'ચોકીદાર ચોર હે' ના મામલામાં રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટની બિનશરતી માફી માગી

નવી દિલ્હી, તા. 8. મે. 2019 મંગળવાર

રાફેલ મામલામાં સુપ્રીમ કોર્ટના હવાલાથી 'ચોકીદાર ચોર હૈ ...'નુ નિવેદન આપનાર કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સામે સુપ્રીમ કોર્ટની અવમાનના કરવાની અરજી થઈ હતી.

આ સંદર્ભમાં રાહુલ ગાંધીએ બીનશરતી માફી માંગી લીધી છે.શુક્રવારે આ મામલાની સુનાવણી થવાની છે પણ તે પહેલા જ આજે રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં 3 પેજનુ નવુ સોગંદનામુ દાખલ કરીને પોતાના નિવેદન પર માફી માંગીને કહ્યુ છે કે, અજાણતા જ કોર્ટના હવાલાથી ચોકીદાર ચોર વાળુ નિવેદન આપ્યુ હતુ.મારો એવો કોઈ ઈરાદો નહોતો.

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામા કહ્યુ છે કે, મેં ભૂલથી મારા પોતાના પોલિટિકલ સ્લોગનને સુપ્રીમ કોર્ટ સાથે જોડી દીધુ હતુ.

ઉલ્લેખનીય છે કે,આ પહેલા રાહુલ ગાંધીએ 2 સોગંદનામા રજૂ કર્યા હતા પણ માફી માંગવાની જગ્યાએ ખેદ વ્યક્ત ક્રયો હતો.જોકે સુપ્રીમ કોર્ટે તેની સામે પણ લાલ આંખ કરી હતી.હવે નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ ખેદની જગ્યાએ માફી શબ્દનો ઉપયોગ કરીને કહ્યુ છે કે, મારી માફી સ્વીકારી લેવામાં આવે અને આ મામલાને બંધ કરવામાં આવે.

રાફેલ ડીલમાં પીએમ મોદી પર સતત આરોપ લગાવતા આવેલા રાહુલ ગાંધીએ જાહેર નિવેદન આપ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટ પણ કહે છે કે ચોકીદાર ચોર છે.જોકે તેની સામે ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ કોર્ટમાં અવમાનની અરજી કરી હતી.

30 એપ્રિલે આ મામલાની સુનાવણી દરમિયાન રાહુલ ગાંધીનુ 22 પાનનુ સોગંદનામુ રજૂ કરાયુ ત્યારે ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ સવાલ કર્યો હતો કે, કોર્ટના નામે કેમ આવુ કહેવામાં આવી રહ્યુ છે...તમે જે સોગંદનામુ રજૂ કર્યુ છે તેમાં એક જગ્યાએ ખેદ વ્યક્ત કર્યો છે તો બીજી જગ્યાએ નિવેદનને યોગ્ય ઠેરવ્યુ છે.કોર્ટને લાગે છે કે, સુપ્રીમ કોર્ટના હવાલાથી જે નિવેદન અપાયુ છે તે માટે તો તમે માફી માગી જ નથી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Vlfy7a
via Latest Gujarati News

Post a Comment

0 Comments