યા છો. મોદીએ જણાવ્યું હતું કે મુખ્ય પ્રધાન મમતા બેનરજી પશ્ચિમ બંગાળનો વિકાસ થાય તેવું ઇચ્છતા જ નથી. સત્તાની લાલચમાં મમતાએ રાજ્યનો નાશ કરી નાખ્યો છે.
મમતા બેનરજી કહે છે કે હું હવે અક્સ્પાયરી પીએમ છું, આવું કહીને તેઓ મને વડા પ્રધાન તરીકે સ્વીકારવાની જ ના પાડીને બંધારણનું અપમાન કરી રહ્યા છે. મે એવુ પણ સાંભળ્યું છે કે મમતા દીદી મને ગાલ પર થપ્પડ મારવા માગે છે, હું મમતાજીને દીદી કહીને તેમનું માન જાળવું છું અને તેઓ મને થપ્પડ મારવાની વાતો કરે છે,
તમારી થપ્પડ પણ મારા માટે આશિર્વાદ બની રહેશે. સાથે મોદીએ કહ્યું હતું કે ટીએમસી વડા પાસે જે લોકો પશ્ચિમ બંગાળમાં કૌભાંડો કરી રહ્યા છે તેમને થપ્પડ મારવાની હિમ્મત પણ હોવી જોઇએ. જ્યારે મમતા દીદી પોતાના સગાઓનું ભવિષ્ય બનાવવામાં વ્યસ્ત હતા ત્યારે તેમના પક્ષના નેતાઓ મોટા કૌભાંડો આચરવામાં વ્યસ્ત હતા.
આવી સ્થિતિમાં રાજ્યનો વિકાસ કેવી રીતે થઇ શકે? મોદીએ સાથે દાવો કર્યો હતો કે મારુ વારંવાર અપમાન થઇ રહ્યું છે, વિપક્ષ મને મનફાવે તેવી ગાળો આપે છે અને અપમાનીત કરે છે. નોંધનીય છે કે અગાઉ મોદીએ દાવો કર્યો હતો કે વાવાઝોડુ આવ્યું તે સમયે પીએમઓ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાનનો સંપર્ક કરાયો હતો પણ તેમણે જવાબ જ ન મોકલ્યો.
મહામિલાવટીયાઓની ખીચડી સરકાર દેશની સુરક્ષા જોખમમાં મુકશે : મોદી
આઝમગઢ, તા. 9 મે, 2019, ગુરૂવાર
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશના આઝમગઢમાં રેલીને સંબોધી હતી, જે દરમિયાન તેમણે એક રેલીને સંબોધી હતી. આ રેલીમાં મોદીએ વિપક્ષના ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા સાથે દાવો કર્યો હતો કે મહામિલાવટીયાઓની ખીચડી સરકાર દેશની સુરક્ષા જોખમમાં મુકશે માટે તેમને કોઇએ પણ મત ન આપવા જોઇએ. મોદીએ દાવો કર્યો હતો કે આ વિપક્ષ જ્યારે સત્તામાં હોય છે ત્યારે આતંકીઓનો ધર્મ, જાતી વગેરે જોઇને તેની વિરુદ્ધ કાર્યવાહી કરે છે જ્યારે વર્તમાન સરકાર આવુ કઇ જોતી નથી કેમ કે આતંકવાદી અંતે તો આતંકવાદી હોય છે. અગાઉ દરેક આતંકી પ્રવૃત્તિની લિંક આઝમગઢ સાથે મળતી આવતી હતી જોકે ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી પછી શું થયું તે દરેક લોકો જાણે છે. મોદીએ સાથે દાવો કર્યો હતો કે વર્તમાન સરકારે પાકિસ્તાનમાં ઘુસીને આતંકી કોમ્પોનો ખાતમો બોલાવ્યો છે. અગાઉની યુપીએ સરકારના કાર્યકાળમાં એવો કોઇ વિસ્તાર નહીં બચ્યો હોય કે જ્યા ભ્રષ્ટાચાર ન થયો હોય.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JpVdGy
via Latest Gujarati News
0 Comments