પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદી રાજ્ય સરકારના કામોમાં હસ્તક્ષેપ ન કરી શકે : મદ્રાસ હાઇકોર્ટ


(પીટીઆઇ) ચેન્નાઇ, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીના દરરોજી બાબતોમાં રાજ્યપાલ લેફ્ટનન્ટ ગવર્નર જનરલ કિરણ બેદી હસ્તક્ષેપ કરી શકે નહીં તેમ મદ્રાસ હાઇકોર્ટે આજે એક ચુકાદામાં જણાવ્યું છે. પુડુચેરીના મુખ્યપ્રધાન વી નારાયણસામીએ કોર્ટના આ ચુકાદાને લોકશાહીનો વિજય ગણાવ્યો છે. 

કોંગ્રેસના ધારાસભ્ય કે લક્ષ્મીનારાયણે દાખલ કરેલી અરજીના સંદર્ભમાં મદ્રાસ હાઇકોર્ટના ન્યાયમૂર્તિ આર મહાદેવને જણાવ્યું છે. 

ન્યાયમૂર્તિ આર મહાદેવને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના રાજ્યપાલ અનિલ બૈજલ વચ્ચેના વિવાદ અંગે સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદાનો સંદર્ભ આપ્યો હતો. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર પર મૂકવામાં આવેલા પ્રતિબંધ પુડુચેરીની સરકારને લાગુ પડે નહી. 

ન્યાયમૂર્તિ મહાદેવને વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી અને પુડુચેરી વચ્ચે ઘણો તફાવત છે. પુડુચેરી રાજ્ય ન હોવા છતાં તેની વિધાનસભા પાસે રાજ્ય જેટલી જ સત્તા છે. 

મદ્રાસ હાઇકોર્ટના ચુકાદાની પ્રશંસા કરતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મુખ્યપ્રધાન નારાયણસામીએ જણાવ્યું હતું કે આ ચુકાદો ઐતિહાસિક છે આ ચુકાદાથી લોકશાહીનો વિજય થયો છે. 

ઉલ્લેખનીય છે કે કેજરીવાલની જેમ નારાયણસામીને પણ પુડુચેરીના રાજ્યપાલ સાથે અનેક વખત ટકરાવ થયો હતો. 

બીજી તરફ પુડુચેરીના રાજ્યપાલ કિરણ બેદીએ જણાવ્યું છે કે અમે ચુકાદાની સમીક્ષા કરી રહ્યાં છીએ. જજે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે રાજ્યપાલ સરકારના રોજબરોજના કાર્યોમાં હસ્તક્ષેપ કરી શકે નહીં. મંત્રીમંડળ અને મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવેલા નિર્ણયો પર અમલ કરવા સચિવાલયના અધિકારીઓ બંધાયેલા છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LeFTPm
via Latest Gujarati News

Post a Comment

0 Comments