
નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ મહત્વપૂર્ણ નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપ વિચારધારા પર આધારિત પક્ષ છે અને ક્યારેય મોદી-શાહની પાર્ટી બનશે નહીં. ભાજપ વ્યક્તિવાદ ઉપર ચાલતો પક્ષ નથી.
ભાજપના પૂર્વ અધ્યક્ષ, વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી નીતીન ગડકરીએ નરેન્દ્ર મોદી અને અમિત શાહના સંદર્ભમાં મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. ભાજપ હવે મોદી-શાહની પાર્ટી છે એવી ટીકા વિપક્ષો સતત કરતા રહે છે. તે સંદર્ભમાં નીતીન ગડકરીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે ભાજપ વિચારધારા આધારિત પાર્ટી છે અને તે ક્યારેય વ્યક્તિ કેન્દ્રી બનશે નહીં. ભાજપ માત્ર અટલ-અડવાણીનો પક્ષ પણ ન રહ્યો. તેમાં તમામ નેતાઓનું એક સરખું મહત્વ છે. ભાજપમાં પરિવારવાદ કે વ્યક્તિવાદ ચાલી શકે નહીં.
ભાજપમાં મોદી અને અમિત શાહના વધતા પ્રભાવ વચ્ચે ગડકરીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભાજપમાં કોઈ પણ એક-બે નેતાઓનું વર્ચસ્વ રહે અને એ જ પાર્ટી ચલાવે એવું બન્યું નથી અને બનશે પણ નહીં.
આગામી લોકસભાની ચૂંટણીના પરિણામો બાબતે ગડકરીએ કહ્યું હતું કે ભાજપને ૨૦૧૪ની લોકસભામાં જેટલી બેઠકો મળી હતી, તેના કરતા પણ વધુ બેઠકો મળશે. જેમ એક સમયે ઈન્ડિયા ઈઝ ઈન્દિરા અને ઈન્દિરા ઈઝ ઈન્ડિયા જેવી સ્થિતિ હતી, તેમ અત્યારે ભાજપ એટલે મોદી અને મોદી એટલે ભાજપ એવી ઓળખ બની ગઈ છે, તેના સંદર્ભમાં ગડકરીએ સ્પષ્ટતા કરી હતી કે ભાજપમાં તમામ નેતાઓ મહત્વના છે અને તેમાં વ્યક્તિ કરતા વિચારધારાનું મહત્વ છે.
મોદી લહેરના સંદર્ભમાં ગડકરીએ બહુ સૂચન નિવેદન આપતા કહ્યું હતું કે જેમ પાર્ટી મજબૂત હોય પણ સારો નેતા ન હોય તો ચૂંટણી જીતી નથી શકાતી, તેમ મજબૂત નેતા હોય પણ પાર્ટી અને સંગઠન મજબૂત ન હોય તો ચૂંટણી જીતી શકે નહીં. પાર્ટી અને લોકપ્રિય નેતા બંને એકબીજાના પૂરક હોય છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vPjyxz
via Latest Gujarati News
0 Comments